

તાજેતરમાં કેબિનેટ સચિવ પી કે સિંહા સરકારી વહીવટીતંત્રના સચિવો તેમજ કર્મચારીઓને નોટ મોકલીને તાકીદ કરી છેકે, માર્ચના અંતથી એપ્રિલના પ્રથમ સપ્તાહમાં દિલ્હી ખાતે યોજાઈ રહેલા તિબેટના રાજકીય વડા – બૌધ્ધ ધર્મગુરુ દલાઈ લામાના થેન્ક યૂ ઈન્ડિયા કાર્યક્રમમાં કોઈએ હાજર રહેવું નહિ. દલાઈ લામાનો કાર્યક્રમ દિલ્હી ખાતે ત્યાગરાજ કોમ્પ્લેકસમાં યોજાઈ રહ્યો છે. ગત 22 ફેબ્રુઆરીના વિદેશ સચિવ શ્રી વિજય ગોખલેએ એક પરિપત્ર કેન્દ્રના ગૃહ સચિવ પી. કે. સિંહાને પાઠવીને ઉપરોક્ત ફરમાન જારી કર્યું હતું. ચારદિવસ બાદ આ માહિતી કેન્દ્રના વરિષ્ઠ નેતાઓ તેમજ સરકારી વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સરકારી તંત્રના કર્મચારીઓને પાઠવવામાં આવી હતી.
મૂળ મુદો્ એ છે કે ચીન તિબેટને ચીનનો જ એક ભાગ ગણે છે અને તિબેટનો કે એના રાજકીય સ્વતંત્ર અસ્તિત્વને માન્યતા આપતો નથી. દલાઈ લામાના ભારત સાથેના સંબંધો તેમજ તેમનો તિબેટ પ્રવાસ પણ ચીનને હંમેશા ખૂંચ્યા કરે છે. ભારત સાથેના ચીનના રાજદ્વારી સંબંધો હાલના તબક્કે સુમેળ ભર્યા નથી. ચીનની પાકિસ્તાન તરફી નીતિ, ભારતની સીમા પર ચીનના સૈનિકોની ધુસણખોરી . અરુણાચલ પ્રદેશ અંગે ભારત સાથે મતભેદ, તાજેતરમાં જ જેનું નિરાકરણ આવ્યું છે તે ડોકલામ પ્રકરણ- જોતાં રાજકીય પંડિતો ભારત- ચીનના પરસ્પરના સંબંધો વધુ પડતા વણસ્યા હોવાનું માની રહ્યા છે. આથી સંબંધો વધુ ખરાબ થાય કે નિવારી ના શકાય એવી રાજકીય પરિસ્થિતિ સર્જાવાની સંભાવના હોય ત્યારે આ બાબત ગંભીરતાથી વિચારવી જોઈએ. આથી ભારતે ચીનને ઉશ્કેરાવાનું કારણ મળે તેવી સ્થિતિ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. કૂટ વિદેશ નીતિના એક ભાગ તરીકે જ કદાચ આ ફરમાન કરવામાં આવયું હશે એવું અનુમાન છે…