સાધુને હંમેશાં એના વેવલા ભક્તો જ પતનના માર્ગે ધક્કો મારતા હોય છે!

0
1188

સાધુ એટલે વૈરાગી સજ્જન અને સજ્જન એટલે સંસારી સાધુ. આ વ્યાખ્યા સમજણમાં ન આવે તો વારંવાર વાંચીને તેનો અર્થ સમજવાની મથામણ કરવી જોઈએ. આપણે ત્યાં સાધુને બહુ આદરપૂર્વક જોવાની દષ્ટિ કેળવાયેલી છે અને એમાં કશું ખોટું પણ નથી. સજ્જનનાં તમામ લક્ષણો ધરાવનાર વ્યક્તિ આદરણીય હોય જ ને!
આપણા આધ્યાત્મિક વ્યવહારમાં આપણે સાધુનો અર્થ વેશધારી, વૈરાગી કે વીતરાગી એવો સંકુચિત અર્થ બનાવી દીધો છે. ક્યારેક સાધુને આપણે ’ધર્મગુરુ’ તરીકે પણ ઓળખીએ છીએ. જગતમાં જેટલા પણ ધર્મો છે તે દરેક ધર્મ પાસે પોતપોતાના આવા સાધુઓ એટલે કે ધર્મગુરુઓની બહુ મોટી ફોજ છે અને આવા તમામ ધર્મગુરુઓ તેમના ફોલોઅર્સને પરલોકોના જાતજાતના લોભામણા ઉપદેશ આપીને ચારિત્રવાન બનાવવાની કોશિશ કરી રહ્યા છે.
વર્તમાન સમયમાં આપણા સાધુસમાજનું ચારિત્ર ઘણું નીચે ઊતરી રહ્યું હોય તેવું આપણે સૌ વારંવાર અનુભવીએ છીએ. બીજાના ચારિત્ર્યનું ઘડતર કરનાર વ્યક્તિ પોતે જ પોતાના ચરિત્રને વફાદાર ન રહે ત્યારે સમાજ ડામાડોળ બને એમાં કોઈ આશ્ચર્યની વાત નથી.
આપણા સમાજમાં કેટલાક સાધુઓ કરોડોની સંપત્તિ ધરાવે છે. કેટલાક સાધુઓ સેક્સ-સ્કેન્ડલમાં ફસાય છે. કેટલાક સાધુઓ આત્મહત્યા કરે છે. કેટલાક સાધુઓ બીજાઓનું મર્ડર કરે છે. કેટલાક સાધુઓ મંત્રતંત્રનાં ધતિંગ કરીને હજારો ભોળા લોકોને ગુમરાહ કરે છે. કેટલાક સાધુઓ વારંવાર પોતાનાં ભવ્ય સામૈયાં કરાવે છે કે કરવા દે છે. કેટલાક સાધુઓ ચમત્કારના ગંદા ખેલ ખેલે છે. કેટલાક સાધુઓ પોતાનો પ્રભાવ પ્રગટાવવા અને જાળવી રાખવા માટે જાતભાતના પ્રપંચ કરે છે. કેટલાક સાધુઓ સત્સંગના નામે જીવનને નફરત કરવાનું અને સંસારને વગોવવાનું જ શીખવે છે.
અને આ બધું શું અખબાર કે ટીવી દ્વારા જાણવા મળે એટલું જ હોય? અખબાર કે ટીવી સુધી પહોંચ્યું જ ન હોય, ન્યુઝમાં આવતાં આવતાં એને કોઈ રીતે દબાવી કે છુપાવી દેવામાં આવ્યું હોય એવું તો ઢગલાબંધ હશે જ ને!
કોઈ પણ સંપ્રદાયનો સાધુ આખરે તો માણસ જ હોય છે અને માણસ એટલે લપસી પડવાની પૂરી સંભાવના!
કઠોર પરિશ્રમ વગર દાનમાં અને ભેટમાં મળેલી કરોડોની સંપત્તિ માણસને બહેકાવે જ એમાં કોઈ શંકા નથી. મોટા ભાગના ધર્મગુરુઓ પાસે એમના ભક્તોની બે નંબરની કમાણીના ઢગલા થતા હોય છે. એ જ રીતે દરેક ધર્મસ્થાનમાં પણ દાન-ભેટના નામે માત્ર અને માત્ર બે નંબરની સંપત્તિના જ ઢગલા થતા હોય છે. આવા ઢગલા સર્વનાશ ન કરે તો જ નવાઈ!
આપણે એટલો વિચાર અવશ્ય કરવો જોઈએ કે આપણે દાન કે ભેટમાં આપેલી રકમ સામેની વ્યક્તિને કે સંસ્થાને ગુમરાહ કરતી હોય કે બહેકાવતી હોય તો આપણને એવાં દાન-ભેટ આપવાથી પુણ્ય મળે કે પછી આપણે તેના પાપના ભાગીદાર બનીએ?
કેટલાક સાધુઓ તો પાછા આપણને એવાં ઊઠાં ભણાવે છે કે તમે સારા હેતુથી દાન-ભેટ આપો પછી એને ભૂલી જાવ! તમને તમારા કાર્યનું પુણ્ય મળી ગયું! હવે એ રકમનું દાન-ભેટ લેનાર જે કરે તે ભોગવશે! દાન-ભેટ આપ્યા પછી એને ભૂલી જવાનું આપણને સાધુઓ શીખવાડે છે એનું રહસ્ય ખબર છે? એનું કારણ એ છે કે જો તમે આપેલા દાન-ભેટને યાદ કરીને હિસાબ માગો તો એવા લંપટ સાધુઓની પોલ ઉઘાડી પડી જાય અને ધર્મના નામે ધમધોકાર ચાલતો એમનો ગોરખધંધો બંધ પડી જાય!
