સરાક બંધુઓ માટે જૈનોનું વિશિષ્ટ અભિયાન!

0
943

ભગવાન મહાવીરની જન્મભૂમિ અને કર્મભૂમિ એટલે બિહાર. બિહાર રાજ્યની આસપાસનાં ઝારખંડ તથા પશ્ચિમ બંગાળ જેવાં રાજ્યોમાં એક ખાસ જાતિ – કોમની ઘણી વસતિ વસે છે. એ જાતિ-કોમનું નામ છે સરાક. કેટલાક અભ્યાસ પછી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ સરાક જાતિ એટલે જૈન ધર્મથી વિખૂટી પડી ગયેલી અને છતાં પોતાની આચારસંહિતામાં અણનમ રહેલી એક વિશિષ્ટ જાતિ. ‘સરાક’ શબ્દનું મૂળ ‘શ્રાવક’ શબ્દ સાથે જોડાયેલું લાગ્યા વગર નહિ રહે! સરાક જાતિનું માત્ર નામ જ શ્રાવક સાથે જોડાયેલું છે તેવું નથી, પણ શ્રાવક ધર્મના અનેક આચાર-વિચાર પણ આ જાતિના લોકોમાં જોવા મળે છે. ભગવાન મહાવીરે અહિંસા અને જીવદયા પ્રેરતા શ્રાવક ધર્મના જે વિશિષ્ટ આચાર-વિચાર સૂચવ્યા હતા, તેનું પાલન સમગ્ર વિશ્વમાં જૈનો અત્યારે શ્રદ્ધાપૂર્વક અને ઉલ્લાસપૂર્વક કરી રહ્યા છે; એ જ આચાર-વિચાર સરાક બંધુઓમાં સદીઓ પછી પણ અખંડ અને અવિચળ રહ્યા છે એ જોતાં એનું મૂળ શ્રાવક જ હોવાની પ્રતીતિ અવશ્ય થાય છે. આજના બહુ ઓછા જૈનો કદાચ આ રહસ્ય જાણતા હશે કે તેઓ અત્યારે જે સમેતશિખર અને પાવાપુરી વગેરે તીર્થની યાત્રા કરવા જાય છે તેની આસપાસ વસતી સરાક જાતિ હકીકતમાં તેમની સહધર્મી જાતિ છે. અલબત્ત, હવે તો આ સરાક જાતિની સાચી ઓળખ આપે એવા અનેક સંદર્ભગ્રંથો અને અભ્યાસલેખો ઉપલબ્ધ થયા છે. એક પુસ્તક તો ખુદ સરાક જાતિના એક અધ્યાપકે જ લખેલું છે! આ ઉપરાંત કોલકાતામાં વસતાં વિદ્વાન લતાબહેન બોથરાએ પણ અનેક પ્રકારના અભ્યાસ અને સંશોધન કરીને કેટલાંક પુસ્તકો લખ્યાં છે. મેં પણ આ વિસ્તારનાં અનેક નાનકડાં ગામડાંની રૂબરૂ મુલાકાત લઈને તથા અનેક સરાક બંધુઓને મળીને તેમના વિશે એક પુસ્તક તૈયાર કર્યું છેઃ ‘સાધાર્મિક સ્વજનઃ સરાક.’
હવે સવાલ એ જાગે છે કે જો આ સરાક જાતિના લોકો મૂળથી શ્રાવકો જ હતા, તો અન્ય શ્રાવકોની જેમ તેઓ ચુસ્ત જૈન કેમ નથી રહી શક્યા? તેમની રહેણીકરણી અને એમની જૈન જીવનશૈલી કેમ બદલાઈ ગઈ? કેમ તેઓ સંપૂર્ણ જૈન ન રહી શક્યા?
સરાક બંધુઓ શ્રાવક ધર્મથી વિખૂટા પડી ગયા એનાં અનેક વાજબી કારણો હાથવગાં છે. સૌપ્રથમ તો આ વિસ્તારમાં પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે અનેક વર્ષો સુધી જૈન સાધુ-સાધ્વીજી મહારાજની આવન-જાવન ઘટી ગઈ. એ કારણે આ પ્રજા જૈન ધર્મથી વિખૂટી પડી ગઈ. આ ઉપરાંત અજૈન લોકો સાથેના તેમના સંબંધો અને સંપર્કો વધતા ગયા. વળી તેમની આર્થિક તંગદિલીએ પણ તેમને કેટલીક મજબૂર પરિસ્થિતિઓમાં મૂકી દીધા. આ કારણે તેઓ જૈન ધર્મથી વિખૂટા પડતા ગયા. અલબત્ત, આવા વિપરીત સંજોગોમાં પણ તેમણે પોતાના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો જતનપૂર્વક જાળવી રાખ્યા છે! પોતાનાં વિવિધ ગોત્રનાં નામ ચોવીસ તીર્થંકરોનાં નામ ઉપરથી છે એની જાણકારી પણ તેઓએ પોતાની નવી જનરેશન સુધી પહોંચતી કરી.
હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં વસતા સરાક જાતિના બંધુઓ સો ટકા જૈન શ્રાવકો જ છે ત્યારે, ભારતભરમાં વસતા જૈનોને એ બંધુઓ માટે સાધર્મિક સદ્ભાવ જાગવો સ્વાભાવિક હતો. અત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી અનેક જૈન સંગઠનો આ સરાક જાતિના ઉદ્ધાર માટે પોતપોતાની રીતે અનેક કાર્યો અને ફરજો નિભાવી રહ્યા છે. આમ પણ જૈન ધર્મમાં જેટલું મહત્ત્વ જીવદયાનું છે તેટલું જ મહત્ત્વ સહધર્મી એટલે કે સાધાર્મિક વ્યક્તિનું જતન કરવાનું પણ છે જ. પોતાના કોઈ સહધર્મીને કશી પરેશાની ન વેઠવી પડે અને તે કોઈ પણ સંજોગોમાં ધર્મથી વિમુખ ન થાય એ માટે વિવિધ જૈન સંઘો અને સંગઠનો હંમેશાં સક્રિય રહેતાં જ હોય છે.
કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા તે વખતે તેઓ સરાક જાતિના ઉદ્ધાર માટે વિશેષ આયોજન કરી રહ્યા હતા. પોતાના અંતિમ શ્વાસની ક્ષણે તેઓ સમેતશિખર તીર્થમાં જ હતા અને પોતાના શિષ્યોને તેમણે આસપાસનાં ગામોમાં વસતા સરાક બંધુઓનો અભ્યાસ કરવા મોકલ્યા હતા. સરાક બંધુઓનું સાંસ્કૃતિક પછાતપણું જોઈને તેઓ ખૂબ વ્યથિત થયા હતા, પરંતુ વિશેષ વાત એ હતી કે સરાક બંધુઓ જૈન ધર્મને ફરીથી આત્મસાત્ કરવા ઉત્સુક છે એ જાણીને તેઓ અત્યંત પ્રસન્ન થઈ ઊઠ્યા હતા. હવે આચાર્ય આપણી વચ્ચે નથી ત્યારે તેમના આજીવન ચરણોપાસક શિષ્ય ગચ્છાધિપતિ રાજશેખરસૂરીશ્વરજી મહારાજ અને તેમનો સમગ્ર ‘રાજ-પરિવાર’ ગુરુજીના અધૂરા કાર્યને અત્યંત વેગીલી રીતે આગળ વધારવા ઉત્સુક અને સક્રિય છે. એ માટે આ રાજ-પરિવાર પાસે જીવદયાના મહર્ષિ કુમારપાળ વી. શાહના સચોટ માર્ગદર્શન અંતર્ગત અનેકવિધ આયોજનો ચાલી રહ્યાં છે. ચંપકભાઈ શેઠ, ઘેવરભાઈ ઘોડા જેવા અનેક નિષ્ઠાવાન અગ્રણીઓ આ કાર્યમાં જોડાઈને સંનિષ્ઠ પુરુષાર્થ કરી રહ્યા છે.
કોઈ પણ વ્યક્તિ સ્વમાનપૂર્વક ત્યારે જ જીવી શકે, જ્યારે સમાજમાં એને પોતાની આઇડેન્ટિટી મળી હોય અને એ મુજબ એને સન્માન પણ મળતું હોય. રાજ-પરિવાર દ્વારા સરાક બંધુઓના ઉત્કર્ષ માટે તે દિશામાં અત્યારે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓની એક સંક્ષિપ્ત ઝલક અહીં પ્રસ્તુત કરવાનો ઉપક્રમ છે.
એક વાત બહુ સ્પષ્ટ છે કે કોઈ પણ વ્યક્તિ કે જાતિનો ઉદ્ધાર કરવો હોય ત્યારે દૂર રહીને માત્ર વાતો કરવાથી કશું થતું નથી. જેનો ઉદ્ધાર કરવાનો હોય એની નજીક જવું જોઈએ, એને હૂંફ આપવી જોઈએ અને એનો આધારસ્તંભ બનવાનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન થવો જોઈએ. ગચ્છાધિપતિ આચાર્ય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આ વાત સારી રીતે સમજે છે એટલે તેઓ પોતે આ વખતે કોલકાતા નગરમાં ચાતુર્માસ કરીને, ત્યાંના જૈનોને સરાક બંધુઓના વિકાસ અને ધાર્મિક ઉત્કર્ષ માટે પ્રેરણા-પ્રતિબોધ આપવાના છે.
