સર, આવશોને?

0
1707

 

 

આ બન્ને પ્રેમપત્રો તમારા લખાયેલા છે?’ પ્રિન્સિપાલ મને પૂછતા હતા. બાજુમાં સુનીતા ઊભી હતી.

‘કોણે આપ્યું?’

‘પહેલાં મને એ કહો કે…’ પ્રિન્સિપાલ ગુસ્સે થઈને બરાડ્યા. ‘આ તમારા લખાયેલા છે કે નહિ?’

‘એક છે, એક નથી’ હું શાંતિથી બોલ્યો.

‘એટલે?’

‘આ પત્ર મારો લખેલો છે’ મેં એક પત્ર હાથમાં લઈને કહ્યું, ‘બીજો પત્ર મારો લખેલો નથી.’

‘પણ બન્નેમાં તારો તરજ, એમ જ લખેલું છે ને?’ પ્રિન્સિપાલ ફરીથી ગુસ્સે થયા.

‘આમાં તારો તરજ મેં લખ્યું છે…’ હું સહેજ હસીને બોલ્યો અને ઉમેર્યું ‘પણ આ પત્રમાં જુઓ, સર, તમારી તરજ લખ્યું છે, આ ચોક્કસ બનાવટી છે.’

‘સર’ વચમાં સુનીતા બોલી, આ પત્ર મને લખ્યો છે અને બીજો પત્ર તેજલ પરીખને લખ્યો છે. એ ના કેવી રીતે કહે છે? હળહળતું જુઠ્ઠી બોલે છે…

‘મિસ સુનીતા, તમે પ્લીઝ વચ્ચે ન બોલો. સાહેબને જે કહેવું હશે તે મને કહેશે…’

‘સર, તેજલને બોલાવો, તેજલને તો આ તરજે જ પત્ર લખાયો છે એવું કબૂલ તો કરે જ છે ને!’ સુનીતાએ વચમાં બોલવાનું ચાલુ રાખ્યું.

ઓફિસ બહાર વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓનું નાનકડું ટોળું જમા થઈ ગયું હતું.

‘સરે પત્ર મને આપ્યો, મેં વાંચ્યો, હસ્યો’

‘સર, આ જરા ધ્યાનથી…’

‘સર, આ તર્જ કેવો નફ્્ફટ છે? પોતે લખેલો પત્ર વાંચીને હસે છે અને…’

‘તમે શાંતિ રાખશો?’ સાહેબે સુનીતાને ઊંચા અવાજે કહ્યું.

‘બતાવો’

મેં બે વાક્ય બતાવ્યાં. પ્રિન્સિપાલ પણ હસ્યા, સુનીતા સામે જોયું અને પૂછ્યું. ‘આ પ્રેમપત્ર તરજે તમને ક્યારે આપ્યો?’

‘કાલે જ. કદાચ તેજલને પણ કાલે જ આપ્યો હશે…’

‘તર્જ, તેં તેજલને પત્ર કેમ લખ્યો?’ કોલેજમાં ભણવા આવો  છો કો પછી…

‘પણ સાહેબ, તમને ખાતરી તો થઈને કે…’

‘મિસ સુનીતા, આ પત્ર તમે જ લખ્યો છે ને?’

સુનીતા મૌન સ્તબ્ધ.

‘બોલો…?’ પ્રિન્સિપાલ ગુસ્સે.

‘હા, સર…’ સુનીતા ગભરાતાં ગભરાતાં બોલી, હું તરજને પ્રેમ કરતી’તી પણ મને દાદ નહોતો આપતો એટલે તેને ફસાવવા…’

‘ગેટ આઉટ…’

‘નો સર,’ તેજલ ઓફિસમાં આવતાં બોલી, ‘પહેલા તો સુનીતાને સજા કરો. મારા પરનો તરજનો પત્ર સુનીતાએ ચાર દિવસ પહેલાં મારી પર્સમાથી કાઢી લીધો હતો…’

‘એક મિનિટ, તરજે તમને પત્ર લખ્યો અને તમે કમ્પલેન કેમ ન કરી?’

‘સર, એ જુદી વાત છે.’

‘એટલે તમે આવા છોકરાઓને પ્રોત્સાહન આપો છો? મારે તમારા પર એક્શન લેવા પડશે…’

‘સર, પહેલાં મારી વાત પૂરી સાંભળો…’

‘પણ આ પત્ર તો તરજે જ લખ્યો છે ને?’

