સારી બાબતો જાણું છું છતાં કરી શકતો નથી… ખરાબને જાણવા છતાં એ કરવાનું મન થાય છે!

0
746

મહાભારતમાં પ્રસંગોની હારમાળા છે. પ્રત્યેક પાત્ર જીવનરસથી ભરપૂર છે. આપણે જેને ખલપાત્ર ગણીએ છીએ એ દુર્યોધન આવું કહે છે કે ‘સારું શું છે એ જાણું છું. છતાં એ કરી શકતો નથી. ખરાબ શું છે એ જાણવા છતાં પણ એ કરવાનું મન થાય છે.’ આમાં માનવમનની વિડંબના રજૂ થઈ છે. આપણી નજર સામે કેટકેટલા બનાવો બને છે. કેટલા લોકોના અનુભવો સાંભળવા મળે છે. અરે! આપણા ખુદના અનુભવનો પણ કોઈ પદાર્થપાઠ હોય તો પણ માણસ એમાંથી કશું જ શીખતો નથી! માણસની સ્વભાવગત લાક્ષણિકતાઓ કે વિસ્મૃતિના ભાવો તેને ધરમૂળથી બદલતાં રોકે છે. ભાભીના સામાન્ય ટોણાથી વૈરાગ્યમાં સરી પડનાર નરસિંહ મહેતા કે મૃત્યુ અને રોગથી પીડિત મનુષ્યોની હાલત જોઈ દ્રવિત થઈ જનાર ગૌતમ બુદ્ધના જીવનમાં ‘યુ-ટર્ન’ આવ્યા હતા, પરંતુ આવા કિસ્સાઓ વિરલ હોય છે. મોટા ભાગના માણસો જીવનના અનુભવ કે મુશ્કેલીઓમાંથી કશું જ શીખતા નથી. તેમની મૂળભૂત પ્રકૃતિમાં સામાન્ય પરિવર્તન એ પણ મોટી ઘટના હોય છે. નહિતર આપણી સામે નીતિ અને ધર્મની કેટલી બધી જાણકારી પડી હોય છે! સામાન્ય સુભાષિતોમાં અદ્ભુત ડહાપણ અને મર્મની વાતો રચાયેલી પડી હોય છે, જેમ કે એક સુભાષિતમાં કહેવાયું છે કે, ‘નાણસોમાં મોટા ભાગના તો અજ્ઞાનના કારણે નાશ પામ્યા છે, કેટલાક પ્રમાદના લીધે નાશ પામ્યા છે, કેટલાક જ્ઞાનના અભિમાનથી તો કેટલાક તો નાશ પામેલાઓનો સંગ કરવાથી નાશ પામ્યા છે!’

કેટલી અદ્ભુત વાત માત્ર ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ છે. અજ્ઞાન-આળસ-અભિમાન અને ખોટા માણસોની સોબત એ સર્વનાશનું મૂળ હોવા છતાં માણસો ફરીફરીને એ જ ભૂલોનું પુનરાવર્તન કરે છે. બીજાનું જોઈને માણસ શીખે છે એ વિનાશકારી બાબતોમાં જેટલું લાગુ પડે છે એના કરતાં વિપરીત સાચી બાબતોમાંથી તે કશું જ ગ્રહણ કરતો નથી એ સત્યમાં પણ જોવા મળે છે.

માણસે સંબંધો રાખવાની બાબતમાં શું ધ્યાન રાખવું જોઈએ?

‘જો બેની વચ્ચે ધનદોલત સરખાં હોય અને જો બન્નેનાં સરખાં કુળ હોય – તે બન્ને વચ્ચે મિત્રતા અને સંબંધ ટકે છે. સબળા અને નબળા વચ્ચે સંબંધ ટકતો નથી.’

આમાં આપણી જાણીતી ઘેલછા અને તેના થકી મળતી નિષ્ફળતાની વાત અસરકારક રીતે રજૂ થઈ છે. ‘લાંબા જોડે ટૂંકો જાય, મરે નહિ તો માંદો થાય’ એવું જાણવા છતાં માણસો મોટા લોકો સાથે સંબંધો બાંધવા જાય છે, પરંતુ સંબંધો હંમેશાં સમાનતાના ધોરણે ટકે છે એ વાત જ્યારે તેમને સમજાય છે ત્યારે એ પસ્તાય છે!

