સાપુતારામાં નવનિર્મિત સાંદીપનિ વિદ્યા સંકુલનો આરંભ

સાપુતારાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શાળાપ્રવેશોત્સવ-કન્યાકેળવણી મહોત્સવ અંતર્ગત આદિજાતિ વિસ્તાર ડાંગ-આહવાના સાપુતારાનાં ગામોમાં બાળકોનું શાળા નામાંકન કરાવ્યું હતું. તેમણે રમેશ ઓઝા ભાઈશ્રી પ્રેરિત સાંદીપનિ વિદ્યાસંકુલના નવનિર્મિત ભવનનો લોકાર્પણ કર્યો હતો. મુખ્યમંત્રીએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં અત્યાધુનિક શાળાસંકુલનું નિર્માણ કરીને તેને પ્રજાર્પણ કરવાની દઢ ઇચ્છાશક્તિ સાથે, મંદિરો નહિ, પરંતુ શાળાઓની સમાજને વધુ જરૂર છે તેવી ભાવના કેળવનારા રમેશ ઓઝા ભાઈશ્રીની ઉચ્ચતમ કાર્યશૈલીને બિરદાવી હતી. સાંદીપનિ વિદ્યા સંકુલના નવનિર્મિત ભવનના લોકાર્પણ પ્રસંગે બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કર્યું હતું. ભારતીય સંસ્કૃતિ સંવર્ધક ટ્રસ્ટ-પોરબંદરના ભાઈશ્રીએ, દાતાઓ દ્વારા અપાયેલા દાનને મનુષ્ય-જીવનના પ્રત્યેક શ્વાસને સાર્થક કરવાની સાધના ગણાવી હતી. કથાના માધ્યમથી પ્રજાજનોને શિક્ષિત કરવાનું યજ્ઞકાર્ય કરનારા ભાઈશ્રીએ કહ્યું કે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે દાતાઓની ક્યારેય કમી નથી, સાંદીપનિ વિદ્યાલય-સાપુતારામાં આદિવાસી બાળકો, પ્રતિભાઓને ખીલવવાનું પુણ્યકાર્ય થઈ રહ્યું છે.