‘હા’

‘તો પછી? તરજ કબૂલે છે, તમેય કબૂલો છો તો પછી પ્રોબ્લેમ ક્યાં છે?

‘પ્રોબ્લેમ છે.’

પ્રિન્સિપાલને સમજાયું નહિ. કન્ફ્યુઝ થઈ ગયા હોય એમ લાગ્યું.

‘અમે બોલીએ સર…’ હું અને તેજલ સાથે જ બોલ્યાં.

‘બોલો…’ પ્રિન્સિપાલ વધારે કન્ફ્યુઝ.

‘સર,’ બોલતાં જ હું અને તેજલ બાજુ બાજુમાં સાથે ઊભાં રહી ગયા અને તેજલ બોલી, ‘સર, આ પત્ર ચાર દિવસ પહેલાં જ તરજે મને લખેલો.’

‘તો?’

‘એ દિવસે અમારા વિવાહની વાતચીત અમારા વડીલોએ પૂરી કરી હતી. આજે સાંજે અમારા વિવાહ ધામધૂમથી થવાના છે…’

‘મને કંઈ સમજાતું નથી.’ પ્રિન્સિપાલ ઘડીકમાં મને જોતા હતા, ઘડીકમાં તેજલને…

‘હા સર, અમારા બન્નેના વિવાહમાં આજે સાંજે તમે અમને આશિર્વાદ આપવા આવશો ને? મારે ઘેર વિવાહ છે’ મેં કહ્યું ‘સર, આવશો ને?’

(પ્રિન્સિપાલ તરીકેનો એક અનુભવ)

લાશચોર!

કંડલાનું એ છેલ્લુ વાવાઝોડું. હું મારા રોટેરિયન મિત્રોની ટીમ લઈને લગભગ ચોથે જ દિવસે રાહતસામગ્રી લઈને કંડલા પહોંચી ગયેલો. વાવાઝોડા અને સમુદ્રનાં પાણીએ વેરેલો વિનાશ કલ્પનાતીત હતો. આઘાતજનક હતો. ઢીંચણ સુધીનો કાદવ-કીચડ. કાદવ-કીચડમાં સડતી પશુઓની લાશો, તેની સાથે જ માનવોની, વસ્ત્રહીન સડતી વિકૃત લાશો, સડતા માંસે અને કાદવ-કીચડે ફેલાવેલી અસહ્ય દુર્ગંધ, વીજળી, ટેલિફોનના તૂટેલા તાર અને વળેલા થાંભલાઓ, કાદવમાં ખૂંપી ગયેલાં વાહનો અને ક્યાંક મીઠાના ધોવાણને કારણે જોવા મળતો સફેદ-લાલ રંગમિરશ્રત કાદવ… દૂર… સુદૂર… વિનાશ… વિનાશ… અને વિનાશ…

સરકારે રાહત જાહેર કરી હતી. મૃતકના નજીકના સગાને મૃતકદીઠ એક લાખ આપવાની જાહેરાત. કમકમાં આવી જતાં આવી જાહેરાતથી, સ્વજનના મૃત્યુ પાછળ પૈસા લેવા, આવા સ્મશાનમાંથી, કાદવ-કીચડભર્યા કબ્રસ્તાનમાંથી કોણ આવશે તેવો પ્રશ્ન અમને બધાને થયો હતો.

પણ અમે શું જોયું?

જીવતા લોકો, મરવાને વાંકે જીવતા લોકો, સ્વજનોની લાશો અત્યંત દુર્ગંધ મારતી લાશો, ગમે તેમ કરીને પોટલું વાળીને, લારીમાં મૂકી પોસ્ટમોર્ટમ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સર્ટિફિકેટ લેવા આવતા હતા.

અમને આઘાત તો ત્યારે લાગ્યો, જ્યારે એક લારીમાં એક વ્યક્તિ, ચીંથરેહાલ વ્યક્તિ (?) તેના પાંચ પરિવારજનોની લાશો… લાશો તો શેની? માંસના ટુકડાઓનાં પોટલાં લઈને આવેલી.

એકાએક જ એક એવું દશ્ય મારી સમક્ષ આવી ગયું કે મને એમ થયું કે આ દુર્ગંધના દરિયામાં આ સડેલા માંસના ટુકડાઓના વિશ્વમાં, આ મરેલી લાશોને લઈને આવતી જીવતી લાશોના ગામમાં આવું પણ બની શકે છે?