માણસની ટોળે વળવાની વૃત્તિ ઉપર એક સરસ સુભાષિત છે, જેનો સાર છેઃ
‘એકલો માણસ તપ કરે, બે માણસ ભેગા થાય તો અભ્યાસ કરે, ત્રણ ભેગા થાય તો ગીત ગાય, ચાર ભેગા થાય તો રસ્તો કાપે અને ઘણા માણસો ભેગા થાય તો યુદ્ધ કરે.’
આપણે જોઈએ છીએ કે કારણ વગર ભેગું થતું ટોળું કેવી દુર્દશા કરે છે. તેનું નિયમન કરવું જેટલું કઠિન છે તેના કરતાં વિશેષ કઠિન એને યોગ્ય દિશામાં વાળવાનું હોય છે. ટોળાની શૂન્યતા અનુભવતો માણસ ભાગ્યે જ સારું વિચારી શકે છે. માણસોને અનેક આંખો હોય છે, પરંતુ ટોળાને એક પણ આંખ હોતી નથી. ટોળામાં ફક્ત આક્રોશ હોય છે, જે હંમેશાં વિનાશ સર્જતો હોય છે!

સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતો એ ખરેખર મોંઘી વિરાસત છે. તેમાં નાની પદાવલિઓમાં જીવનનો અર્ક સંગ્રહાયેલો હોય છે. તેનું આચમન માણસને ન્યાલ કરી દે છે. માણસે કેવી રીતે વર્તવું?
‘ઉત્તમ માણસને નમસ્કારથી વશ કરવો, શૂરવીરને ભેદ બતાવીને, નીચજનને થોડુંક આપીને તેમ જ ઇષ્ટ સંબંધીજનોને ધર્મ બતાવીને કાર્યમાં જોડવા…’

આમાં યોગ્ય વ્યક્તિની કદર કરવાની શિખામણ છે. શૂરવીર સાથે કેમ વર્તવું તેનું રહસ્ય છે. અધમ માણસથી કઈ રીતે છુટકારો મેળવવો અને ‘કજિયાનું મોં કાળું’ સમજી તેને કઈ રીતે દૂર રાખવો તે ટૂંકા શબ્દોમાં રજૂ થયું છે! આ સુભાષિત આજની અનેક સમસ્યાઓનું નિરાકરણ સૂચવે છે!

‘નીલકમલ, કમળ, માછલું અને પોયણું એ ચારેય ચીજો એક જ ઠેકાણે જન્મે છે. છતાં તેમની ગંધ જુદી જુદી હોય છે. અર્થાત્ એક ઠેકાણે જન્મ લીધો હોવા છતાં તેમના સ્વભાવમાં ફેરફાર જોવા મળે છે.’
માણસની જન્મજાત પ્રકૃતિ જુદી હોય છે. તેને ઘણી વાર સ્થળ, ઉછેર કે વાતાવરણ પણ બદલી શકતાં નથી.

સુભાષિત મંજરી કે તેમાંથી નીકળતી સારરૂપ બાબતો જે-તે સમયે જ પ્રસ્તુત હતી એવું નથી. જમાનો બદલાયો છે, માણસના વિષયો બદલાયા છે, મૂલ્યોમાં પણ પરિવર્તનો આવ્યાં છે. આમ છતાં તેમાં કહેવાયેલી વાતો આજના સંદર્ભમાં પણ એટલી જ લાગુ પડે છે. એનું કારણ એમાં વ્યક્ત થતી શાશ્વત બાબતો અને વિવેકપૂર્ણ વાણી છે. તેના રચયિતાઓ શુદ્ધ કોટિના વિદ્વાનો હતા, જેમણે કેવળ પ્રજાકલ્યાણ અર્થે કે માણસની ઉન્નતિ માટે આ રચનાઓ કરેલી છે. માણસ ભલે પોતાના અનુભવોમાંથી કશું ન શીખે, માણસ ભલે હુંસાતુંસી કરે કે પોતાની શક્તિઓને જાણ્યા વગર માત્ર દેખાદેખીથી કોઈકની ઝાકમઝોળનું અનુકરણ કરે. જો થોડીક વિવેકબુદ્ધિથી આવાં સુભાષિતોનો સાર ગ્રહણ કરે તો તેની મુશ્કેલીઓમાં ઘણી બધી રાહત થઈ શકે એ ચોક્કસ વાત છે!

લેખક ગુજરાત સરકારના સનદી અધિકારી અને સાહિત્યસર્જક છે.