સાઉદી-યુએઈમાં ભારતીય સેના પ્રમુખના ભવ્ય સ્વાગતથી પાકિસ્તાન ચિંતાતુર

 

ઈસ્લામાબાદઃ ભારતીય સેનાના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેનું સાઉદી અરબ અને યુએઈમાં ભવ્ય સ્વાગત થયું છે તેનાથી પાકિસ્તાનની ચિંતા તો વધી જ ગઈ છે પણ સાથે સાથે ઈમરાન ખાનની કાબેલિયત ઉપર પણ સવાલ ઉઠવા  લાગ્યા છે. જનરલ નરવણે ભારતના પહેલા એવા સેના પ્રમુખ છે જેમણે સાઉદી અરબ અને યુએઈનો પ્રવાસ કર્યો છે. ભારત માટે તેમનો આ પ્રવાસ ખુબ જ મહત્ત્વનો છે જે દર્શાવે છે કે પાકિસ્તાન આરબ દેશો, ખાસ કરીને સાઉદી અરબની ગુડ બુક્સમાંથી બહાર નીકળી ગયું છે. 

જનરલ મનોજ મુકુન્દ નરવણેએ સંયુક્ત આરબ અમીરાતના લેન્ડ ફોર્સિસ એ્ડ સ્ટાફના કમાન્ડર મેજર જનરલ સાલેહ મોહમ્મદ સાલેહ અલ અમીરી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને અધિકારીઓ વચ્ચે આપસી હિતો અને રક્ષા સહયોગના મુદ્દાઓ પર ચર્ચા થઈ. જનરલ નરવણેને સંયુક્ત આરબ અમીરાતના લેન્ડ ફોર્સિસના મુખ્યાલયમાં ગાર્ડ ઓફ ઓનર આપીને સ્વાગત કરવામાં આવ્યું. જેને બંને દેશો વચ્ચે વધતી નીકટતા તરીકે જોવામાં આવી રહ્યું છે. આ વાત અંગે જ પાકિસ્તાનને ચિંતા છે. તેને ડર છે કે ક્યાંક ભારત યુએઈ અને સાઉદી અરબને ઈસ્લામાબાદથી દૂર ન કરી દે. 

ભારતના આરબ દેશો સાથે મજબૂત થતા સંબંધોને લઈને પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનની કાબેલિયાત ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી અને વિપક્ષી નેતા શાહિદ ખાકાન અબ્બાસીએ વિદેશ નીતિ અંગે ઈમરાન ખાન પર નિશાન સાધ્યું છે. સ્થાનિક મીડિયા મુજબ અબ્બાસીએ કહ્યું કે આપણે બીજા દેશની વિદેશ નીતિ નક્કી કરી શકતા નથી, પરંતુ આપણી વિદેશ નીતિ અંગે તો વિચારી શકીએ છીએ. આપણે એ જોવું જોઈએ કે શું આપણા સંબંધો બીજા દેશો સાથે સારા થયા કે ખરાબ. તેમણે વધુમાં કહ્યું કે સાઉદી અરબ ભારત સાથે સંબંધ રાખે કે ન રાખે, તે તેનો અંગત મામલો છે. પરંતુ આપણે આપણા ઘરને જોવાનું છે કે આપણા સંબંધ સાઉદી અરબ સાથે સારા થયા કે નહી. પૂર્વ વડા પ્રધાને વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશી પર નિશાન  સાધતા કહ્યું કે આપણા વિદેશમંત્રીએ સાઉદી અરબ વિશે જે વાત કરી હતી, ત્યારબાદથી સાઉદી સાથે આપણા સંબંધોમાં કડવાહટ આવી ગઈ છે. 

એકલા અબ્બાસી જ નહીં પરંતુ મોટાભાગના પાકિસ્તાનીઓને એવું લાગે છે કે ઈમરાન ખાનની ખોટી વિદેશ નીતિના કારણે સાઉદી અરબ અને યુએઈ ભારતના મિત્ર બની ગયા છે. અત્રે જણાવવાનું કે કુરેશીના નિવેદન બાદ સાઉદીએ પાકિસ્તાનને આપેલું કરજ પાછું માંગી લીધુ હતું. ત્યારથી પાકિસ્તાન સાઉદીને મનાવવામાં લાગ્યું છે. ઈમરાન ખાનથી લઈને પાકિસ્તાની સેના પ્રમુખ સુધીની હસ્તીઓ સાઉદીના ગુસ્સાને શાંત કરવાની કોશિશ કરી ચૂક્યા છે. પરંતુ તેમને નિષ્ફળતા જ મળી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here