એક માજી, લગભગ અર્ધનગ્ન, હાથમાં લાકડી લઈને, વળેલી કમ્મરે, ગાળોનો વરસાદ વરસાવી રહ્યાં હતાં.

‘નખ્ખોદ જાય, મૂઆનું… એના રાજિયા ગાય, મારો રોયો…’

‘માજી, શું થયું? મારા મિત્રથી પુછાઈ ગયું.’

‘શું થયું, શું? મારો રોયો, પેલો લારીવાળો, મારા છોરાની લાશ લઈને આવતો’તો. મારાથી આગળ નીકળીને એની લાશ લઈને ક્યાંય ચાલ્યો ગયો. ચોરટો સાલો, મારા છોરાની લાશ ચોરી ગયો… હું અહીં દાગતરસાબ પાસે જઈને આવતી’તી ત્યાં લાશ લઈ ગયો. બળ્યું મને લાખ રૂપિયા તો મળત… મારા નોંધારાનો આધાર… એનું ધનોપતનોત નીકળે… સાલો લાશચોર…

મૃત્યુનો જાયન્ટ

16-9-2009.

આજે મમ્મી દાદરા પરથી પડી ગઈ.

ડોક્ટરોની ટીમે નિદાન કર્યું – કમ્મર નીચેનો ભાગ લગભગ નિર્જીવ થઈ ગયો છે.

16-10-2009

ઓપરેશનને પંદર દિવસ થઈ ગયા. મમ્મીની હાલત પર દયા આવે છે. સહેજ પણ સુધારો નથી. પપ્પા બિચારા ખૂબ નિરાશ થઈ ગયા છે. વાતે વાતે ગુસ્સે થઈ જાય છે.

20-10-2009

આજે હું સત્તરમા વર્ષમાં પ્રવેશી. મિત્રો સાથે પણ બર્થ-ડે ઊજવ્યો નથી. મમ્મીએ તો ખૂબ આગ્રહ કર્યો, પણ હું આખો દિવસ મમ્મી પાસે જ બેસી રહી.

સ્વીટ સેવન્ટીન. બીટર સેવન્ટીન. આજે કોલેજ પણ ન ગઈ.

30-10-2009

પપ્પા હવે મમ્મી પ્રત્યે નેગ્લિજન્ટ થતા જતા હોય એમ લાગે છે. હમણાંના મોડા પણ ખૂબ આવે છે. મને પહેલાંની જેમ વહાલ પણ નથી કરતા.

ઘેર જમતા પણ નથી. મારા વહાલા પપ્પા કાં તો બિઝનેસમાં રચ્યાપચ્યા રહે છે… કાં તો… સમજ નથી પડતી. કાલે તો ડ્રિન્ક લીધું હોય એમ લાગતું હતું.

પહેલાં તો પપ્પા-મમ્મીમાં ખૂબ પ્રેમ હતો. પપ્પા વાર-તહેવારે મમ્મીને ગિફ્ટ આપે, પણ હવે… પ્રેમ… ફક્ત ફિઝિકલ જ હશે? સેક્સ… ઓહ નો…

5-11-2009

મમ્મીએ આજે આપઘાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. એ ઇચ્છા હતી કે તડપ કે મજબૂરી… હું નથી સમજી શકતી. મમ્મી ખૂબ રડી. હું પણ તેને વળગીને ખૂબ રડી. તેને થાબડી તેનો ચહેરો હાથમાં લઈને ચૂમ્યો. તેનાં આંસુ હળવે હળવે લૂછ્યાં, ચૂમ્યાં.

મને લાગ્યું, હું તેની મમ્મી થઈ ગઈ છું. મમ્મીની મમ્મી.

પછી મને થયું, મમ્મી હજી સાજી થઈ શકે એમ છે, જો પપ્પાનો પ્રેમ… પણ પપ્પાનો પ્રેમ ક્યાં હતો? પપ્પાનો પ્રેમ તો…

12-11-2009

બહાર નીકળી’તી. પપ્પાની ઓફિસે જવાની ઇચ્છા થઈ.

પપ્પાની કેબિનમાં પહોંચી ગઈ. સાંભળ્યું’તું એ બિલકુલ સાચું લાગ્યું.

મમ્મી હવે મૃત્યુ પામે તો જ સારું.

મમ્મી હવે મારી જાણ બહાર આપઘાત કરે તો જ સારું. છૂટે.

