સવા અબજ ભારતીયોની સમજદારીની પરીક્ષા

0
735


ઇતિહાસના પટ પર નજર નાખીએ છીએ ત્યારે એક વાત ઊડીને આંખે વળગે છે. સત્તાના સિંહાસન પર રાજાશાહી હોય, સરમુખત્યારશાહી હોય કે પછી લોકશાહી હોય, આ બધામાં સમયાંતરે પરિવર્તન આવ્યા જ કરે છે. રાજ્ય સિંહાસને ચંદ્રગુપ્ત હોય કે અશોક, કાળક્રમે મોગલો સિંહાસનારૂઢ થાય અને પછી અંગ્રેજી હકૂમત સર્વેસર્વા થઈ જાય. બધું જ બદલાતું રહે અને સ્વાતંત્ર્યોત્તર સિત્તેર વરસના ગાળામાં પણ આપણે પાર વિનાનાં પરિવર્તનો જોયાં છે. જે જવાહરલાલ નેહરુના એક બોલ ઉપર વીજળીનો થાંભલો સુધ્ધાં સત્તાસ્થાને બેસી જતો એ જ જવાહરલાલ દેશની આજની સમસ્યાઓ માટે જવાબદાર છે એવું આજે દેશનો ઘણો મોટો વર્ગ માને છે. એકવીસમી સદીના આરંભે ડો. મનમોહન સિંહે કોંગ્રેસ પક્ષના નેજા હેઠળ દેશનું સુકાન સંભાળ્યું(કેવું સંભાળ્યું એની વિગતે ચર્ચા અહીં નથી કરવી) ર014માં સત્તાપલટો થયો અને ભાજપ પહેલી જ વાર નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ શાસક પક્ષ બની ગયો.
લોકશાહીની સૌથી મોટી મજા ચૂંટણીઓ છે. આમ તો ચૂંટણીઓ જ પ્રજામતને વ્યક્ત કરવાનું સાધન છે, પણ દુનિયાભરનો લોકશાહીનો ઇતિહાસ તપાસીએ-એમાંય ખાસ કરીને ભારતીય સ્વાતંત્ર્યોત્તર કાળનાં સિત્તેર વરસ તપાસીએ-ત્યારે ચૂંટણીઓનો સ્વીકાર કર્યા પછી પણ એના માટે મજાકથી વધુ અર્થગંભીર શબ્દ બીજો મળતો નથી. એને પ્રજાનો મત તો કહેવાય, પણ એ મત થોડાક હજાર કે બહુ બહુ તો લાખ બે લાખ બાહુબળિયા અને સંપત્તિ બળિયા લોકો કેવી રીતે ઝાપટ મારીને મેળવી લે છે એનો આપણને સૌને સ્વાનુભવ છે. આમ છતાં જ્યાં સુધી એનાથી વધુ ઉત્તમ વ્યવસ્થા હાથવગી થાય નહિ ત્યાં સુધી આનાથી જ ચલાવ્યા વિના બીજો કોઈ રસ્તો નથી.
નરેન્દ્ર મોદીની સરકારનાં પહેલાં પાંચ વરસ હવે પૂરાં થવા આવ્યાં છે. આ નવી સરકાર જ્યારે સત્તા ઉપર આવી ત્યારે દેશની પ્રજામાં આકાંક્ષાઓના પહાડો ખડકાઈ ગયા હતા. ચૂંટણીઓમાં સદંતર જુઠ્ઠી આકાંક્ષાઓ બધા પક્ષો અને ઉમેદવારો ખડકતા હોય છે. 1977માં કટોકટી ઉઠાવી લઈને ઇન્દિરાજીએ જ્યારે ચૂંટણીઓ જાહેર કરી ત્યારે દક્ષિણ મુંબઈમાં જનતા પક્ષના ઉમેદવાર અને મુંબઈના બેતાજ બાદશાહ ગણાતા જ્યોર્જ ફર્નાન્ડિસે મતદારોને ત્રીજા, ચોથા કે પાંચમા માળે પાણી પહોંચાડવાનું વચન આપ્યું હતું. પાણીની પાઇપલાઇન એ મ્યુનિસિપાલિટીનું કામ છે, સંસદનું નહિ. આ પ્રાથમિક પાઠ જાણવા છતાં મુંબઈના શિક્ષિત કહેવાતા મતદારોએ ફર્નાન્ડિસને ચૂંટ્યા.
