સામાન્ય માણસનું સત્ય સામાન્ય જ રહેવાનું!

0
1483

જગતનું કોઈ સત્ય પૂર્ણ સત્ય નથી અને જગતનું કોઈ અસત્ય પૂર્ણ અસત્ય નથી, કારણ કે સત્ય અને અસત્ય બન્ને સાપેક્ષ છે.
જો તમે અજવાળાને સત્ય માનવાનું પસંદ કરશો તો કોના અજવાળાને પૂર્ણ સત્ય માનશોઃ સૂર્યના અજવાળાને, મીણબત્તીના અજવાળાને કે દીવાના અજવાળાને?
જો તમે ઈશ્વરને સત્ય માનવાનું પસંદ કરશો તો કયા ઈશ્વરને પૂર્ણ સત્ય માનશોઃ હિન્દુના ઈશ્વરને, બુદ્ધના ઈશ્વરને, ખ્રિસ્તીના ઈશ્વરને, જૈનના ઈશ્વરને કે મુસ્લિમ ઈશ્વરને?
જો તમે સુગંધને પૂર્ણ સત્ય માનવાનું પસંદ કરશો તો કોની સુગંધને પૂર્ણ સત્ય માનશોઃ ફૂલની સુગંધને, સુખડની સુગંધને, અગરબત્તીની સુગંધને કે અત્તરની સુગંધને?
મહાત્મા ગાંધીએ સત્યને પરમેશ્વર તરીકે ઓળખાવ્યું છે, તો આપણે કયા સત્યને પરમેશ્વર માનીશું? કારણ કે સમગ્ર વિશ્વમાં કોઈ સત્ય પૂર્ણ સત્ય તો છે નહિ!
ભૂખી વ્યક્તિનું સત્ય ભોજન જ હોઈ શકે, પરંતુ ઉપવાસની તપસ્યા કરનાર વ્યક્તિ માટે ભોજન જ અસત્ય બની જાય છે! ઉપવાસ અને વ્રત-તપનું સત્ય પણ દરેક ધર્મનું પોતપોતાનું અલગ અને ક્યારેક તો વિરોધાભાસી હોય છે. એક ધર્મ એમ માને છે કે બટાકા કંદમૂળ છે અને તેમાં અનેક જીવ છે. તેથી તે ધર્મ અનુસાર સામાન્ય દિવસે પણ ભોજનમાં બટાકાનો નિષેધ ગણાય છે, તો બીજા ધર્મમાં ઉપવાસ કરનાર વ્યક્તિ પણ બટાકાની વસ્તુ ફળાહાર તરીકે ઉપયોગમાં લઈ શકે છે! એક ધર્મ એમ માને છે કે સૂર્યાસ્ત પછી અન્નજળનો ત્યાગ કરવો જોઈએ અને એક ધર્મ એમ માને છે કે સૂર્યાસ્ત પછી જ અન્નજળનો ઉપયોગ કરી શકાય! કોઈ ધર્મમાં હિંસા સૌથી મોટું પાપ ગણાય છે, તો કોઈ ધર્મ હિંસા દ્વારા જ ધર્મનું આચરણ કરી શકાય એમ સમજે છે. આવા વિવિધ ધાર્મિક વિરોધાભાસોમાંથી ધર્મનું પૂર્ણ સત્ય પામવાનું પોસિબલ ખરું?
શિયાળાનું સત્ય રજાઈ ગણાય, પરંતુ ઉનાળામાં એ જ રજાઈ અસત્ય બની જાય છે! બાળક માટે ચાલણગાડી અને વૃદ્ધ માટે લાકડી તેનું પરમ સત્ય છે, પરંતુ યુવાન વ્યક્તિ માટે ચાલણગાડી અને લાકડી કલંક બની જાય છે. દરેક બાબતનું સત્ય તેનાં સ્થળ અને કાળ અને સંજોગો અને વ્યક્તિની સમજણ કે પસંદગી પર આધાર રાખે છે.
મને લાગે છે કે જો કોઈ વ્યક્તિગત બાબતનો સત્યનો ફેંસલો કરવાનો હોય તો જે વ્યક્તિને પોતાને જે સત્ય લાગે તેને તે પૂર્ણ સત્ય માની શકે છે. દરેક વ્યક્તિનું પોતપોતાનું સત્ય અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ કોઈ સામૂહિક બાબતનો ફેંસલો કરવાનો હોય ત્યારે સત્યની વ્યાખ્યા સામૂહિક રીતે અને બહુમતીથી નક્કી કરવી જોઈએ.
એક બહુ જાણીતી રમૂજ છે. વિદેશથી આવેલો એક માણસ અનેક ભાષાઓ જાણતો હતો. તે ભારતના કોઈ નાનકડા ગામડામાં ગયો અને ત્યાં ભૂલો પડી ગયો. એણે આસપાસના અનેક લોકોને પોતાની અલગ-અલગ ભાષામાં રસ્તો બતાવવા માટે કાલાવાલા કર્યા, પરંતુ તેને કોઈ વ્યક્તિ રસ્તો બતાવી શકતી નહોતી.
