સલમાન ખાન એના બનેવી આયુષ શર્મા માટે આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યો છે. આયુષ શર્માની આ ડેબ્યુ ફિલ્મ છે. હિંદુ સંગઠનો આ ફિલ્મના નામ અંગે વિરોધ પ્રગટ કરી રહ્યા છે. નવરાત્રિ એ હિંદુ પ્રજાનો અતિ મહૃત્વનો ધાર્મિક ઉત્સવ છે. આ ઉત્સવ નવ રાત્રિનો હોય છે. નવ દિવસ અને નવ રાત આદ્યશક્તિ માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે. જગદંબાના વિવિધ સ્વરૂપોની પૂજા- અર્ચના – આરાધના ધાર્મિક હિંદુઓ શ્રધ્ધા અને ભક્તિભાવથી કરે છે. નવરાત્રિ દરમિયાન જગદંબા માતાનો મહિમા અને કથા વર્ણવતા પરંપરિત ગરબા રમાય છે, ગવાય છે. નવરાત્રિના ઉત્સવમાં ગરબા અને રાસની રમઝટ જામે છે. નવરાત્રિ શબ્દ શ્રધ્ધાળુ હિંદુઓ માટે આસ્થા અને ભકિતભાવનું પ્રતીક છે. આ શબ્દની સાથે છેડછાડ કરીને એને લવરાત્રિ બનાવીને જાહેરમાં રજૂ કરાય એની સામે હિંદુ સંગઠનોને વાંધો છે. વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો કહે છે કે, તેઓ આ ફિલ્મને લવરાત્રિ નામ સાથે રિલિઝ નહિ થવા દે..લવરાત્રિ શબ્દ નવરાત્રિ શબ્દનો અર્થ અને મહત્વ ઘટાડે છે, બગાડે છે . વળી આ ફિલ્મની કથા ગુજરાતની પશ્ચાદભૂમાં રજૂ કરવામાં આવી હોવાનું કહેવાય છે. જો કે ફિલ્મના નિર્માતાઓ આ ફિલ્મને આગામી 5 ઓકટોબરે દેશભરમાં રિલિઝ કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જણવા મળ્યું હતું.