સહારા ગ્રુપના પ્રમુખ સુબ્રત રોયનું 75 વર્ષની વયે નિધનઃ મુંબઇમા લીધા અંતિમ શ્વાસ

મુંબઈઃ સહારા ગ્રુપના સ્થાપક સુબ્રત રોયનું મુંબઈમાં અવસાન થયું છે. તેઓ લાંબા સમયથી ગંભીર રીતે બીમાર હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના પાર્થિવ દેહને લખનઉ લાવવામાં આવશે. સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો. સુબ્રત રોયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ હોલી ચાઈલ્ડ સ્કૂલ કોલકાતાથી લીધું હતું ત્યારબાદ તેણે યુપીના ગોરખપુરથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. સહારા ગ્રુપના પ્રમુખ બન્યા તે પહેલા તેમણે લાંબો સમય રિયલ એસ્ટેટમાં વિતાવ્યો હતો. તેમની પાસે રિયલ એસ્ટેટનો 18 વર્ષનો અનુભવ તેમજ 32 વર્ષનો વ્યાપક બિઝનેસ અનુભવ સાથે એક સમયના ભારતના 10 સૌથી શક્તિશાળી લોકોમાં રોયનું નામ સામેલ થતું હતું.