ર014ના ભવ્ય વિજય પછી નરેન્દ્રભાઈની લોકપ્રિયતા સાવ ઘટી ગઈ છે એવો વિરોધ પક્ષો દાવો કરે છે. પેટાચૂંટણીઓનાં પરિણામો અને મતદાન ટકાવારીના આંકડાઓ, બન્નેનું ઓઠિંગણ લઈને બન્ને પક્ષો પોતપોતાની વાત કરી રહ્યા છે. ર014માં ભાજપ પાસે જેટલાં રાજ્યોની સરકારો હતી એ કરતાં ત્રણ ગણી રાજ્ય સરકારો ભાજપ શાસિત છે અને એને ભાજપનો વિજય કહેવાય એવું વાજબી રીતે જ કહી શકાય. સામા પક્ષે, અનેક પેટાચૂંટણીઓમાં ભાજપે બેઠકો ગુમાવી છે અને મતની ટકાવારી ઓછી થઈ છે, આ જોતાં વિપક્ષો જો સંયુક્ત લડત આપે તો ભાજપનો વિજય શંકાસ્પદ બની જાય એમાં કોઈ શક નથી.
પણ વિરોધ પક્ષો સંયુક્ત ગઠબંધન રચી શકશે ખરા? અને રચે તો પણ એમના વચ્ચે વિશ્વવાસની કોઈ ગાંઠ છે ખરી? રાહુલ ગાંધીથી માંડીને સીતારામ યેચુરી કે ચંદ્રાબાબુ નાયડુ સુધી સૌને, ગઠબંધનના વિજયમાં રસ નથી, પણ પોતે વડા પ્રધાન બને એમાં વધુ રસ છે. નરેન્દ્ર મોદીની વિચારશૈલી કે કાર્યશૈલી સાથે અસહમત થવાનો દરેકને અધિકાર, પણ આ દરેકે એટલી વિચારણા પણ કરવી પડશે કે નરેન્દ્રભાઈની જગ્યાએ રાહુલ ગાંધી, માયાવતી, મમતા બેનરજી કે સીતારામ યેચુરી આ પૈકી કોઈ એક ટકો પણ ચાલશે ખરાં? 1990-2000ના ગાળામાં જે રીતે વી. પી. સિંહ, ઇન્દ્ર કુમાર ગુજરાલ, ચંદ્રશેખર અને દેવેગૌડા જેવા ઢગલાબંધ વડા પ્રધાનો ખડકાયા અને દેશ ખુવાર થયો એ પરિસ્થિતિની પુનર્વિચારણા કરી છે ખરી? વી. પી. સિંહે માત્ર સત્તા ટકાવી રાખવા મંડલ કમિશનનો જે ઝેરી દાબડો ખુલ્લો મૂક્યો એનાં પરિણામો દેશે આજ સુધી ભોગવ્યાં, આજે ભોગવે છે અને ભવિષ્યમાં પણ આ ઝેર ભોગવતું રહેશે. ચરણ સિંહે એક પણ સિદ્ધાંત વગર માત્ર વડા પ્રધાન બનીને સ્વાતંત્ર્ય દિને લાલ કિલ્લા ઉપરથી ધ્વજ ફરકાવવાની ખૂજલી પૂરી કરવા જનતા સરકારનું પતન કર્યું એ વાત મતદારોએ ભૂલવી જોઈએ નહિ.
