સલમાન ખાનના ચાહકોને નિરાશ કરતી ફિલ્મ રેસ-3

ફિલ્મ ‘રેસ’, ‘રેસ-ટુ’ અને હવે ‘રેસ-થ્રી’. નિર્માતા રમેશ તૌરાની અને ડિરેક્ટર રેમો ડિસોઝાની આ ફિલ્મ સલમાન ખાનની છે, જે સલમાનના ચાહકોને નિરાશ કરે છે.
ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત અનિલ કપૂર, જેકલિન ફર્નાન્ડિસ, ડેઇઝી શાહ, બોબી દેઓલ, સાકીબ સલીમ, ફ્રેડી દારૂવાલા જેવા કલાકારોનો કાફલો છે.
ફિલ્મની વાર્તાની શરૂઆત સમશેર સિંહ (અનિલ કપૂર)થી થાય છે, જે ગેરકાયદે આઇલેન્ડ અલ શિફામાં શસ્ત્રો સપ્લાય કરવાની કામગીરી કરે છે. સમશેર સિંહનું ભારતમાં પણ પોતાનું નેટવર્ક શરૂ કરવાનું સપનું છે, પરંતુ પોતાના ગુનાકીય રેકોર્ડના કારણે કરી શકતો નથી. રાણા (ફ્રેડી દારૂવાલા) સમશેર સિંહનો દુશ્મન છે અને બન્ને વચ્ચે બિઝનેસના કારણે અવારનવાર લડાઈ થાય છે.
સિકંદર (સલમાન ખાન) સમશેર સિંહનો સાવકો દીકરો છે. સમશેરના પોતાનાં સંતાનો સંજના (ડેઇઝી શાહ), સૂરજ (સાકીબ સલીમ) છે. સિકંદર, સંજના, સૂરજ સમશેર સિંહ માટે કામ કરે છે. યશ (બોબી દેઓલ) સિકંદરનો બોડીગાર્ડ છે, જ્યારે જેસિકા (જેકલીન ફર્નાન્ડિસ) સિકંદરની ગર્લફ્રેન્ડ છે.
ઓક્સફર્ડમાં અભ્યાસ કરનાર સિકંદરને ચીનમાં એક હોટેલમાં બેઠેલી જેસિકા સાથે પ્રેમ થાય છે. એક ગીત પછી અને વન નાઇટ સ્ટેન્ડ પછી જેસિકા ગાયબ થઈ જાય છે. સિકંદર પોતાના પિતા સાથે કામ કરે છે. સમશેરના જોડિયા સંતાનો સિકંદર સામે કાવતરું કરે છે.
અબજો ડોલરની મિલકતનો મામલો છે. દુશ્મનાવટ વચ્ચે જેસિકાની ફરીથી એન્ટ્રી થાય છે અને ધીમે ધીમે ફિલ્મી રાઝ ખૂલે છે.
આ ફિલ્મ સલમાનના ચાહકોને નિરાશ કરે છે. સલમાન સ્ક્રીન પર દેખાય છે, પરંતુ ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં નથી. અગાઉની બોલીવુડની મસાલા ફિલ્મો જેવી આ ફિલ્મ છે, જેમાં નવું કશું નથી. ડિરેક્ટરે આ ફિલ્મમાં મારધાડ, ગોળીબાર, કાર-મોટરબાઇકની રેસનો મસાલો ઉમેર્યો છે. નકલી ઝાકમઝાળ, ચીન-કંબોડિયા ખાડી દેશો સહિત વિદેશી ખૂબસૂરત લોકેશનો, સ્પોર્ટ્સ કાર, વિશાળ મેન્શન વગેરે દર્શકોને આંજવા માટે છે. ‘રેસ-3’નું થ્રિલ દર્શકોને રોમાંચિત કરતું નથી.
‘રેસ’ અને ‘રેસ-ટુ’ જેવો રોમાંચ અને ટ્વિસ્ટ આ ફિલ્મમાં નથી. અનિલ કપૂરે સારો અભિનય આપ્યો છે. ફિલ્મ સ્ટાઇલિશ, પરંતુ લાંબી છે. ફિલ્મની વાર્તા સિરાઝ અહમદે લખી છે. સલમાને લખેલું ગીત નિરાશાજનક છે. (ગુજરાત ટાઇમ્સ સંકલન)