સાત વર્ષમાં ગેસના બાટલાનો ભાવ ડબલ થયા

 

નવી દિલ્હીઃ ઘરેલુ રાધણ ગેસ એલપીજીની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઇને પ્રતિ સિલિન્ડર રૂ. ૮૧૯ થઇ ગઇ છે જ્યારે સરકારને પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સની આવકમાં ૪૫૯ ટકા કરતા વધુ વધારો થયો છે એ મુજબ ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યું હતું. ઇંધણોની વધતી કિંમતો અંગે પ્રશ્નોની ઝડીના એક લેખિત જવાબમાં લોકસભામાં ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે ઘરેલુ રાંધણ ગેસના ૧૪.૨ કિલોગ્રામના સિલિન્ડરની કિંમત ૧ માર્ચ, ૨૦૧૪ના રોજ ૪૧૦.પ રૂપિયા હતી. આ મહિને આ જ સિલિન્ડરની કિંમત રૂ. ૮૧૯ છે.

છેલ્લા બે વર્ષના સમયગાળામાં નાના ભાવવધારાઓએ રાંધણ ગેસ તથા જાહેર વિતરણ પ્રથાના કેરોસીન પરની સબસિડી નાબૂદ કરી નાખી છે. ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં સબસિડીવાળા એલપીજીની કિંમત વધી છે. તે ડિસેમ્બર ૨૦૨૦માં પ્રતિ સિલિન્ડર રૂ. પ૯૪ હતી તે હવે રૂ. ૮૧૯ છે. આ જ રીતે જાહેર વિતરણ પ્રથા હેઠળ ગરીબોને વેચવામાં આવતું કેરોસીન માર્ચ ૨૦૧૪માં લિટરે રૂ. ૧૪.૯૬ હતું તે આ મહિને વધીને લિટરે રૂ. ૩૫.૩૫ થઇ ગયું છે એમ તેમણે જણાવ્યું હતું. પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ હાલ ઘણી ઉંચી સપાટીઐ પ્રવર્તી રહ્યા છે. પ્રધાને જણાવ્યું હતું કે પેટ્રોલ, ડિઝલ, એટીએફ, પ્રાકૃતિક વાયુ તથા ક્રૂડ ઓઇલ પરની કેન્દ્ર સરકારની કુલ એક્સાઇઝ આવક ૨૦૧૬-૧૭માં ૨.૩૭ લાખ કરોડ હતી તે એપ્રિલ-જાન્યુઆરી ૨૦૨૦-૨૧માં વધીને રૂ. ૩.૦૧ લાખ કરોડ થઇ છે. ૨૦૧૩માં પેટ્રોલ અને ડિઝલ પરની વેરા વસૂલાત રૂ. ૫૨૫૩૭ કરોડ હતી તે વધીને ૨૦૧૯-૨૦માં ૨.૧૩ લાખ કરોડ થઈ હતી