સાડા સાત, અઢી પનોતી, અનિષ્ટ બળોના શમનનું શનિ મંદિરઃ હાથલા

0
1084

બરડો, સોરઠ, દેવભૂમિ દ્વારકાની વચ્ચાળે અને પોરબંદરથી 27 કિલોમીટર દૂર નાનું એવું હાથલા ગામડું આવેલું છે. કહેવાય છે કે મુદગલ ઋષિની ભક્તિથી પ્રસન્ન થઈ શનિ મહારાજ હાથલા ગામે હાથી ઉપર બિરાજમાન થઈને એક પીપળના વૃક્ષમાંથી પ્રગટ થયા હતા. શનિ મહારાજ જ્યાં હાથીની સવારીએ પધાર્યા તે હસ્તિન સ્થલ તરીકે પ્રખ્યાત થયું. પ્રાચીનકાળમાં હસ્તિન સ્થલ મધ્યકાળમાં હત્થી થલ થઈને અર્વાચીનકાળમાં હાથલા થયું છે. હાથલા ગામનો અર્થ થાય છે કે જ્યાં શનિ મહારાજ હાથીની અંબાડી પર બિરાજમાન બિરાજમાન છે તે સ્થળ.
હાથલા ગામમાં આવેલું પનોતી દૂર કરવા અને અનિષ્ટ બળોના શમન માટે આવેલું શનિ મંદિર અતિ પ્રાચીન છે. આ મંદિર સાતમી સદી બંધાયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિરના નિર્માણ પાછળનો હેતુ પનોતીને રીઝવવાનો છે. પનોતી એટલે અનિષ્ટની દેવી. પનોતીને હનુમાનજીએ પોતાના પગ તળે રાખી છે. આપણે એવાં અસંખ્ય ચિત્રાંકનો નિહાળ્યાં હશે, જ્યાં હનુમાનજી પનોતીને પગ તળે રાખી છે. મહાબલી, મહાવીર હનુમાન આવા અનિષ્ટ તત્ત્વોને પોતાના વશમાં રાખવાની ક્ષમતા ધરાવે છે. આ કારણથી જ કદાચ શનિવારે બધા હનુમાનજીને તેલ ચઢાવે છે. આથી મહાવીર હનુમાન સંગાથે આપણી પનોતી ચાલતી હોય તો તે પ્રસન્ન થાય અને પનોતી જતી રહે…! હનુમાનજીએ પનોતીને પગ નીચે રાખી હોવાથી આપણાં પગરખાં ચોરાઈ જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે પનોતી ગઈ…!?