ભાજપની સરકારે ચાર વરસના શાસનકાળમાં શું કર્યું છે અને શું નથી કર્યું એની ઉપર પક્ષીય રાજકારણથી પર થઈને એક સમજદાર મતદાર તરીકે નજર નાખવા જેવી છે. કાળાં નાણાં પરદેશી બેન્કોમાં પડ્યાં છે ત્યાંથી એક વરસમાં પાછાં લાવીને દરેક ભારતીય નાગરિકના ખાતામાં પંદર લાખ રૂપિયા જમા કરવામાં આવશે એવા ચૂંટણી પ્રવચનને વચન માનીને સરકારને જુઠ્ઠી કે અપ્રામાણિક કહેવી એ ગાંડપણ છે. ચૂંટણીઓમાં આવાં જુઠ્ઠાણાંઓ અને મેનિફેસ્ટોના નામે અપાતાં વચનો, પ્રણયે કાળે આકાશના તારા તોડીને પ્રિયતમાને ધરવાની ગુલબાંગો જેવાં જ આ બધાં હોય છે. આકાશના તારાની અપેક્ષાએ પ્રિયતમને પ્રેમ કરનારી પ્રિયતમા માત્ર ભોળી નથી હોતી, બેવકૂફ પણ હોય છે. તારાની આ વાતનો વ્યોમવિહાર કરાય, એને સચ્ચાઈ ન માની લેવાય. એ જ રીતે, દાઉદ ઇબ્રાહિમને પકડી લાવવાની વાત કરવી સહેલી છે, પણ એ બહાદુરી, ઓસામા બિન લાદેનની હત્યા કરવા માટે અમેરિકા આચરી શકે, પણ એ ચૂંટણી પ્રવચનને વાસ્તવિક માની લેવાય નહિ. આ બધાં કરવા જેવાં કામ છે, કરી શકાયાં હોત તો આપણા માટે ભારે સંતોષની વાત હોત, પણ આ કામો કરવા સાથે અનેક આંતરરાષ્ટ્રીય પરિબળો સંકળાયેલાં છે. એ કરવા માટે જ કંઈ થઈ શકતું હોય એ થઈ પણ રહ્યું છે, પણ સફળતા મળી નથી. આનો અર્થ એવો નથી કે આ કામો પડતાં મુકાયાં છે.
યુનોની સલામતી સમિતિમાં પ્રવેશ મેળવવાના આ પ્રયત્નો સફળ નથી થયા, પણ બ્રિક્સ કે ઇન્ડોપેસિફિક કે ચાબહાર કે ઇન્ડોનેશિયન ટાપુ ઉપર ભારતીય કામગીરી આ બધી સફળતાઓને પણ લક્ષમાં લેવી જોઈએ. દોકલામ કે સર્જિકલ સ્ટ્રાઇકે આપણી આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા વધારી છે. પાકિસ્તાનની પ્રશંસા કરવી કે ભારતીય લશ્કર ઉપર પણ શંકા કરવી એ રાષ્ટ્રીયતા નથી, એ દેશદ્રોહ છે. આવી દેશદ્રોહી ગતિવિધિ મારફતે રાજકીય હિસાબો સરભર કરવાનો પ્રયત્ન કરવો એ સાવ હીન પ્રવૃત્તિ છે.
કરોડો ઘરોમાં રાંધણગેસ પહોંચ્યો અને કરોડો ઘરોમાં શૌચાલયો પહોંચ્યાં એને સિદ્ધિ ન કહેવાય? આ સાથે જ રાંધણગેસની સબસિડી જતી કરવાની અપીલ વડા પ્રધાન દેશવાસીઓને કરે ત્યારે એ પણ પ્રશ્ન થાય કે પોતાના પગાર અને ભથ્થાંઓ જાતે જ વધારી લેતા વિધાનસભ્યો કે સંસદસભ્યોને વડા પ્રધાન કેમ રોકતા નથી? આટઆટલાં ભથ્થાં લીધા પછી એક પણ દિવસ સંસદની કાર્યવાહી ચાલવા નહિ દેતા આ મહાનુભાવોને હદપાર કરવાનો શું કોઈ રસ્તો જ નથી?
