સરકતું, વહેતું, અડીખમ અમદાવાદઃ આજ અને કાલ

0
980

ઈસવી સન 1411ની ફેબ્રુઆરીની 26મી તારીખની એ સાંજ કે જ્યારે અમદાવાદ શહેરની ફરતે કોટ બનાવવા માટે પાયો ખોદવાનું મુહૂર્ત હતું ત્યારે અમદાવાદ નામમાં જેની પ્રેરણા છે તે એહમદશાહ સિવાય બીજા ત્રણ એહમદ પણ હાજર હતા. ખરેખર તો એ ત્રણ એહમદનું નામ પહેલાં યાદ રહેવું જોઈએ, કેમ કે સરખેજ રોજાના સૂફી સંત શેખ એહમદ ખત્તુગંજ બક્ષ કે જે એહમદશાહ બાદશાહના સારા મિત્ર અને સલાહકાર હતા, તેમણે ચાર એવા એહમદની વાત કરી હતી કે જેઓ હાજી કહેવાતા હોય એટલે કે હજ કરી આવ્યા હોય. લાંબા સમયની રાહ જોયા પછી ત્રણ એહમદ જ મળ્યા હતા ત્યારે ખત્તુંગજ બક્ષે એહમદશાહ બાદશાહને કહ્યું કે આપ નામદાર પણ હજ કરી આવ્યા છો. આપ આવા ચાર પવિત્ર એહમદના નામે આ અમદાવાદનો પાયો નખાયો છે તે શહેર આજે 608મો સ્થપનાદિન મનાવી રહ્યું છે.

સાબરમતી નદી તો એહમદ-શાહના અમદાવાદ પહેલાં જ્યારે આ શહેર રાજનગર હતું, કર્ણાવતી હતું, કે આશાપલ્લી હતું તે પહેલાંથી, યુગો પૂર્વેથી વહે છે અને યુગો સુધી વહેતી રહેશે. મહર્ષિ દધીચિએ આ સાબરમતી અને ચંદ્રભાગા નદીનો જ્યાં સંગમ થાય છે ત્યાં તપસ્યા કરી છે અને તેમનાં હાડકાંનું બલિદાન આપીને ઇન્દ્રનું વજ્ર શસ્ત્ર બનીને અસુરોનો સંહાર કર્યો છે. નદીના તટ પર એક જમાનામાં સાબર પણ મુક્ત મને વિહરતાં હતાં તેવી આ સાબરના તટે ગાંધીજીએ આશ્રમ સ્થાપીને અહિંસાની લડતથી અંગ્રેજોને હારવા મજબૂર કર્યા હતા તે આ સાબરમતીના તટ પર આજના પ્રભાવશાળી વડા પ્રધાનની એક વિનંતીથી દુનિયાભરના બળૂકા વડા પ્રધાનો પણ ટહેલવા આવી રહ્યા છે. આ સાબરે છેલ્લાં 600 વર્ષમાં અનેક પરિવર્તનો જોયાં છે, માણ્યાં છે અને વહાવ્યાં છે, છતાં આ શહેર તો અડીખમ જ છે, કેમ કે અહીંની પ્રજાનો મિજાજ અડીખમ છે. સસલા જેવી આ પ્રજાને જો છેડો તો એ શિકારી કૂતરાની પણ સામે થાય અને બાદશાહને પણ વિચારવું પડે કે નગર તો અહીંયાં જ સ્થાપિત કરાય.

1832થી વિશ્વમાં શરૂ થયેલી તસવીર-કલાએ 1862માં તો અમદાવાદમાં પગરણ કરી દીધાં હતાં, તે દેખીતો પોણા બસો વર્ષનો ઇતિહાસ અમદા-વાદનો અડીખમ ઇતિહાસ છે. ‘કર્નલ’ બિગ્સથી શરૂ થયેલો આ તસવીરી ઇતિહાસ આજે કેમેરાની જગ્યાએ મોબાઇલ કેમેરાથી વધારે અડીખમ થતો જાય છે. આ અમદાવાદના તસવીર ઇતિહાસને મેં મારા કાર્યક્ષેત્રના ચાર દાયકા દરમિયાન એકત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે. કેટલીક જૂની ક્ષણો અને કેટલીક મેં જ ચાલીસ પહેલાં કંડારેલી તસવીર ક્ષણો આજે કયા સ્વરૂપમાં છે તેનો તુલનાત્મક અભ્યાસ કરીને આવી અમદાવાદની 50 ભૂતકાળ અને વર્તમાનની ક્ષણોને એક નવી પરિકલ્પના કરીને રેત-ઘડીમાંથી પસાર થતાં થતાં ભૂતકાળ આજે વર્તમાનમાં કેવો લાગે છે તેનું એક નવા પ્રકારનું ફોટો પ્રદર્શન અને નાનકડું ફોટા આલબમ કરીને આ શહેરના ઈતિહાસને વધુ અડીખમ કરવાનો પ્રયાસ છે. તેમાંની કેટલીક ક્ષણો પ્રસ્તુત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here