આખરે કોઈ એજ્યુકેટેડ માણસ એને મળ્યો અને એણે એને રસ્તો બતાવ્યો! ત્યારે વિદેશી વ્યક્તિએ કહ્યું કે, અહીંના લોકો કેવા અજ્ઞાની અને મૂર્ખ છે? તેમને કોઈ ભાષાનું નોલેજ નથી! દરેક વ્યક્તિએ વિવિધ ભાષાઓનું નોલેજ મેળવવું જોઈએ. વિવિધ ભાષાઓનું નોલેજ ન હોય એવી વ્યક્તિને ઘણું કષ્ટ વેઠવું પડે છે. ત્યારે પેલી એજ્યુકેટેડ વ્યક્તિએ તેને જવાબ આપ્યો કે, ભાઈ! દરેક વખતે એવું નથી બનતું. તું તો અનેક ભાષાઓ જાણતો હતો, છતાં ત્યારે અહીં કષ્ટ વેઠવું જ પડ્યું ને? અહીં આ નાનકડા ગામના લોકો માત્ર એક જ દેશી ભાષા જાણે છે, અને છતાં તેમને કોઈ કષ્ટ નથી!’
કહેવાય છે કે કોઈ પણ સમસ્યાનો ઉપાય જ્ઞાન છે, પરંતુ ક્યારેક જ્ઞાન જ આપણને ભૂલા પાડે છે! મહાભારતમાં સહદેવ પાસે તો ત્રિકાળ જ્ઞાન હતું, છતાં તે પોતાની પત્નીની ઇજ્જત અને પારિવારિક યુદ્ધને અટકાવી નહોતો શક્યો!
અકબર બાદશાહના દરબારમાં નવ રત્નો હતાં. તેમાં એક હતો બુદ્ધિશાળી બીરબલ. બાદશાહને બીરબલ માટે આદર અને સન્માનનો ભાવ હતો. એક વખત બીરબલથી અજાણતાં કોઈ અપરાધ થઈ ગયો અને તેને રાજ્ય દ્વારા પનિશમેન્ટ કરવાની હતી. ન્યાયાસન પર બેઠેલા અકબર બાદશાહે બીરબલને જ પૂછ્યું, ‘કહો, બીરબલ! તમે તો બુદ્ધિશાળી છો, તમારા આવા ગંભીર અપરાધ માટે તમને કઈ પનિશમેન્ટ કરવી જોઈએ?’
વિચક્ષણ અને હાજરજવાબી બીરબલે વિનમ્રભાવે કહ્યું, ‘મહારાજ! આપ તો રાજા છો તેથી અનેક ગુનેગારો માટે ન્યાય કરી ચૂક્યા છો, પરંતુ ક્યારેક આપણા રાજ્યના સામાન્ય માણસને પણ ન્યાય કરવાની તક મળે એવી મારી અપેક્ષા છે. એટલે હું વિચારું છું કે મારા માટેની પનિશમેન્ટ કોઈ સામાન્ય માણસને નક્કી કરવા દેવી જોઈએ! જેથી એને લાગે કે અકબર બાદશાહના રાજ્યમાં સામાન્ય માણસનું પણ માન-સન્માન જળવાય છે અને પોતે સામાન્ય નથી એવું એને લાગશે. કોઈ પણ ગુનેગારનો ન્યાય કરવાનો અને તેને યોગ્ય પનિશમેન્ટ આપવાનો હક સામાન્ય માણસને આપશો તો તેને એ દ્વારા પોતાનું ગૌરવ થતું લાગશે અને એ તમને પણ વિશેષ માન આપશે!’
બાદશાહ અકબરને બીરબલની વાતમાં સચ્ચાઈનો રણકો સંભળાયો. એણે બીરબલનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. ચતુર બીરબલ મનોમન મૂછમાં મલકાવા લાગ્યો.
રાજાએ તરત જ નગરમાંથી સાવ કંગાળ જેવા ઐક માણસને બોલાવ્યો. એ કંગાળ માણસ સમક્ષ બીરબલનો અપરાધ રજૂ કરીને પછી પૂછ્યું કે, ‘આ બીરબલને એના અપરાધ માટે શી સજા કરવી જોઈએ? ત્યારે આજે બીરબલ માટે ન્યાય કરવાનો છે, પણ એમાં જરાય દયા કરવાની નથી.
પેલો કંગાળ માણસ ઘડીભર તો ક્ષોભપૂર્વક ઊભો જ રહ્યો. બીરબલના અપરાધ માટે શો ન્યાય કરવો એનો વિચાર કરવા લાગ્યો વળી રાજાએ એમ પણ કહ્યું હતું કે ન્યાય કરતી વખતે જરા પણ દયા કરવાની નથી એટલે એણે ઘણો વિચાર કરીને કહ્યું, મહારાજ! જો કોઈ સામાન્ય માણસ અપરાધ કરે તો એને સામાન્ય સજા કરવી જોઈએ, પણ બીરબલ જેવો મોટો માણસ અપરાધ કરે તો એ ચલાવી ન લેવાય, એને ભારે પનિશમેન્ટ કરવી જોઈએ! મને લાગે છે કે બીરબલને વીસ રૂપિયાનો આકરો દંડ ફટકારવો જોઈએ, જેથી આવા મોટા માણસો ફરીથી કોઈ અપરાધ કરતાં સો વખત વિચાર કરે!
બાદશાહ અકબરે બીરબલને વીસ રૂપિયાનો દંડ ફટકાર્યો. બીરબલ તો પહેલેથી જ સમજતો હતો કે સામાન્ય માણસ મોટી સજા કરી જ ન શકે. શ્રીમંત માટે વીસ રૂપિયા સામાન્ય રકમ ભલે હોય, કિંતુ ગરીબ માણસ માટે તો વીસ રૂપિયા પણ ઘણી મોટી રકમ કહેવાય.
સામાન્ય માણસનું સત્ય એની ઓકાત પ્રમાણેનું જ રહેવાનું!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here