
રજનીકાન્ત દક્ષિણના સિનેમાપ્રેમીઓ માટે ભગવાન છે અને અક્ષયકુમારે વિવિધ કથાનકવાળી એકશન ફિલ્મો કરીને ખાસ્સી લોકચાહના મેળવી લીધી છે. આ બન્ને કલાકારોનું પોતપોતાનું – નોખું – અનોખું ફેન- ફોલોઈંગ છે. બન્નેના પ્રશંસકો માતબર માત્રામાં છે. અનુમાન એવું છેકે આવતી કાલે 29મી નવેમ્બરે આ ફિલ્મ રજૂઆતના બધા રેકોર્ડ તોડી નાખશે. રજનીકાન્ત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનિત રોબોટ ફિલ્મને પ્રેક્ષકો હજી સુધી ભૂલ્યા નથી. એની અનુગામી સિકવલ છે 2.0 જેમાં હીરોઈનનો રોલ ભજવે છે એમી જેકશન. તમિલ ફિલ્મ જગતના જાણીતા ફિલ્મ નિર્દેશક શંકર ષણ્મુખમની 2010માં તમિળ ફિલ્મ ઈંથિરન રજૂ થઈ હતી. જેના પરથી હિન્દીમાં ફિલ્મ બનાવવામાં આવી હતી, જેનું નામ હતું- રોબોટ . સવાસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા હતા. અસલમાં આ ફિલ્મનો હીરો- સુપર હીરો હતો – રોબોટ . એક મશીન ! એ મશીનના શરીરમાં હૃદયનો ધબકાર- પ્યાર – લગાવની સંવેદના જગાડીને ફિલ્મના નિર્દેશક શંકરે આવનારા સમયકાળમાં થનારા પરિવર્તન તરફ અંગૂલી નિર્દેશ કર્યો હતો. ટેકનોલોજીના બેસુમાર આવિષ્કારોથી જગત બદલાઈ રહ્યું છે. પરિવર્તન એ સૃષ્ટિનો સનાતન નિયમ છે.
2.0 ફિલ્મમાં રજનીકાન્ત વૈજ્ઞાનિક અને રોબોટની ભૂમિકા ભજવી રહ્યા છે, જયારે અક્ષય કુમાર ખલનાયકની ભૂમિકામાં રજૂ થઈ રહ્યા છે. એક ખૂંખાર, ચિત્ર- વિચિત્ર વિલન. સુધાંશુ પાંડે, આદિલ હુસૈન, રિયાઝ ખાન પણ આ ફિલ્મમાં ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મમાં ભવિષ્યમાં મોબાઈલ ફોનથી માણસને થનારા નુકસાનની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ હિન્દી. તમિળ અને તેલુગુ ભાષામાં એકસાથે દુનિયાના 43 દેશોમાં પ્રદર્શિત થઈ રહી છે.