સરકારી સંપત્તિઓ વેચીને ઉભા કરાશે ૬ લાખ કરોડઃ નાણાંમંત્રી સીતારમણ

 

નવીદિલ્હીઃ સરકારી સંપત્તિઓનું વેચાણ કરીને ભંડોળ એકત્ર કરવાની કામગીરીને ઝડપી બનાવવા માટે સોમવારે કેનિ્દ્રય નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી) યોજનાનું અનાવરણ કર્યું હતું. જેમાં તેમણે સ્પષ્ટ કર્યુ હતું કે, માત્ર ઓછા ઉપયોગવાળી સંપત્તિઓ જ વેચવામાં આવશે. આવી અસ્કયામતોનો માલિકી હક સરકાર પાસે જ રહેશે અને ખાનગી ક્ષેત્રનાં ભાગીદારોએ નિર્ધારિત સમયમર્યાદા બાદ તે અનિવાર્યરૂપે સરકારને પરત કરવાનો રહેશે.

નાણા મંત્રાલયનાં નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૨થી ૨૦૨પ સુધીમાં આશરે ૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિઓ વેચવામાં આવી શકે છે.

એનએમપીમાં ઘણાં બધાં ક્ષેત્રોને આવરી લેવામાં આવશે. જેમાં રોડ, રેલવે, એરપોર્ટથી માંડીને ટ્રાન્સમિશન લાઈન્સ અને ગેસ પાઈપલાઈન પણ સામેલ છે. નાણામંત્રીએ આગળ ભારત પૂર્વક ઉમેર્યુ હતું કે, સરકાર પોતાની કોઈ મિલકત વેંચશે નહીં બલ્કે તેનો બહેતર ઉપયોગ થશે. સરકારની આ યોજના વિશે માહિતી બહાર આવવા સાથે જ સરકાર પોતાની જમીનો વેચવાની તૈયારીમાં હોવાનો ગણગણાટ અને વિરોધીસૂર શરૂ થઈ ગયા હતાં. આ વિશે સ્પષ્ટતા કરતાં તેમણે કહ્યું હતું કે, સરકાર કોઈ જમીન વેંચી રહી નથી. નાણામંત્રીએ કહ્યું હતું કે, નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈનમાં બ્રાઉનફીલ્ડ મિલકતોની વાત કરવામાં આવી છે અને તેને બહેતર ઢબે મોનેટાઇઝ કરવાની જરૂર છે. આ એવી સંપત્તિ છે જેમાં પહેલા જ રોકાણ કરવામાં આવેલું છે. આમાં એવી સંપત્તિઓ છે જેનો અલ્પ ઉપયોગ થઈ રહ્યો છે. ખાનગી ભાગીદારીથી તેને બહેતર ઢબે મોનેટાઈઝ કરી શકાશે. આમાંથી થનારી આવકનો માળખાગત વિકાસમાં રોકાણ માટે ઉપયોગ કરવામાં આવશે.

શું-શું વેચવામાં આવશે?

એનએમપી યોજનામાં સડક, પરિવહન અને રાજમાર્ગ, રેલવે, વીજળી, પાઈપલાઈન અને કુદરતી ગેસ, મુલકી ઉડ્ડયન, શિપિંગ અને જળમાર્ગ, ટેલી કોમ્યુનિકેશન, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ, ખનન, કોલસો, આવાસ અને શહેરી બાબતોનાં મંત્રાલયને સામેલ કરવામાં આવશે.

આ પહેલા નીતિ આયોગનાં સીઈઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે, મિલકતો સરકાર હસ્તક જ રહેશે અને નિર્ધારિત સમયે તે પરત કરવાની થશે. વર્ષ ૨૦૨પ સુધીમાં રાષ્ટ્રીય માળખાગત યોજનામાં ૧૪ ટકા જેટલો હિસ્સો રોડ, રેલવે, અને વીજળીમાંથી આવશે. રેલવેમાંથી ૨૬ ટકા આવશે. રેલવે સ્ટેશન, ૧પ રેલવે સ્ટેડિયમ, ટ્રેન, માઉન્ટેન રેલવે વગેરે પણ વેચાશે. આ સાથે શિપિંગમાં ૯ મુખ્ય બંદરોને વેચાશે. બે રાષ્ટ્રીય સ્ટેડિયમ પણ યાદીમાં છે.