સાઈબેરિયામાં કોલસાની ખાણમાં આગ લાગવાથી ૫૨ લોકોનાં મોત

 

મોસ્કોઃ રશિયાના  સાઇબેરિયામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં કેમેરોવો ક્ષેત્રની કોલસાની ખાણમાં લાગેલી આગમાં  બાવન લોકોના મોત થયા છે. આ ઘટના ૨૫મી નવેમ્બર ગુરુવારે બની હતી. વીતેલા પાંચ વર્ષમાં રશિયામાં આ સૌથી ભયંકર ખાણ દુર્ઘટના હોવાનું માનવામાં આવી રહ્યું છે. 

રશિયન ન્યૂઝ એજન્સી અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લિસ્ટવ્યાઝ્નાયા ખાણમાં કોઈ પણ જીવિતને બચાવવાની કોઈ તક નહોતી. હજુ પણ ઘણા મૃતદેહો અંદર છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અગાઉ એવું જાણવા મળ્યું હતું કે કોલસાના ધૂમાડાને કારણે વેન્ટિલેશનની સમસ્યાને કારણે ૧૧ ખાણિયાઓના મોત થયા છે. જેઓ ૨૫૦ મીટરની ઊંડાઈએ કામ કરી રહ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્રનું કહેવું છે કે ૩૮ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી ચારની હાલત ગંભીર છે અને અન્ય ૧૩ લોકોને દાખલ કર્યા વિના સારવાર આપવામાં આવી છે. દુર્ઘટના સમયે ભૂગર્ભમાં ૨૮૫ લોકો કામ કરી રહ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને ખાણમાંથી વહેલા બહાર કાઢવામાં આવ્યા હતા.

કોલસાની ખાણની ઘટનાની વાત કરીએ તો આ આગ જોરદાર વિસ્ફોટ બાદ લાગી હતી. આ વિસ્ફોટ અચાનક થયો હતો. જેના કારણે ઘણા લોકોને બચવાની તક પણ ન મળી. ઘટનાની માહિતી મળતા જ ફાયરબ્રિગેડ અને પોલીસ અહીં પહોંચી ગયા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મૃતકોના પરિવારજનો પ્રત્યે તેમની ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તે જ સમયે કેમેરોવો પ્રદેશે શુક્રવારથી રવિવાર સુધી ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે.

રશિયાની તપાસ સમિતિએ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ ઘટનાની તપાસ શરૂ કરી છે. તપાસમાં એ જાણવામાં આવશે કે બ્લાસ્ટ પાછળનું કારણ શું છે. સરકારનું કહેવું છે કે ઘાયલોને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવશે. આ પ્રકારની આ પહેલી ઘટના નથી. ૨૦૦૪માં આ ખાણમાં મિથેન વિસ્ફોટ થયો હતો, જેમાં ૧૩ લોકોના મોત થયા હતા