સલમાન ખાનની આગામી ફિલ્મ ‘રેસ-3’નું એકશન થ્રિલર ટ્રેલર લોન્ચ


બોલીવુડના લોકપ્રિય અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘રેસ-3’ 15મી જૂને રમજાન ઈદ પર રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર મુંબઈમાં મંગળવારે યોજાયેલી એક પાર્ટીમાં લોન્ચ કરાયું હતું અને પછી એને ઓનલાઇન શેર કરાયું હતું.
ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ, જેકલીન ફર્નાન્ડીસ, ડેઇઝી શાહ સહિતના કલાકારો છે.
ત્રણ મિનિટ અને નવ સેકન્ડના આ ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના કેરેક્ટર સિકંદરથી થાય છે, જે ખૂબ જ ઊંચાઈએ છત પર ઊભેલો છે.
આ ફિલ્મમાં ચોપર્સ, સ્પીડિંગ કાર્સ, એક્શન છે. ટ્રેલરમાં પાવરફુલ એક્શન અને હેલિકોપ્ટર જોવા મળે છે. ફેમિલી માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે છે તેમ સલમાન કહે છે.
‘રેસ-3’ તાજેતરની સૌથી મોટા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મનું બજેટ રૂ. 120 કરોડનું છે. તેના સેટેલાઇટ-ડિજિટલ રાઇટ્સની કિંમતનો રૂ. 150 કરોડનો અંદાજ છે. અગાઉ ફિલ્મની બે ફ્રેન્ચાઇઝીનું ડિરેક્શન અબ્બાસ મસ્તાને કર્યું હતું, જ્યારે ‘રેસ-3’ને રેમો ડિસોઝાએ ડિરેક્ટ કરી છે. ‘રેસ-3’ને સલમાન ખાન દ્વારા તેના પ્રોડક્શન બેનર સલમાન ખાન ફિલ્મ્સ અને રમેશ તૌરાનીના ટિપ્સ ફિલ્મ્સ અંતર્ગત નિર્માણ કરવામાં આવી છે, ફિલ્મનું શૂટિંગ મુંબઈ, થાઇલેન્ડ, કાશ્મીરમાં કરવામાં આવ્યું છે.
‘ટાઇગર જિંદા હૈ’ પછી સલમાન ખાન બીજી વાર એક્શન પેક્ડ રોલમાં જોવા મળશે. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર વિશાલ મિશ્રાએ જણાવ્યું કે સલમાને આ ફિલ્મનાં બે ગીતો લખ્યાં છે અને ગાયાં પણ છે. ‘રેસ-3’નાં છ ગીતો બનાવવામાં બે વર્ષ થયાં હતાં. સલમાને ફિલ્મના કોઈ પણ ગીતને સાંભળ્યા કે જોયા વગર મંજૂરી આપી નહોતી.