સશક્તીકરણ ગ્રામીણ ભારતના કાર્યક્રમો માટે 70 હજાર ડોલર એકત્ર કરતું શેર એન્ડ કેર

શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત પાંચ કીલોમીટરની દોડ શરૂ થવાની તૈયારીમાં છે.

પરામસ, ન્યુ જર્સીઃ શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા 19મી મેએ ન્યુ જર્સીમાં રીજફિલ્ડ પાર્કમાં ઓવરપેક કાઉન્ટી પાર્કમાં સૌપ્રથમ વાર મેક એ ડિફરન્સ પાંચ કિલોમીટરની વોક-રનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શેર એન્ડ કેરના સશક્તીકરણ ગ્રામીણ ભારતના વિવિધ કાર્યક્રમો, જેવા કે જાતીય સમાનતા-આરોગ્ય-શિક્ષણ-સેનિટેશન-હાઇજીન વગેરે માટે 70 હજાર ડોલરથી વધુ ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું.
પારિવારિક મૈત્રીપૂર્ણ પાંચ કિલોમીટરની આ દોડમાં એકથી 80 વર્ષ સુધીના 340થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો, જેમાં એક કિલોમીટર કિડ વોક-રન, યોગા, અન્ય આરોગ્યમય પ્રવૃત્તિઓ, બે સ્થાનિક બિનનફાકારક સંગઠનોની ચેરિટી ડ્રાઇવનો સમાવેશ કરાયો હતો.
રેસમાં ભાગ લેનારાઓને નિઃશુલ્ક ટી-શર્ટ આપવામાં આવી હતી. એક કિલોમીટર કિડ વોક-રનમાં ભાગ લેનારાં બાળકોને મેડલ એનાયત કરાયો હતો. દરેક કેટેગરીમાં ટોચના રનરોને એવોર્ડ સમારંભમાં સન્માનિત કરાયા હતા.
વિજેતાઓની યાદી આ મુજબ છેઃ પુરુષોની કેટેગરીમાં શાફ ક્યુ, પૌલ બેલી અને નિમાઈ પરીખ. મહિલાઓની કેટેગરીમાં કેલસી ફોર્ડ, સારીના પરીખ અને યોકો પરેઝ. 12 અને તેનાથી ઓછી વયનાં બાળકોમાં રયાન કોક્સ, સામી ગુરુનાથન અને આગમ કોઠારી, 12 અને તેનાથી ઓછી વયની બાળકીઓમાં સુહાની પંડ્યા, શનાયા પરીખ અને રિયા દાગા.
શેર એન્ડ કેર ફાઉન્ડેશને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં 45 સ્વયંસેવકો અને 30 સ્પોન્સરોએ ભાગ લીધો હતો.
શેર એન્ડ કેર ફાઉન્ડેશનના સભ્યો અને પાંચ કિલોમીટરની દોડના આયોજકો સૌમિલ પરીખ, શ્રેયા મહેતા, વિપુલ શાહે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે ખરાબ હવામાન 340થી વધુ નાગરિકોના જુસ્સાને ‘મેક એ ડિફરન્સ’ રેસમાં ભાગ લેતાં અટકાવી શક્યું નહોતું.
શેર એન્ડ કેર બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના એક સભ્ય વિક્ટર ગુરુનાથને જણાવ્યું હતું કે શેર એન્ડ કેરના બેનર હેઠળ લાંબા સમય પછી આયોજિત આ સૌથી અજોડ કાર્યક્રમ છે.
શેર એન્ડ કેર ફાઉન્ડેશનની સ્થાપના ન્યુ જર્સીમાં 1982માં થઈ હતી.