સાંસદો સામે ધીમી કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટ ખફા

 

નવી દિલ્હીઃ કલંકિત સાંસદો, ધારાસભ્યો સામે કેસો વણઉકેલ રહેવા પર નારાજ સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઇડી), સીબીઆઇ સહિત તપાસ એજન્સીઓને મનાઈ હુકમો હટાવી લેવા માટે વડી અદાલતોમાં અપીલ કરવા નિર્દેશ આપ્યો હતો. નેતાઓ વિરુદ્ધ કેસો પડતર રહેવા પર ચિંતા દર્શાવતાં મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાએ કહ્યું કે, ટ્રાયલ ઝડપી કરાશે, તેવું કહેવું સરળ છે, પરંતુ હકીકત એ છે કે, સાંસદો, ધારાસભ્યો પર ૭૬ કેસ પડતર છે. મોટા ભાગના કેસો પર વડી અદાલતે સ્ટે મૂકેલો છે, તેવું કહેતાં રમન્નાએ તપાસ એજન્સીઓને પૂછ્યું હતું કે, આ સ્ટે હટાવવાની માંગ કેમ કરાતી નથી. 

નેતાઓ વિરુદ્ધ અપરાધી કેસોમાં ૧૦-૧૫ વરસોથી આરોપનામું દાખલ નહીં કરવા પાછળ કોઈ કારણ નથી દેખાતું, તેવું તેમણે નારાજગી સાથે જણાવ્યું હતું. રમન્નાના વડપણવાળી ત્રણ ન્યાયમૂર્તિની ખંડપીઠે રાજકારણીઓને સાંકળતા અપરાધી કેસોની સુનાવણી અને તપાસની પ્રગતિ પર નજર રાખવા માટે એક ખાસ ખંડપીઠ રચવાની વિચારણા કરી છે. 

ન્યાયમિત્ર વિજય હંસારિયાએ કહ્યું હતું કે, અહેવાલોના તથ્યો, આંકડા આઘાતજનક છે. કુલ ૫૧ સાંસદો, પૂર્વ સાંસદો સામે મની લોન્ડરિંગના કેસો છે. સુપ્રીમકોર્ટે નેતાઓ પરના કેસોમાં તૈનાત ન્યાયતંત્રના અમલદારોની બદલી પર રોક સહિત ન્યાયમિત્રના સૂચનો સાથે સહમતી બતાવી હતી. ૧૨૨ વર્તમાન અને પૂર્વ સાંસદો અને વિધાયક આર્થિક મામલાઓના આરોપી છે અને તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે ૧૨૧ અન્ય વિરુદ્ધ વિભિન્ન અપરાધોમાં સીબીઆઈએ કેસ નોંધેલા છે