આધ્યાત્મિક વિચારોને ગૌરવ આપનારું ક્ષેત્ર શનિ ક્ષેત્ર સૌરાષ્ટ્રના હાથલા ગામમાં આવેલું શનિ મંદિર અને પાવનકારી શનિકુંડ દર્શનીય તીર્થધામ છે. ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગરની ગોદ સ્થાપિત શનિ મંદિર દિનપ્રતિદિન અવિરત શ્રદ્ધાળુઓનો ધસારો ચાલુ જ રહે છે. શનિ મંદિરમાં ઘણી બધી કેસરી રંગની ભિન્ન ભિન્ન આકારની મૂર્તિઓ છે. તેના વિશે પહેલાં વિગતે છણાવટ કરું છું, શનિ મંદિરના ગર્ભગૃહની અંદરમાં જતાં ડાબી બાજુ પહેલી મૂર્તિ પનોતીના ભાઈ વીરભદ્રની, બીજી મૂર્તિ શનિદેવનાં પત્નીની છે. ત્રીજી મૂર્તિ સૂર્યપુત્ર શનિદેવની છે. આપણે ત્યાં પનોતીના અનેક પ્રકાર વર્ણવવામાં આવ્યા છે. ચોથી મૂર્તિ સાડા સાતીની છે. ઘણી વાર જ્યોતિષીઓ કહે છે, સાડા સાત આની અને અઢી વર્ષની પનોતી ચાલે છે. તે પનોતીની સળંગ મૂર્તિઓ કેસરી રંગની સાડા સાત આની છે. તેને અડીને અઢી વર્ષ પનોતી દેવીની મૂર્તિ છે, તેનો પણ કેસરી રંગ છે. પાંચમી મૂર્તિ સતી સંજ્ઞાની છે. છઠ્ઠી મૂર્તિ શનિદેવનાં માતા છાયાદેવીની છે. સાતમી મૂર્તિ શનિદેવના ભાઈ યમદેવના બોળિયા પાડોની છે. તેને યમદેવના વાહન તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બે શિવલિંગ છે, જે ખંડિત કરેલી અવસ્થામાં છે. આશરે 983 વર્ષ પૂર્વે કરવામાં આવેલી લૂંટમાં તે તોડી પડાયાં હશે એમ માનવામાં આવે છે.
શનિ મંદિરના દરવાજા પાસે ચાર પાળિયા જેવી વિચિત્ર રંગવાળી ખાંભી કે કૃતિ મૂકવામાં આવી છે, જેમાં આ પથ્થરોને અડધા કેસરી અને નીચે કાળા રંગના છે. આ સિવાય ખાંભી જેવા આકારની શંકર મહાદેવ અને ગણપતિજીની મૂર્તિ છે. તેની સાથે વિરાટ ફેણ ધરાવતા નાગદેવતાની મૂર્તિ દેખાય છે.
શનિ મંદિર ઉપર શિખર કે ગુંબજ જેવું કશું જ નથી. તેની ચારે બાજુ ફરતી દીવાલો છે. કદાચ અગાઉ કદાચ મંદિર બનાવેલું હતું, પણ તેના પર થયેલા વિધર્મીઓના હુમલામાં ગુંબજ ભગ્ન થયું હશે! મંદિર આગળ કાળા રંગની લોખંડની ગ્રિલો લગાવેલી છે અને કાળા રંગની વિશાળ ધજા તેના પ્રતીક રૂપે ફરકે છે. સાથે આછા કેસરી રંગની ધજા લહેરાય છે. પ્રાંગણમાં વિરાટ મહાકાય વડનાં વૃક્ષો છે. તેની નિર્મળ શીતળ છાયામાં દર્શને આવતા શ્રદ્ધાળુઓ વિશ્રામ લે છે. દેખાવમાં તદ્દન સામાન્ય લાગતું શનિ મંદિર વિશ્વમાં વિખ્યાત બનતું જાય છે. શનિ મંદિરની છતમાં પથ્થરનું બનાવેલું શનિયંત્ર કંડારેલું છે. કુદરતી વાતાવરણ ધરાવતા આ સ્થળે એક બાજુ વિશાળ તળાવ આવેલું છે. ચોમાસામાં આ તળાવ પૂરેપૂરું ભરાઈ જાય છે ત્યારે નયનરમ્ય લાગે છે. મંદિરના ચોગાનમાં માનપુરી બાપુની સમાધિ આવેલી છે અને તેની આજુબાજુ મોટી સંખ્યામાં વારસાગત પૂજારીઓની સમાધિઓની દેરીઓ છે.


