સરે રાહ ચલતે-ચલતે!

0
1392

નિવૃત્તિ પછી હું દરરોજ સવારે વહેલાં ચાલવા નીકળું છું. સવારે સમગ્ર વાતાવરણમાં કવિતા છલકાતી હોય છે; એટલે, ચાલવા જવું જેવા ગદ્યાળુ શબ્દપ્રયોગને બદલે ફરવા જવું જેવો કાવ્યમય શબ્દપ્રયોગ કરવાનું વધુ ઉચિત ગણાય એવું મારા એક કવિમિત્ર માને છે. જોકે આ કવિમિત્ર રાતના મોડે સુધી વાંચવા-લખવામાં સમય વ્યતીત કરતા હોવાને કારણે સવારે ક્યારેય વહેલા ઊઠતા નથી. છેલ્લાં વીસ વર્ષથી એમણે સવાર જોઈ જ નથી! એ ઊઠે ત્યારે કહેવાનો સમય થઈ ગયો હોય છે. જોકે ગુજરાતી ભાષાને એમના તરફથી પરોઢ, પ્રભાત અને સવાર વિશેનાં કાવ્યોનો એક આખો સંગ્રહ મળ્યો છે!
હું કાવ્યો લખતો નથી (સમગ્ર ગુજરાતી સાહિત્ય આ માટે મારું આભારી છે!) એટલે ફરવા જવુંને બદલે ચાલવા જવું એવો ગદ્યાળુ શબ્દપ્રયોગ કરું છું એવું નથી. મેં સકારણ ચાલવા જવું એવો ભાષાપ્રયોગ કર્યો છે. અમદાવાદ જેવા શહેરમાં તો વહેલી સવારે કવિતા છલકવાને બદલે વાહનોનો ઘોંઘાટ ઢોળાતો હોય છે મોટા જાહેર માર્ગો પર તો ખાસ. વહેલી સવારે આમથી તેમ દોડતાં વાહનોનો અવાજ મારા જેવા નિર્બળ કાનના મનુષ્યને પણ પ્રબળપણે સંભળાય છે. સવારના કોણ ભટકાવાનું હતું એમ માની જલદ (ઝડપથી વાહન ચલાવવાવાળા) વાહનચાલકો અતિજલદ બનીને વાહન ચલાવે છે. (આપણા પ્રિય શાયર તો ગઝલો લખવા પૂરતા બેફામ હતા; પણ, અમદાવાદનો દરેક યુવાવાહનચાલક આખો દિવસ બેફામ હોય છે!) સવારની બસ કે ટ્રેન પકડવાની હોય, એલાર્મ વાગ્યું ન હોય કે વાગ્યું હોય પણ સંભળાયું ન હોય, અથવા સંભળાયું હોય, પણ એલાર્મ વાગે છે એવું ઊંઘમાં સમજાયું ન હોય અથવા આ એલાર્મ જ વાગે છે એમ સમજાયું હોય પણ હમણાં ઊઠું છું એમ વિચારી એલાર્મ બંધ કરીને પાછું સૂઈ જવાયું હોય અને પછી બસ કે ટ્રેન પકડવાની લાયમાં ને લાયમાં કોઈ વાહનમાં બેસી બસ-સ્ટેશન કે રેલવે-સ્ટેશન તરફ પ્રયાણ આદર્યું હોય એવા પ્રવાસીઓ ઘડિયાળ કે મોબાઇલમાં જોતાં-જોતાં રિક્ષાવાળાને કે પોતાને મૂકવા આવનાર મંદ ચાલકનો જલદ બનવાની ને જલદ ચાલકનો અતિજલદ બનવાની પ્રેરણા સતત આપતાં રહે છે. પરિણામે આવા કોઈ જલદ-અતિજલદ વાહન સાથે પોતાનો શુભસંયોગ ન થઈ જાય એની કાળજી પણ ચાલવા નીકળનારે લેવાની હોય છે. એટલે ફરવા જવું શબ્દપ્રયોગ કદાચ નાના ગામમાં કે શહેરમાં બરાબર હશે, પણ અમદાવાદ જેવા મોટા શહેરમાં તો ચાલવા નીકળવું એમ કહેવું જ વાજબી ગણાય.
હું દરરોજ સવારે વહેલાં ચાલવા નીકળું છું. ફરવાનો નહિ તો ચાલવાનો થોડો આનંદ મળે; આકાશ સામે, વૃક્ષો સામે નજર માંડી શકાય, પંખીઓનો કલરવ ભલે એક કાનથી સાંભળી શકાય (વિશેષ માહિતી  મારો એક કાન વર્ષોથી આઉટ ઓફ ઓર્ડર છે!) એ હેતુથી હું રાજમાર્ગ છોડીને ઉપમાર્ગ (ઓફ રોડ) પર ચાલું છું ને ઉપમાર્ગ પર ચાલતો-ચાલતો મારા ઘરની નજીક આવેલી, એક શાળાના વિશાળ મેદાન પર પહોંચું છું.