સિત્તેર વરસમાં જેટલાં વડા પ્રધાનો સત્તાસ્થાને બિરાજ્યા એ સૌએ વંશવારસોનું પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે (લાલબહાદુર શાસ્ત્રી અને મોરારજી દેસાઈ આમાં અપવાદ છે). જવાહરલાલ, ચરણ સિંહ, જગજીવનરામ, ઇન્દિરાજી, રાજીવ ગાંધી આ કોઈએ પોતપોતાના કુટુંબ-કબીલાને ક્યાંય વાંધોવચકો ન આવે એવી ગોઠવણ કરી છે. નરેન્દ્ર મોદીએ આવું કશું નથી કર્યું (પણ એમના સાથીઓએ તો આવું જ કર્યું છે!) નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં અપેક્ષા મુજબ કદાચ કેટલુંક નથી થયું. પણ યાદ રાખવા જેવી વાત એ છે કે એ જે નથી થયું એમાં આપણો ફાળો કેટલો છે? નોટબંધી કે જીએસટી એ લાંબા ગાળે દેશના હિતમાં છે એ આપણે સૌ સ્વીકારીએ છીએ અને છતાં વેળાકવેળાએ એનો વિરોધ કરીએ છીએ એનું કારણ એના અમલથી સાંપ્રત કાળમાં નાના-મોટા આપણને સૌને કેટલુંક નુકસાન વેઠવું પડે એમ છે. આના કારણે સામાન્ય પ્રજાને જ્યારે ઊલટી વાત કરવામાં આવે ત્યારે મતદાનની તરાહ બદલાય છે.
એક-બે મુદ્દાની વાત ધ્યાન પર મૂકીએ. દેશમાં લાખો પરિવારો છાપરાં વિનાના છે. એ સાથે જ દેશમાં લાખો પરિવારો કાળાં નાણાંનું રોકાણ કરીને રહેઠાણનાં ઘરો હાથવગાં કરે છે. આ ઘરો ખાલી પડ્યાં છે. આના વેચાણભાવ કરોડોમાં જાય છે. આવડી મોટી રકમ ઘરબારવિહોણા રોકી શકતા નથી. આવા ખાલી પડેલા તમામ ફ્લેટો કબજે લઈને સરકારે ઘરબાર વગરના પરિવારોને સોંપી દેવા જોઈએ, પણ કોઈ પણ સરકારથી આ કામ થઈ શકશે નહિ, કેમ કે મોટા ભાગના આ ખાલી પડેલા ફ્લેટો રાજકારણીઓએ જ પોતાની બેઠકની જગ્યાએ ચીટકાડેલા છે.
એ જ રીતે વ્યાજની આવક ઉપર જીવનનાં શેષ વરસો ગાળતા વરિષ્ઠ નાગરિકોને અમુક ચોક્કસ રકમ સુધી ઓછામાં ઓછું દસ ટકા વ્યાજ આપવું એ સરકાર માટે મુશ્કેલ કામ નથી. થોડાક કરોડ રૂપિયા આવા વ્યાજખર્ચ માટે વપરાય તો એનાથી દસ કરોડ વરિષ્ઠ નાગરિકોની મતદાનની તરાહ બદલાઈ જાય.
વિપક્ષી ગઠબંધન સૈદ્ધાંતિક ધોરણે થાય એ આવકાર્ય છે, પણ વ્યક્તિનિષ્ઠ ધોરણે થાય અને નકરી સત્તાકાંક્ષા જ મૂળમાં હોય એને ત્યાજ્ય જ ગણવી જોઈએ. ભાજપ દૂધે ધોયેલો નથી, પણ એની પાસે કમસે કમ એક એવો નેતા અવશ્ય છે કે જેના ઉપર દેશ આંખ મીંચીને વિશ્વાસ રાખી શકે! ર019 એ રાજકીય પક્ષોની પરીક્ષા નથી – સવા અબજ ભારતીયોની સમજદારીની પરીક્ષા છે!
(‘મુંબઈ સમાચાર’ દૈનિકના સૌજન્યથી)

લેખકઃ મુંબઈસ્થિત સાહિત્યકાર અને કટારલેખક છે.