મમ્મીના જીવવાનો, મમ્મીના જીવનનો કોઈ અર્થ મને નથી લાગતો. ક્ષણે ક્ષણે કોઈના દ્વારા, પોતાના પતિ દ્વારા, વહેરાતાં-વહેરાતાં, ટુકડે, ટુકડે મરવું એના કરતાં… એના કરતાં… શું?

12-12-2009

આજે પપ્પાએ મારી હાજરીમાં જ મમ્મી સાથે ઝઘડો કર્યો. તું મારા કામની નથી, એવું બધું, ઘણું બધું કહ્યું જ હશે. માની લઉં છું, હું તો એકાદ-બે વાક્યોની આપ-લે પછી ભાગી નીકળેલી…

મને લાગ્યા જ કરે છે મમ્મીએ તો હવે મરી જ જવું જોઈએ. હું જાણે તેના મૃત્યુની રાહ જોઈ રહી હતી. ગઈ કાલે સપનામાં પણ મૃત્યુ જાયન્ટ બનીને મારી સામે ડાન્સ કરતું હતું. એ કશાક ટુકડા ઉછાળતું હતું… લાલ… લાલ…

પણ જો મમ્મી મરી જાય તો… હું શું કરીશ? મારું શું? હું ક્યાં જઈશ? પપ્પા સાથે મારા રિલેશન્સ કેવા રહેશે? અને પેલો સપનાનો જાયન્ટ… હું… હું…

14-1-2010

આજે ઉતરાણ. ફ્રેન્ડ્સના ફોન પણ આવ્યા. જવાનું મન ખૂબ હતું, પણ મમ્મી…

મારા નીકળતાં પહેલાં જ પલંગ પરથી નીચે પડી ગઈ. ખબર નહિ, એટલું બધું ચેતન કેવી રીતે આવી ગયું હશે… બાજુવાળાં અંકલ-આન્ટીને બોલાવી મેં અને નર્સે માંડ માંડ પલંગ પર ફરીથી સુવાડી. ના ગઈ. ગઈ ઉતરાણની ધમાલ યાદ કરી.

દિવાળીના દિવસોમાં તો… જવા દો ને… એટલે જ લખ્યું નહોતું, પણ મમ્મીની સ્થિતિ… પપ્પાનું વર્તન… પપ્પા તો લાભપાંચમે જ પાછા આવ્યા’તા.

દિવાળી… ઉતરાણ… પ્રેમ… સેક્સ… મૃત્યુ… સ્યુસાઇડ… મર્ડર… નથી સમજાતું. શું કરું? શું કરવું જોઈએ?

લખતાં લખતાં પણ માથું ચક્કર ચક્કર ફરતું લાગે છે. માથું નહિ, આસપાસનું બધું જ. કંઈક થાય છે.

મને લાગે છે કે મૃત્યુનો જાયન્ટ મગજમાંથી નીકળે છે અને મમ્મી પર જઈને બેસે છે. તેના અસ્તિત્વને તિતરબિતર કરી નાખે છે. તેના અસ્તિત્વને લાંબા, ધારદાર નખો વડે ખોતરે છે. તેના નાના નાના ટુકડા કરી હવામાં ઉછાળે છે. અને પછી એ બધા ટુકડા ભેગા થઈ જાય છે. તેમાંથી કોઈ આકૃતિ ઊપસી આવે તે પહેલાં ક્યાંકથી અગ્નિ પ્રગટીને ટુકડાઓમાંથી બની રહેલી આકૃતિને બાળી નાખે છે… મૃત્યુનો જાયન્ટ ખડખડાટ હસે છે… અને હું … એ રાખને…

26-1-2010

પપ્પા આજે તેમની પી.એ.ને લઈને બેડરૂમમાં હતા. મમ્મીને ખબર પડી ગયેલી.

મમ્મીની પરવશતા, લાચારી, મજબૂરી મારાથી સહન ન થઈ.

15-8-2010

એડવોકેટ અંકલને મર્સી કિલિંગ વિશે પૂછ્યું. સુપ્રીમ કોર્ટ ફેવર નથી કરતી એવું તેમણે કહ્યું.

20-10-2010

મને ખૂબ જ મજા આવી.