સંસારમાં બધા લોકો કંઈ માત્ર દુર્જનો જ નથી હોતા, ખરેખર તો સંસારમાં સજ્જનોની સંખ્યા વધુ છે. સાધુસમાજમાં પણ બધા સાધુઓ સારા અને શુદ્ધ સદાચારી નથી હોતા. એમાં ઉપર જણાવ્યા તેવા દુરાચારી સાધુઓ પણ ઘણા બધા હોય છે.
જો સંસારી લોકોમાં અને સંન્યાસી લોકોમાં કોઈ ફરક જ ન હોય તો શા માટે આપણે સાધુઓની પાછળ ભટકવું જોઈએ?
આપણે ઘરકામ માટે નોકર રાખવો હોય તો પણ એની કેટલી બધી ચકાસણી કરીએ છીએ! જ્યારે જેની આગળ મસ્તક નમાવીને આપણું જીવન અર્પણ કરવાની ભાવના રાખતા હોઈએ એવા ગુરુની પસંદગી કરતી વખતે એની જરા પણ ચકાસણી ન કરીએ કે તદ્દન બેદરકાર રહીએ તો આપણે ભોટમાં જ ખપીએ ને!
અલબત્ત, આ જગતે જ આપણને એવા અનેક સાધુઓ અને ધર્મગુરુઓ પણ આપ્યા છે જેમણે જગતને સાચો, નવો અને પ્રેરણાદાયક પંથ બતાવ્યો છે! આપણે એવાં અનેક નામ જાણીએ છીએ કે જે ક્યારેય પ્રકાશમાં નથી આવ્યાં. એ લોકોએ પોતાની પબ્લિસિટી માટે કોઈ સ્ટન્ટ કે ચમત્કારનાં ત્રાગાં નથી કર્યાં, પરંતુ કોઈ એક અજાણ્યા ખૂણામાં બેઠાં બેઠાં ધૂપસળીની જેમ સુગંધ ફેલાવવાનું કામ લાઇફટાઇમ કર્યું છે! એવા સાધુઓએ ક્યાંય ગગનચુંબી દેવાલયો નથી બનાવ્યાં, પરંતુ ગગનચુંબી વૃક્ષો વાવ્યાં છે! ક્યાંક પાણીની નાની પરબો બનાવી છે તો કોઈકે વળી પોતાના ઉપદેશ દ્વારા થોડાક માણસોને વ્યસનમુક્ત કર્યા છે. કોઈકે બહેન-દીકરીનું સન્માન કરવાનું શીખવાડ્યું છે, તો કોઈકે વળી ધર્મનો મર્મ સમજાવ્યો છે! આ જગતમાં એવા પણ કેટલાક સાધુઓ થયા છે જેમણે રાષ્ટ્રભક્તિની અનેક મશાલો પ્રગટાવી હોય અને એનો પ્રકાશ સદીઓ સુધી આપણને પ્રેરણાનાં અજવાળાં આપતો રહ્યો હોય!
હવે સૌથી મોટો સવાલ એ છે કે સમગ્ર સમાજનું ચારિત્રનિર્માણ અને ચારિત્રઘડતર કરનાર સાધુઓ આજે પોતે જ ચારિત્રહીન અથવા શિથિલાચારી કેમ બની રહ્યા છે? સાધુઓના અધઃપતન માટે સાધુઓ જવાબદાર છે એ ખરું, પણ શું માત્ર સાધુઓ જ જવાબદાર છે? આપણી વેવલી ભક્તિ એ માટે બિલકુલ જવાબદાર નથી શું? આપણે જાણીએ છીએ કે આવા ધર્મગુરુઓ વૈરાગી છે, એમણે ભૌતિક સુખ -સગવડો અને સાંસારિક રાગદ્વેષનો સંપૂર્ણ ત્યાગ કરેલો છે અને છતાં આપણે એમને બિલકુલ જરૂરી ન હોય તેવી અઢળક કીમતી ભેટ-સોગાદો આપીએ છીએ અને એમને ધર્મભ્રષ્ટ થવા અથવા માર્ગભ્રષ્ટ થવા મજબૂર અને મજબૂત પણ કરીએ છીએ! સાધુના ચારિત્રપતન માટે એનો ડામાડોળ અને ડગુમગુ વૈરાગ્યભાવ અને આપણી વેવલી ભક્તિ એ બન્ને સમાન જવાબદાર છે!
હવેથી જ્યારે પણ આપણે કોઈ સાધુ પાસે જઈએ ત્યારે એ ન ભૂલીએ કે એ વ્યક્તિ સાધુ હોવા છતાં માણસ પણ છે અને માણસમાં હોઈ શકે તે તમામ નબળાઈઓ એની અંદર પણ હોઈ જ શકે! આપણે એના ભીતરના સામર્થ્યને ટેકો આપવો જરૂરી છે, નહિ કે એની નબળાઈઓને બહેકાવવાની સગવડ આપવી જરૂરી છે. સામેનો સાધુ જેટલો મહાન છે એના કરતાં વધારે મહાન માની લેવાની કે એનાથી ભ્રમિત થઈ જવાની કોઈ જરૂર નથી હોતી. દરેક સાચા સાધુને માન-સન્માન અને આદર અવશ્ય આપીએ, પરંતુ એને એટલો ઊંચો ન ચડાવીએ કે જ્યાંથી તેનું માત્ર પતન જ નિશ્ચિત થઈ જાય!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here