સરખેજના રોજામાં તમને તમારી બેસ્ટ ક્લિક મળી જશે

0
1401

આજકાલ અમદાવાદ જવાનું વધી ગયું છે. કારણ વ્યક્તિગત છે, પણ અંતરનો પ્રવાસી જીવ કેવી રીતે રોકાય. આપણે ગમે તે કારણસર ગયા હોઈએ, એક વાર વોલેટ લેવું ભુલાય પણ કેમેરા નો, નેવર. સવારે પાંચ વાગ્યે પહોંચ્યો અને વિચાર્યું કે સરખેજ રોજા જવું છે. 6.15 વાગ્યે પહોંચી ગયો. સરખેજ રોજાનું બાંધકામ 1445 -1451 દરમિયાન થયું છે. આ એક મકબરો છે અને સ્થાપત્ય ઇન્ડો-શાર્સેનિક શૈલીનું છે. સરખેજ રોજા સૂફી સંસ્કૃતિનું મુખ્ય કેન્દ્ર હતું. જાણીતા સૂફી સંત શેખ એહમદ ખત્તુગંજ બક્ષ અહીં જ રહેતા હતાં. તેમની કબર પણ અહીં જ આવેલી છે. એક સમયે 72 એકરમાં ફેલાયેલા રોજા હવે ફક્ત 34 એકરમાં સીમિત થઈ ગયો છે. સુલતાન મહંમદ બેગડાનું આ પ્રિય સ્થળ હતું. તેણે અહીં એક તળાવ બનાવડાવીને આજુબાજુ કટ સ્ટોનનાં પગથિયાં બનાવડાવ્યાં અને દક્ષિણ-પશ્ચિમ તરફ મહેલ બનાવડાવ્યો. આ રોજા સ્થાપત્ય ફોટોગ્રાફીના શોખીનો માટે એક ઉત્તમ સ્થળ છે. અહીં વર્ષ દરમિયાન ક્યારેક સૂફી સંગીતના પ્રોગ્રામ યોજાય છે. હા, ઇતિહાસને નજીકથી જોવો હોય તો એ પોળોમાં જતાં રહેજો, ત્યાં હજી જૂનું અમદાવાદ જીવંત છે. રાત્રિએ માણેકચોકમાં પેટપૂજા તો થશે જ. આ સાથે સારા ફોટોગ્રાફ પણ મળી રહેશે. અમદાવાદ ઐતિહાસિક શહેર છે અને તેના ખજાનામાં હજી ઘણું છે, જેની વાત ફરી ક્યારેક…!

લેખક ટ્રાવેલ ફોટોગ્રાફર છે.