સરકાર રસી ઉત્પાદકો પાસેથી વેક્સિન મેળવી, નિઃશુલ્ક આપેઃ વિપક્ષની માગ

 

નવી દિલ્હીઃ રાજ્યોને કોવિડની વેક્સિન ખરીદીને નિઃશુલ્ક આપે એ કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે વિપક્ષના મુખ્ય પ્રધાનો એકબીજાને પત્રો લખીને એકજૂથ થવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેરળની વિધાનસભાએ સર્વાનુમતે બુધવારે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મફતમાં કોરોનાની રસી આપવી જોઇએ એવો ઠરાવ પસાર કર્યો હતો.

ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇકે આ મામલે બધાં જ રાજ્યોના મુખ્ય પ્રધાનોને ટ્વિટર પર બુધવારે પત્ર લખ્યા હોવાની જાહેરાત કરી હતી. પત્રમાં એમણે લખ્યું છે કે જ્યાં સુધી રસીકરણને યુદ્ધસ્તરે શરૂ ન કરાય ત્યાં સુધી કોઇપણ રાજ્ય સુરક્ષિત નથી. આપણા લોકોને ભવિષ્યની લહેરોથી બચાવવા અને તેઓ જીવશે એવી આશા આપવાનો એક જ રસીકરણનો ઉપાય છે, પણ વેક્સિન ખરીદવા માટે બધાં રાજ્યો એકબીજા સાથે સ્પર્ધા કરે એ યોગ્ય નથી. એમણે નોંધ્યું હતું કે કેન્દ્ર સરકારે ૧૮ વર્ષથી વધુ વયની બધી જ વ્યક્તિ માટે રસીકરણનો ત્રીજો તબક્કો શરૂ કર્યા બાદ માગમાં ઘણો વધારો થયો હતો. ઘણાં રાજ્યોએ રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડર બહાર પાડયાં છે, પણ ઉત્પાદકો ક્લિયરન્સ અને અૅસ્યોરન્સ માટે કેન્દ્ર સરકાર તરફ તાકી રહ્યા છે. તેઓ રાજ્યો સાથે સપ્લાય કોન્ટ્રેક્ટ કરવા તૈયાર નથી. સ્થાનિક ઉત્પાદકોની ક્ષમતા મર્યાદિત છે અને તેઓ જોઇતી રસી આપી શકે એમ નથી.

કેરળની રાજ્ય સરકારે કેન્દ્રની રસીકરણ નીતિની ટીકા કરતા કેરળ હાઇ કોર્ટને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોરોના રસીના જુદા જુદા ભાવ રાખી કાળાબજારને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે અને કોરોના રસીના ઉત્પાદન ખર્ચના આધારે દર નક્કી કરવા આવશ્યક છે.

રાજ્ય સરકાર જ્યારે રસીના ડોઝ માટે ચૂકવણી કરવા તૈયાર હોય ત્યારે તેમને પ્રાથમિક્તા કેમ નથી અપાતી? એવો સવાલ કોર્ટે કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા વકીલને પૂછ્યો હતો. કેરળની વિધાનસભાએ સર્વાનુમતે બુધવારે કેન્દ્ર સરકારે બધા રાજ્યોને મફતમાં રસી આપવી જોઇએ એવો ઠરાવ પસાર કર્યો હતો.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ સરકાર પર મફતમાં બધાને રસી આપવા માટે દબાણ વધારવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે કોરોનાના રોગચાળા સામે રસી જ એકમાત્ર સુરક્ષા છે. દેશના લોકોને મફતમાં રસી આપવા માટે તમારે પણ અવાજ ઉઠાવવો જોઇએ. કેન્દ્ર સરકાર જાગો. આ પ્રકારની વાત પ્રિયંકા ગાંધી વાડરાએ પણ ટ્વિટર પર કેન્દ્ર સરકારને વખોડતા જણાવ્યું હતું કે આપણે સૌથી વધુ રસીનું ઉત્પાદન કરનાર દેશ હોવા છતાં ફક્ત ૩/૪ ટકા નાગરિકોને જ પૂરેપૂરી રસી આપવામાં આવી છે. આ માટે કોણ જવાબદાર છે? કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં નિઃશુલ્ક અને રાજ્ય સરકાર દ્વારા સીધી ખરીદી કરવી એમ બે શ્રેણીમાં ૨૩ કરોડથી વધુ રસીના ડોઝ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપ્યા છે. આ બધામાંથી બગાડ થવા સહિત કુલ ૨૧,૭૧,૪૪,૦૨૨ ડોઝ વપરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here