શનિ મંદિરની સામે પુરાતત્ત્વ ખાતાથી રક્ષિત તદ્દન ભિન્ન કૃતિવાળી વાવ છે અને તેની સંગાથે એક કુંડ છે. વાવ સંગાથે કુંડ હોય તેવી શનિની વાવ ખરેખર અલૌકિક છે, જે બહુ જ ઓછી જોવા મળે છે. શ્રદ્ધાળુઓ આ દુર્લભ વાવ-કુંડનાં દર્શને અચૂક આવે છે. આ વાવમાં જવા માટે અલગ પ્રકારનાં પગથિયાં અટપટાં છે અને એ બનાવવામાં બુદ્ધિકૌશલનો ઉપયોગ કરાયો છે. ઓછાં પગથિયાં અને તદ્દન ઓછી જગ્યામાંથી વાવના તળિયે જવાય છે. આ વાવ-કુંડમાં ચોમાસામાં ભરપૂર પાણી ભરાય છે ત્યારે એ એકદમ જોવાલાયક બની જાય છે. છતાં ચોતરફ પાણી અને પગથિયા જ્યાં જવાય છે તે જ કુંડ ઉનાળામાં પાણી ખૂટી જતાં વાવ બની જાય છે, આ એક અજીબ બુદ્ધિ વાપરીને કુનેહપૂર્વક બનાવેલું સ્થાપત્ય છે.
પોરબંદર વિસ્તારના લંબચોરસ પથ્થરોથી અને સિમેન્ટ વિના ચાવી પદ્ધતિ કરેલી ગોઠવણી અદ્ભુત છે. આ વાવ – કુંડ નવમી કે દસમી સદીમાં બનાવાયો હોય એમ સ્થાનિક લોકો પાસેથી જાણવા મળે છે, 11.30 મીટર લાંબી અને છ મીટર પહોળી છે. આ વાવનો પ્રકાર નંદા પ્રકારનો છે. શાસ્ત્રોમાં જણાવેલા વાવના મુખ્ય ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (1) એક તરફથી ઊતરવાના પગથિયાં હોય તેને નંદા વાવ કહેવાય છે. (2) વાવમાં સામસામે બન્ને બાજુએથી ઊતરી શકાય તેને ભદ્રા વાવ કહેવાય છે. (3) વાવમાં ત્રણ જગ્યાએ પગથિયાં દ્વારા ઊતરી શકાય તેને જયા વાવ કહેવાય છે. (4) વાવમાં ચારે તરફથી પગથિયાં દ્વારા ઊતરી શકાય તેને વિજ્યા વાવ કહેવાય છે. આ ચાર પ્રકારની વાવમાં આ વાવ નંદા પ્રકારની છે.
આ ધાર્મિક વાવ શનિકુંડની છે. એવી લોકવાયકા છે કે પાંડવો અને કૌરવો સામે ચોપાટ રમવામાં હારી ગયા હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને કહેલું કે તમારા ઉપર શનિદેવની અવકૃપા ચાલે છે, માટે તમે પાંચેય પાંડવો શનિધામ હાથલા જઈને શનિકુંડ-વાવમાં પવિત્ર સ્નાન કરી શનિ મહારાજની પૂજા-અર્ચન કરશો તો શનિદેવની કૃપાદષ્ટિ થતાં તમે વિજયી થશો. પાંડવોએ કુરુક્ષેત્રના યુદ્ધમાં દિગ્વિજય હાંસલ કરેલો તે જગજાહેર છે. આ જ કારણે અહીં આવતા યાત્રાળુઓ શનિદેવનાં દર્શન કરતાં પહેલાં શનિકુંડમાં સ્નાન કરે છે.
શનિ દેવનાં અન્ય રાજ્યોમાં પણ મંદિરો આવેલાં છે તેમાં મહારાષ્ટ્રમાં શિંગણાપુરમાં આવેલું મંદિર પ્રસિદ્ધ છે ત્યાં જોકે શનિદેવનું મંદિર મૂર્તિ નથી, પણ પૌરાણિક કાળા રંગનો પથ્થર છે, જે ઉપરના ભાગે થોડો વળેલો છે. તેની પૂજા-પાઠ અને આરતી કરવામાં આવે છે.
શ્રદ્ધાળુઓ દિનપ્રતિદિન શનિદેવની આરાધના પૂજા કરવા લાગ્યા છે, પણ હાથલાનું આ શનિ મંદિર અલૌકિક અને અદ્ભુત છે. આ શનિદેવનું જન્મસ્થળ હોવાથી શનિ જંયતીના દિવસે દર્શન કરવા લાંબી કતારો લાગે છે. અને દર્શનાર્થીઓ પનોતીરૂપે પગરખાં (ચંપલ-બૂટ) અહીં મૂકી જાય છે, જેથી પોતાની પનોતી ઊતરી જાય એવી માન્યતા છે. નવમી સદીમાં બનેલા આ પૌરાણિક મંદિરે દર્શન એક વાર હાથલા આવશો તો કલાત્મક કુંડ-વાવ નિહાળવા મળેશે અને સાથે મનને શાતા મળશે.

લેખક ફ્રિલાન્સ ફોટો-જર્નલિસ્ટ છે.