સાજા થયેલા દર્દીઓ કોરોનાથી કાયમી ધોરણે મુકત છે એવું માની લેવાની જરૂર નથીઃ WHO

 

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ શનિવારે મોટો ખુલાસો કરતા દુનિયાને કહ્યું હતું કે હાલમાં એવા કોઈ પુરાવા નથી કે કોવિડ-૧૯થી સ્વસ્થ થયેલા લોકો બીજા કોરોનાવાઇરસ ચેપથી સુરક્ષિત છે. સાદી ભાષામાં કહીએ તો તેમનું કહેવુ છે કે કોરોનાથી સાજા થયેલા લોકોને ફરી પાછો કોરોનાનો ચેપ નહિ લાગે તેવી કોઇ ખાતરી નથી. 

સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ સરકારોને ચેપમાંથી સાજા થયેલા લોકોને રોગપ્રતિરક્ષા પાસપોર્ટ અથવા જોખમ મુક્ત પ્રમાણપત્રો આપવાની સામે ચેતવણી આપી છે. આ પ્રથા ચેપના ફેલાવાના જોખમોમાં વધારો કરી શકે છે કારણ કે જે લોકો સ્વસ્થ થયા છે તેઓ વાઇરસ સામે ધોરણસરની સાવચેતી રાખવા અંગેની સલાહને અવગણી શકે છે.

કેટલીક સરકારોએ સૂચવ્યું છે કે સાજા થયેલા લોકોના શરીરમાં સાર્સ-કોવી -૨૨ (કોવિડ-૧૯ માટે જવાબદાર વાઇરસ)ના એન્ટિબોડીઝ મળતા તેમને પ્રતિરક્ષા પાસપોર્ટ અથવા જોખમ મુક્ત પ્રમાણપત્ર આપી શકાય છે. આ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે. અને તેઓ ફરીથી ચેપ સામે સુરક્ષિત છે એમ માનીને કામ પર પાછા ફરી શકશે. WHOઐ જણાવ્યું હતું કે સરકારોની આ ધારણા ખોટી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં એવા કોઈ પુરાવા નથી કે જે લોકો કોવિડ-૧૯ થી સ્વસ્થ થયા છે અને એન્ટિબોડીઝ છે તેઓ બીજા ચેપથી સુરક્ષિત છે. સાઉથ અમેરિકામાં આવેલા ચિલીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં બીમારીમાંથી સ્વસ્થ થયેલા લોકોને આવતા લોકોને આરોગ્ય પાસપોર્ટ આપવાનું શરૂ કરશે. આ પાસપોર્ટ ધરાવનાર વ્યક્તિએ એન્ટિબોડીઝ વિકસિત કર્યા છે અને વાઇરસની સામે તેમની રોગપ્રતિકારક શક્તિ સારી છે એવું સૂચવશે, અને આ પાસપોર્ટ ધરાવનાર લોકો ફરીથી પોતાના વ્યવસાયમાં જોડાઈ શકે છે.

WHOએ કહ્યું કે તેણે વાઇરસ પ્રત્યેના એન્ટિબોડી પ્રતિસાદ અંગેના પુરાવાઓની સમીક્ષા કરવાનું ચાલુ રાખ્યુ છે. રોઇટર્સના આંકડા અનુસાર, વિશ્વવ્યાપી કોરોનાવાઇરસથી લગભગ ૨૮,૩૧,૫૯૦ લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી ૧,૯૭,૨૯૮ લોકો મૃત્યુ પામ્યા છે. ૮,૦૬,૯૫૩ લોકો સાજા થયા છે. WHOએ કહ્યુ કે મોટાભાગના અભ્યાસોએ સાબિત કર્યું છે કે ચેપમાંથી સાજા થયેલા લોકોમાં વાઇરસની એન્ટિબોડીઝ હોય છે, તેમ છતાં તેમાંના કેટલાકના લોહીમાં એન્ટિબોડીઝને તટસ્થ કરવાના સ્તર ખૂબ ઓછા છે. કોરોનાના ચેપ સામે સંપૂર્ણ પુનઃપ્રાપ્તિ માટે શરીરની સેલ્યુલર રોગપ્રતિકારક શક્તિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે