સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમઃ શિલ્પમૂર્તિઓ, સિક્કાઓનો કાયમી સંગ્રહ

0
1124

યુનિવર્સિટી મ્યુઝિયમ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરની સ્થાપના ખેડા જિલ્લાના અગ્રણી ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) અને ભીખાભાઈ કુબેરભાઈ પટેલે કરી. આણંદ-કરમસદ વચ્ચેના આ વિસ્તારમાં વિદ્યાલયો, છાત્રાલયો, આવાસોથી વિદ્યાનગરને 1945માં એક સંપૂર્ણ વિદ્યાનું ધામ બનાવ્યું. 195રમાં સ્વતંત્ર ગામ તરીકેેની સરકારી માન્યતા મળી.
સ્થાપનાઃ ભાઈકાકાને ઇતિહાસ-પુરાતત્ત્વમાં ખાસ રસ હતો. તેમણે ચરોતરમાં વિવિધ સ્થળોએથી શિલ્પમૂર્તિઓ, સિક્કાઓ, વગેરે એકત્ર કરેલાં. આ બધી સંગ્રહિત ચીજોને કાયમી પ્રદર્શન માટે વલ્લભ વિદ્યાનગરમાં સંગ્રહાલયને આપી. પુરાતત્ત્વવિદ અમૃત વસંત પંડ્યાના સક્રિય સહકારથી 1949માં સંગ્રહાલયની સ્થાપના થઈ. સંગ્રહાલયમાં ભાઈકાકાના સંગ્રહ ઉપરાંત મુંબઈના પારસી ગૃહસ્થ ડો. એન. એ. થૂથીએ પોતાના શોખથી એકત્ર કરેલી દેશ-વિદેશની કલાકૃતિઓના સંગ્રહની સંગ્રહાલયને ભેટ આપી, જેમાં મુખ્ય સંગ્રહ ધાતુ પ્રતિમાઓનો હતો.
સંગ્રહઃ સંગ્રહાલયનુ ભવન 1994માં બંધાયું. ભોંયતળિયે ઓફિસ અને કન્ઝર્વેશન લેબોરેટરી છે. પહેલા માળે સરદાર પટેલ સ્મૃતિ, રવિશંકર રાવળનાં ચિત્રોનો નાનો સંગ્રહ, નેચરલ હિસ્ટરી (પ્રાકૃતિક ઇતિહાસ વિભાગ) આદ્ય ઇતિહાસના નમૂનાઓ તથા પુરાવસ્તુના નમૂનાઓ પ્રદર્શિત છે. બીજા માળે ધાતુમૂર્તિ વિભાગ અને શિલ્પ વિભાગ આવેલા છે.
શિલ્પોના સંગ્રહમાં સોજિત્રાથી મળેલો મસ્તકનો ભાગ ઈસવી સનની શરૂઆતનો છે. આ અવશેષ સંગ્રહાલયનો પ્રાચીનતમ નમૂનો છે. બીજાં અનેક શિલ્પો ગંભીરા, બોરસદ અને ખેડાથી મળેલાં, જે અહીં પ્રદર્શિત છે. નવમી સદીના મહાલક્ષ્મી અને આણંદ જિલ્લાના મહેળાવથી મળેલા આઠમી સદીના શેષશાયી વિષ્ણુના છેલ્લા ચાર અવતારોનું શિલ્પ ઉલ્લેખનીય છે. ડો. થૂથીના સંગ્રહમાં લગભગ ર500 જેટલાં ધાતુ શિલ્પોના વિરલ નમૂના છે.
સિક્કાઓના સંગ્રહમાં પંચમાર્ક, આદિવાસી, સતવાહના, ગુપ્ત, ઇન્ડો-સિસાનિયન અને ગુજરાતના મુસ્લિમ શાસકોના સિક્કાઓ સંગ્રહિત છે.
રાયપુર તારાપુરના શિલાલેખો કચ્છ-ભદ્રેશ્વરના ભીમદેવ પહેલાનું તામ્રપત્ર, રાજા ઈશ્વરના કાલચાલ પત્ર વગેરે પ્રદર્શિત છે.
પ્રાગૈતિહાસિકકાલીન સંગ્રહમાં ગુજરાતના નર્મદા ખીણપ્રદેશમાંથી મળેલાં સૂક્ષ્મ પથ્થરનાં ઓજારો, માટીનાં ચિત્રિત વાસણો, મહિમતી (મહેશ્વર), નાગદા (મધ્ય પ્રદેશ) વગેરે સ્થળોના ઉત્ખનનથી મળેલા અનેક નમૂનાઓ પ્રદર્શિત છે. હસ્તપ્રતોનો પણ નાનકડો સંગ્રહ છે. દુર્લભ ખનીજો અને સ્ફટિકો, આણંદ જિલ્લામાંથી મળી આવેલા ડાયનોસોરના અશ્મિઓ, ડાયનોસોરનાં ઈંડાંના અશ્મીઓ, કુંભકલાનાં ઠીકરાં, પથ્થર તથા કાષ્ઠમાંથી કોતરેલાં શિલ્પ, શસ્ત્રો, વાસણો પણ અહીં પ્રદર્શિત છે.
સરદાર પટેલના જીવનની ઝાંખી કરાવતી એક અલાયદી ગેલેરી પણ આ મ્યુઝિયમમાં છે.
સંગ્રહાલય સંશોધન અને અભ્યાસ માટે પૂરતી સગવડ ધરાવે છે. સંગ્રહને સંબંધિત પુસ્તકો ધરાવતું સંદર્ભ પુસ્તકાલય, સંદર્ભસૂચિ વગેરે ઉપલબ્ધ છે. ધાતુ પ્રતિમાઓમાં અભ્યાસ સંશોધન માટેનો અવકાશ છે.
સંપર્કઃ યુનિવર્સિટી મ્યુઝિયમ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-3881ર0
સમયઃ 11થી 4.30 રવિવાર તથા બીજા ચોથા શનિવારે તેમ જ જાહેર રજાઓમાં બંધ.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.