એક વાર આ રીતે ઉપમાર્ગ પર વિહાર કરતો-કરતો જઈ રહ્યો હતો ત્યાં મારી જેમ જ ચાલવા નીકળેલા એક મિત્ર મળી ગયા. એ મિત્ર પણ રોજ ચાલવા નીકળતા હશે, પણ એ દિવસે પહેલવહેલી વાર મળી ગયા. હું ચાલવા કરતાં બેસવાનું ને બેસવા કરતાં સૂવાનું વધુ પસંદ કરું છું એ પ્રકારની મારી કીર્તિ મિત્રોમાં પ્રસરેલી છે એટલે હું હવે દરરોજ સવારે વહેલાં ચાલવા નીકળું છું એ જાણી પહેલાં એમને આશ્ચર્ય થયું ને પછી આનંદ પણ થયો. આશ્ચર્યનો ભાવ ગુપ્ત રાખી, એમણે આનંદનો ભાવ પ્રગટ કર્યો. અને પછી ખાસ્સી વાર સ્ટેન્ડિંગ પોઝિશન જાળવીને એમણે વહેલી સવારે ચાલવાના ફાયદા મને સવિસ્તર સમજાવ્યા. એમણે આપેલા જ્ઞાનથી કૃતકૃત્ય થઈ મેં છૂટા પડવાની રજા માગી. એમણે પ્રેમપૂર્વક રજા આપી ને મેં પગ ઉપાડ્યો ત્યાં એમની નજર મારા હાથમાંની લાકડી પર પડી અને એ ચોંકી ગયા; બોલ્યા ઃ ‘યાર, તમારા જેવા અહિંસક માણસના હાથમાં લાકડી જોઈને નવાઈ લાગે છે.’ મને એમણે અહિંસાનો ઉપાસક ગણ્યો તેથી મને ઘણું સારું લાગ્યું. મારો ઘણોખરો ગુણવિકાસ દુર્ગુણ કેળવવાની મારી અશક્તિને કારણે થયો છે! હું જાણું છું કદાચ હું એકલો જ જાણું છું કે જરૂર પડે તોપણ હિંસાનો માર્ગ ન આપનાવવો એવી સાતિ્ત્વક વૃત્તિને કારણે નહિ, પણ હિંસાના માર્ગે જવાની મારી અશક્તિને કારણે હું અહિંસાનો ઉપાસક બન્યો છું. આમ છતાં, કોઈ વ્યક્તિ સાચી રીતે પણ મારામાં કોઈ દુર્ગુણનું આરોપણ કરે છે તો મારાથી સહન નથી થતું, પણ કોઈ વ્યક્તિ ભલે ખોટી રીતે મારામાં કોઈ સદ્ગુણનું આરોપણ કરે છે તો એ હું સહર્ષ સ્વીકારી લઉં છું એટલું જ નહિ; જેણે મારામાં ખોટી રીતે ગુણનું આરોપણ કર્યું હોય એવી વ્યક્તિની ગુણગ્રાહિતાની પ્રશંસા પણ કરું છું. એટલે અહિંસાના ઉપાસક હોવાના મિત્રના કથનથી આનંદિત થઈ મેં કહ્યું, તમારી વાત સાચી છે. પણ આ લાકડી મનષ્યો માટે નથી, કૂતરાંઓ માટે છે.
કૂતરાંઓ માટે?એમના આશ્ચર્યમાં સંગીન ઉમેરો થયો.
હા, કૂતરાંઓ માટે, અને તે પણ એમને મારવા માટે નહિ, પણ બિવડાવવા માટે.
હું સમજ્યો નહિ, મિત્રે ગૂંચવાઈને કહ્યું.
જુઓ, વાહનોનાં ધમધમાટથી બચવા આ ઓફ રોડ પર ચાલવાનું રાખું છું; પણ, જ્યાં જાય ઊકો ત્યાં દરિયો સૂકો એ ન્યાયે વાહનો સામે નથી મળતાં તો કૂતરાંઓ સામે મળે છે; વાહનોનો અવાજ ઓછો સંભળાય છે તો કૂતરાંઓનો ભસવાનો અવાજ વધુ સંભળાય છે. એટલે સલામતી ખાતર લાકડી રાખું છું. તમારા જેવા જ મારા બીજા એક મિત્ર છે. એ મિસ્ત્રી છે ઉપરાંત કવિ પણ છે, અથવા તો કવિ છે એ ઉપરાંત મિસ્ત્રી પણ છે. એમણે પ્રેમપૂર્વક આ લાકડી બનાવી આપી છે. જોકે આ કવિની લાકડી છે એવી કૂતરાંઓને ખબર પડતી નથી; નહિતર, જોખમ ખેડીનેય હુમલો કર્યા વગર રહે નહિ!
