સારા સમાચારઃ દેશમાં ચોમાસાની એન્ટ્રી, કેરલમાં ધમાકેદાર વરસાદ

 

નવી દિલ્હીઃ ભારતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ૧ જૂને કેરલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારતીય હવામાન વિભાગે  એકવાર ફરી સામાન્ય વરસાદની જાહેરાત કરી છે.  ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રએ કહ્યુ, દક્ષિણ-પશ્ચિમ મોનસૂને કેરલમાં એન્ટ્રી કરી લીધી છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનાર આ મોનસૂનને કારણે દેશમાં ૭૫ ટકા વરસાદ થાય છે. હવામાનનું પૂર્વાનુમાન લગાવનારી એક ખાનગી એજન્સી સ્કાઇમેટે ૩૦ મેએ ચોમાસુ આવવાની જાહેરાત કરી હતી, પરંતુ આઈએમડીએ તેનો ઇનકાર કરતા કહ્યું હતું કે, આ પ્રકારની જાહેરાત માટે હજુ સ્થિતિ બની નથી. ચોમાસાએ નક્કી કરેલા સમયે કેરલમાં એન્ટ્રી કરી છે. મહત્ત્વનું છે કે કેરલમાં થોડા દિવસથી પ્રી મોનસૂન વરસાદ થતો રહ્યો છે. રાજધાની તિરૂવનંતપુરમમાં સોમવારે ભારે વરસાદ થયો છે. મૃત્યુંજય મહાપાત્રએ કહ્યું કે, આ વર્ષે પણ નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં ઓછો વરસાદ થશે. તેમણે એમ પણ કહ્યું કે નોર્થ ઈસ્ટ ઈન્ડિયામાં ઘણા સમયથી થોડો ઓછો વરસાદ થઈ રહ્યો છે અને આ વર્ષે પણ માત્ર ૯૬ ટકા થશે.