

પીઆરએસ લેજિસ્ટલેટિવ રિસર્ચે કુલ 26 રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વિધાનસભાઓનું 2011થી 2016 સુધીના સમયગાળાની કાર્યવાહીનું વિશ્લેષણ કર્યું હતું, જેમાં એવું તારણ બહાર આવ્યુ હતું કે, વિધાનસભાઓમાં સરેરાશ રીતે આખા વરસ દરમિયાન કેવળ 28 દિવસ જ કામ થયું છે. જે દિવસોમાં ગૃહમાં સૌથી વધુ સમય કામ થયું હતું તે બજેટ સત્ર દરમિયાન જ થયું હતું.બજેટ સત્ર એટલા માટે મહત્વનું ગણાય છે કે તેમાં વાર્ષિક બજેટ રજૂ કરાતું હોય છે.તેમાં રજૂ થયેલા પ્રસ્તાવો બાબત ચર્ચા કરવામાં આવતી હોય છે. દરેક મંત્ર્યાલય પોતાના માટે બજેટની માગણી કરે છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના છ વરસના સમયગાળાના સર્વેક્ષણથી એ વાત સ્પષ્ટ થાય છે કે, 26 રાજ્યોની વિધાનસભાઓમાંથી 13 રાજ્યોની વિધાનસભાઓમાં વરસમાં માત્ર 28 દિવસ કે તેનાથી પણ ઓછું કામ થયું છે. કેરળની વિધાનસભામાં વરસના 46 દિવસ, કર્ણાટકમાં 46 દિવસ, મહારાષ્ટ્રની વિધાનસભામાં 45 દિવસ અને ઓડિસામાં 42 દિવસ કામ થયું હતું. રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અને હરિયાણામાં વરસના 28 દિવસથી પણ ઓછું કામ થયું હતું. આ યાદીમાં નાગાલેન્ડ, દિલ્હી અને સિક્કીમ સૌથી નીચા સ્તરે છે.
રાજ્યોની વિધાનસભાઓની તુલનામાં દેશની રાજ્યસભા અને લોકસભાના સભ્યોએ 2011થી 2016 સુધીના સમયગાળામાં વધુ સમય કાર્ય કર્યું હતું. લોકસભાના સભ્યોએ સરેરાશ વર્ષભરમાં 70 દિવસ કામ કર્યું હતું. જયારે રાજયસભાના સભ્યોએ 69 દિવસ કાર્ય કર્યું હતું. અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, પંજાબ, ત્રિપુરા તેમજ પોંડિચેરીની વિધાનસભાઓના ડેટા ઉપલબ્ધ ન થયા હોવાથી ઉપરોક્ત યાદીમાં શામેલ કરી શકાયા નહોતા.