બધા એમ કહે છે મમ્મી મરી ગઈ… મમ્મી છૂટી… ના. ના મમ્મીને તો મેં મારી નાખી છે. મેં જ મારી નાખીને? ના ના, પપ્પાએ મારી નાખી… ના ના મમ્મીએ સ્યુસાઈડ કર્યો ને? ના ના, મેં તો મૃત્યુને મારી નાખ્યું… મેં તો પેલા સપનાના મૃત્યુના જાયન્ટને મારી નાખ્યો… કેવી મજા આવી મૃત્યુને મારવાની… આંખો બહાર આવી ગયેલી… ચહેરાની, ગળાની નસો ફૂલી ગઈ હશે… જીભ પણ બહાર આવવા માંડેલી… ગળું તો… કમ્મર નીચેના નિર્જીવ દેહમાં ચેતન આવી ગયેલું. પગ છટપટાતા હતા…

અને… અને… થોડીક ક્ષણોમાં તો મૃત્યુ મરી ગયું.

મને એવી તો શાંતિ થઈ… પરમ શાંતિ થઈ… હવે મમ્મીને પપ્પાનો પ્રેમ નહિ જોવો પડે… ક્ષણે ક્ષણે પોતાના પતિ દ્વારા કપાતાં કપાતાં મરવું નહિ પડે… મૃત્યુના જાયન્ટના તો મેં ટુકડેટુકડા કરી નાખ્યા…

… હવે હું સ્વીટ સેવન્ટીનમાંથી… ના ના બીટર સેવન્ટીનમાંથી… એટ્રેક્ટિવ એઇટીનમાં…

બેસણું

શાંત થઈ ગયેલું શરીર લાવવાનું તો હું વૃદ્ધાશ્રમમાંથી.

‘પપ્પા, મારે ત્યાં આવશે.’

‘ના, મારે ત્યાં જ આવશે.’

‘પણ મારે ત્યાંથી જ વૃદ્ધાશ્રમમાં ગયા’તા એટલે…’

‘તમારે ત્યાં નહિ ફાવ્યું હોય કે તમે ફાવવા નહિ દીધું હોય એટલે તો તમે રાતોરાત…’

‘બેસ હવે, તારે લીધે તો એમના વારા કરવા પડેલા. મોટો થઈને તું શું સમજ્યો’તો? ભાભી પણ…

‘તેંય શું કર્યું છે? અત્યાર સુધી પેન્શન તો તું જ લઈ જતો’તોને? મને પૈસોય આપ્યો છે પેન્શનમાંથી?

‘અને તેં શું કર્યું? એમને ભોળવીને, ઘર તારા નામે લખાવી લીધું જ છે ને…?

‘હવે તમે આ ચર્ચા બંધ કરશો? બન્ને ભાઈના કાકા ગળગળા અવાજે બોલ્યા, મૃત શરીર ગમે ત્યાં લાવો, શું ફેર પડે છે? જ્યારે શરીર જીવતું હતું ત્યારે તો શટલકોકની માફક ઉછાળ્યા છે મારા ભાઈને… હડસેલા જ માર્યા છે ને! જીવતેજીવ મારા મોટા ભાઈને તમે બન્નેએ મારી જ નાખેલા ને? હવે શું? ખોટી લાગણીઓ બતાવવાનો અર્થ છે કશો? આ મૃત શરીરને લાગણી, ગમો કે અણગમો ક્યાંથી સ્પર્શવાનાં? તે તમે બન્ને…’ પછી રડતાં રડતાં કુટુંબના વડીલો સામે ફરી બોલ્યા, ‘સમજાવો આ બન્નેને!’

છેવટે મોટા ભાઈને ત્યાંથી સ્મશાનયાત્રા નીકળે એવું નક્કી થયું.

 

‘હવે બેસણું તો મારે ત્યાં જ! સ્મશાનયાત્રા તારે ત્યાંથી નીકળી હતી ને? નાનો મોટાને કહેતો’તો.

‘હું મોટો છું, એ હક તો મારો જ!’

‘આપણે આમેય વારા જ રાખેલા ને? તારે ત્યાંથી સ્મશાનયાત્રા નીકળી, તો મારે ત્યાં બેસણું! એક વત્તા એક બરાબર બે જેવી સિમ્પલ વાત છે, એમાં ચર્ચા શેની?

‘કોઈ કાળે એ નહિ બને એટલે નહિ જ બને!’

‘ના શું બને? તારે જોવું છે?’

‘જા, હવે જા.’ એમ ફરીથી બન્ને લડી પડ્યા.

 

બીજા દિવસે છાપામાં બેસણાની બે જાહેરાત આવી.

 

લેખક કેળવણીકાર છે.