સાઉદી અરેબિયામાં અચાનક જોરદાર હિમ- વર્ષા !

 

 

રણ વિસ્તાર અને સખત ગરમી માટે અતિ જાણીતા સાઉદી અરેબિયામાં અચાનક બરફ વર્ષા થયાના સમાચાર મળતાંં જગતભરમાં આશ્ચર્યનું મોજું ફેલાયું છે. રેગિસ્તાનની રેત પર શ્વેત બરફની ચાદરની અનેક તસવીરો તેમજ વિડિયો સોશ્યલ મિડિયા પર પ્રસારિત થયા છે. એક અનુમાન પ્રમાણે, છેલ્લા 50 વરસોમાં પડેલી આ વિક્રમજનક હિમ- વર્ષા છે. જોકે આની અગાઉ પણ તેની માત્રા ઘણી ઓછી હતી. ખાડીના દેશોમાં આ ઘટનાને ખૂબજ અસાધારણ ઘટના તરીકે વર્ણવવામાં આવી રહી છે. જે વિસ્તાર એના રણ પ્રદેશ માટે પ્રચલિત હોય, જે વિસ્તારમાં આકરી ગરમી – તાપ પડતો હોય એ વિસ્તારમાં બરફની વર્ષા થવી એ સહુના માટે કૌતુકભર્યું છે. કુદરતની આ કરામત વિષે કશું કહી શકાય નહિ. એક સપ્તાહ પહેલાં જ ખાડીના દેશોમાં શિયાળાની ઋતુનો આરંભ થયો છે. રાતના ફુંકાતા ઠંડા પવનને કારણે દેશના ઘણા ભાગોમાં તાપમાન માયનસ ડિગ્રી  પર પહોંચી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં  લોકો દિવસના સમયે ગરમીથી અને રાતના સમયે ઠંડીથી ઝઝુમતા રહે છે. સાઉદી અરેબિયાના હવામાન વિભાગે આગામી દિવસો માટે એવી ચેતવણી જાહેર કરી હતી કે, રાતે હવામાન હજી પણ વધુ ઠંડું બનવાની શકયતા હોવાને કારણે લોકોએ પોતાના બચાવમા વધુ સુરક્ષિત પોશાક પહેરવો જરૂરી છે.