સર્વોચ્ચ અદાલતનો કેન્દ્ર સરકારને આદેશ- લોકપાલની નિયુક્તિ અંગે સરકાર જે કંઈ પગલાં લઈ રહી હોય તેના વિષે વિગતવાર માહિતી આપો..

0
601

દેશની સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર સરકારને તાકીદ કરી હતી કે, લોકપાલની નિમણુક કરવા માટે જે જે પગલા લેવાનું આવશ્યક હોય તેના વિષે અદાલતને જાણ કરવામાં આવે અને આ તબક્કાવાર પગલાં લેવા અંગેની સમયમર્યાદા બાબત પણ જાણકારી આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રંજન ગોગાઈ અને ન્યાયાધીશ આર. ભાનુમતીની બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકપાલની નિયુક્તિ અંગે કરવામાં આવેલી કામગીરી તેમજ હવે આ નિયુક્તિ બાબત જે જે અનિવાર્ય પગલાં લેવામાં આવી રહ્યા હોય તેની તબક્કાવાર સમય મર્યાદાની અદાલતને જાણ કરવામાં આવે. અદાલતે વિશેષમાં જણાવ્યું હતું કે, આ અંગે કેન્દ્ર સરકારના અધિકૃત અધિકારી દ્વારા અદાલતમાં જાહેરનામુ દાખલ કરવામાં આવે. તેમાં ઉપરોક્ત તમામ બાબતો અંગે વિગતથી રજૂઆત કરવામાં આવવી જોઈએ. આ રજૂઆતનામું  દાખલ કરવા માટે અદાલતે 10 દિવસની મહેતલ આપી હતી. હવે આ બાબતે આગામી 17મી જુલાઈના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.