આ લાકડીને કારણે પછી તમને કૂતરાંઓની બીક નહિ લાગતી હોય! મિત્રે કહ્યું.
ના, એવું નથી, સત્યના પ્રયોગો કરતાં મેં કહ્યું. ગાંધીજીએ કહ્યું છે કે, તલવાર એ શૂરની સંજ્ઞા નથી, બીકણની નિશાની છે. લાકડી હોવા છતાં મને કૂતરાંઓની બીક તો લાગે જ છે; પણ, સદ્ભાગ્યે કોઈ કૂતરાને હજી આની ખબર પડી નથી એટલે એકંદરે હું સલામતીની લાગણી અનુભવું છું.
મિત્ર હસીને છૂટા પડ્યા, પણ કૂતરાંઓ વિશેની મારી બીક એમને અકારણ લાગી હોય એવું એમના ચહેરા પરના ભાવો પરથી લાગતું હતું, પણ બીકનું પ્રેમ જેવું છે. પ્રેમની જેમ બીકનાં કારણો પણ કેટલીક વાર સમજી શકાતાં નથી!
મારા ઘરથી શાળા સુધી પહોંચતાં મને પંદર મિનિટ થાય છે. આ પંદર મિનિટ દરમિયાન દર પાંચ મિનિટે શ્વાનદર્શન થાય છે. કેટલીક વાર તો શ્વાનસમૂહનું દર્શન પણ થાય છે. એક સદ્ગૃહસ્થ પોતાના હૃષ્ટપુષ્ટ શ્વાનને સાંકળે બાંધીને દરરોજ ચાલવા નીકળે છે ને મને અચૂક સામા મળે છે. સદ્ગૃહસ્થને જોઈને તો નહિ, પણ એમના રૂંછાંવાળા હૃષ્ટપુષ્ટ શ્વાનને જોઈને મારે હૃદય છે ને અત્યારે એ ધબકી રહ્યું છે એની સ્ટેથોસ્કોપ મૂક્યા વગર મને ખબર પડી જાય છે! જોકે એ સદ્ગૃહસ્થ મારી પાસેથી પસાર થાય છે ત્યારે સદ્ગૃહસ્થની નજર મારા પર અચૂક પડે છે, પણ એમનો શ્વાન મારી જરા-સરખી નોંધ લેતો નથી! બીજા કોઈ કૂતરાને પણ દૂરથી જોઉં છું કે મારી નજર એના પર જ ચોંટી રહે છે. જોકે હજુ ક્યારેય કોઈ કૂતરાએ મારા પર અમીદષ્ટિ માંડી હોય એવું બન્યું નથી. કૂતરાંઓ જ્યારે એકબીજાં સામે ભસતાં હોય ત્યારે મને વિશેષ બીક લાગે છે. ભસતાં કૂતરાં ભાગ્યે જ કરડે એ કહેવત સાચી હોય તોપણ એ ભાગ્યે જમાં આ હસતા માણસનો સમાવેશ થઈ પણ શકે એવો વિચાર મને અચૂક આવે છે. જોકે હજુ સુધી કોઈ કૂતરાએ મને કરડવા-યોગ્ય ગણ્યો નથી.
ઉપમાર્ગ પરથી મુખ્યમાર્ગ પર આવું છું. શાળા હવે સાવ નજીકમાં છે. શાળામાં પ્રવેશું છું કે તરત જ લીલાંછમ વૃક્ષો અને ફૂલો નજરે પડે છે. વૃક્ષો તો ઉપમાર્ગ પર પણ છે; પરંતુ, મન ડહોળાયેલું હોય તો ‘ઇશાવાસ્યમ્ ઇદમ્ સર્વમ્ના સૌંદર્યનો સ્પર્શ થતો નથી. ભયમુક્ત મનથી વૃક્ષો ને ફૂલોમાં તન્મય થઈ જાઉં છું. ફૂલ જેવાં કોમળ બાળકોને હસતાં-રમતાં, નાચતાં-કૂદતાં જોઉં છું કે મારી પ્રસન્નતાનો પાર રહેતો નથી.

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક વિનોદના વૈકુંઠમાંથી સાભાર.