‘રાજ-પરિવાર વતી આચાર્ય રાજપરમસૂરિજી મહારાજ તેમના શિષ્ય-પરિવાર સાથે આ વખતે સમેતશિખરજી તીર્થમાં ચાતુર્માસ કરીને સરાક બંધુઓને વિવિધ શિબિરો, તીર્થયાત્રાઓ દ્વારા સમ્યક જ્ઞાનનો અભ્યાસ કરાવશે અને તેમના ચારિત્રઘડતર ઉપરાંત તેમના ધાર્મિક સંસ્કરણ માટેનો પુરુષાર્થ ચાતુર્માસ દરમિયાન કરવાના છે. વર્ધમાન સેવા કેન્દ્ર – ધોળકા વતી જીવદયા-મહર્ષિ કુમારપાળભાઈ વી. શાહની પ્રેરણાથી 500 સરાક વિધવા બહેનોને દર મહિને રૂપિયા 1000ની સાધર્મિક સહાય આપવાનો ઉપક્રમ પણ છે. શ્રી સમેત શિખરજી તીર્થની આસપાસનાં ગામોમાં અહિંસા અને ધાર્મિક જાગૃતિના પ્રચાર માટે વિવિધ સાધુમહારાજનાં વ્યાખ્યાનોનું આયોજન પણ કરાયું છે.
બિહાર-ઝારખંડ જેવાં રાજ્યોના કેટલાક અલ્પ વિકસિત અને જોખમી વિસ્તારમાં સામાન્ય રીતે સાધુમહારાજને પણ રોકાણ માટેની અનુકૂળતા નથી હોતી, એવા વિસ્તારમાં રાજ પરિવારનાં કેટલાંક સાધ્વીજી મહારાજ પણ સરાક બહેનો અને બાળકોના ઉત્કર્ષ માટે ત્યાં રોકાય છે એ ખાસ નોંધ લેવા જેવી અને ઉજ્જવળ ભવિષ્યના સંકેત જેવી ઘટના છે.
કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન પણ ન થાય. સરાક બંધુઓને માત્ર જૈન આચારવિચાર સમજાવવાથી તેમનો ઉત્કર્ષ ન થઈ જાય. તેમને આર્થિક રીતે પણ પગભર કરવા જોઈએ અને એ હેતુથી જ મુંબઈ, સુરત, અમદાવાદથી કેટલાંક શ્રાવક-શ્રાવિકાઓનાં ગ્રુપ સરાક બંધુઓ વસે છે તેવા વિવિધ વિસ્તારોમાં ફરીને તેમને નાના-મોટા ગૃહઉદ્યોગ માટે સુવિધાઓ આપી રહ્યાં છે. સરાક બંધુઓ લાચાર કે લાલચુ ન બની જાય, પરંતુ પુરુષાર્થ દ્વારા સ્વમાનભેર જીવન જીવી શકે તે દિશામાં તેમનું ઉચિત ઘડતર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અનેક ગ્રામશિબિરો, ગામેગામ પાઠશાળાનો પ્રારંભ, જિનાલય-ઉપાશ્રયનાં નિર્માણકાર્યો વગેરે કાર્યો તો ઘણા સમયથી ચાલી રહ્યાં છે તેને વેગ આપવામાં આવશે. સરાક બંધુઓ પોતાને જૈન તરીકેની આઇડેન્ટિટી પુનઃ પ્રાપ્ત થઈ રહી છે એનો રોમાંચ અનુભવી રહ્યા છે. તે ઉપરાંત તેમને જૈન સાધુ-સાધ્વીજી મહારાજના સાતિ્ત્વક સંપર્ક મળતા થયા છે એનો ભરપૂર ઉલ્લાસ અનુભવી રહ્યા છે. આવા શુભ અને અનુકૂળ સંજોગો મળ્યા છે ત્યારે ભારતભરમાં વિવિધ નગર-શહેરમાં વસતા શ્રાવકોએ પણ આ દિશામાં નક્કરપણે સક્રિય બનવું અને જોઈએ. સરાક ઉત્કર્ષનું કાર્ય કોઈ એક વ્યક્તિ કે એક સંસ્થાનું ન હોઈ શકે તે વિશાળ સંદર્ભમાં અને વ્યાપક સમર્પણથી જ પોસિબલ બની શકે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here