સમાજમાં લેણદારો કરતાં કરજદારોનો ત્રાસ વધારે છે!

0
1072

આપણી એક પ્રાચીન કહેવત છે કે દીકરીના બાપને અને દેવાદારોને હંમેશાં ઉજાગરા વેઠવા પડતા હોય છે. એ કહેવત હવે તદ્દન ખોટી અને વાહિયાત પુરવાર થઈ ચૂકી છે. દીકરીના બાપને ઉજાગરા કરવાની જરૂર હવે નથી રહી, કારણ કે આજની દીકરીઓ સવાયા દીકરા પુરવાર થઈ રહી છે. એ જ રીતે જેના માથે દેવું હોય છે એવા ઘણા લોકો બેફિકર બનીને મોજથી જીવન જીવે છે અને લેણદારોને બિલકુલ ગાંઠતા નથી. કેટલાક લોકો તો ઉછીના-ઉધારના પૈસે જ લાઇફટાઇમ લીલાલહેર કરતા હોય છે! વિજય માલ્યા અને નીરવ મોદી જેવા લોકોએ તો બેન્કોને લૂંટી છે, પરંતુ દરેક ગામ-નગર અને શહેરમાં આવા અનેક વિજય માલ્યાઓ અને નીરવ મોદીઓ નાના નાના સ્વરૂપે તમને જોવા મળશે! જેઓ વ્યક્તિગત સંબંધીઓ પાસેથી ઉધાર-ઉછીના કર્યા પછી દેવું ચૂકવવામાં નાદારી અને નફટાઈ બતાવે છે!
આપણી લાઇફમાં આપણને મોજશોખ માટે કે જીવનજરૂરી કોઈ ચીજ માટે કે કોઈ અવસર-પ્રસંગે પૈસાની ખાસ જરૂર હોય, ત્યારે કોઈની પાસેથી વ્યાજે ઉછીના પૈસા લઈને આપણું કામ કરીએ. પછીથી પૈસા આપનાર એ વ્યક્તિને આપણે નિયમિત વ્યાજ ન ચૂકવીએ અને ખોટા-ખોટા વાયદા કરીને એનાથી બચવાની કોશિશ કરીએ અથવા તેની રકમ પાછી આપવામાં ગલ્લાંતલ્લાં કરીએ. પછી એ વ્યક્તિ કંટાળીને પોતાના પૈસા વસૂલ કરવા માટે આપણા પર પ્રેશર કરે ત્યારે આપણે ‘વ્યાજખોરોનો ત્રાસ’ આગળ કરીને આત્મહત્યાની ધમકી આપીએ અથવા એની સામે કાનૂની કાર્યવાહી કરીએ તો તેમાં આપણી ખાનદાની કે શાહુકારી ખરી?
આપણને પૈસાની તીવ્ર જરૂર હતી, પૈસા વગર આપણું કામ અટકી પડે અથવા આપણી આબરૂ દાવ પર લાગી જાય તેવા સંજોગો હતા. આપણી એવી કપરી અને કફોડી પરિસ્થિતિમાં આપણા પર ભરોસો મૂકીને તેણે પૈસા આપ્યા. શું એ એનો ગુનો હતો? આપણે સ્વેચ્છાએ તેની શરતો કબૂલ રાખીને પૈસા લીધા. એણે કંઈ આપણા કપાળ પર બંદૂક મૂકીને એની પાસેથી વ્યાજે પૈસા લેવાનું દબાણ કર્યું નહોતું! હવે આપણે આપણા કરેલા વાયદા મુજબ તેને પૈસા ન ચૂકવીએ અથવા નફટાઈ કરીએ, ખોટા વાયદા કરીને એને ત્રાસ આપીઐ અને એ વ્યક્તિ પોતાના પૈસા વસૂલ કરવા માટે આપણી પાસે કડક ઉઘરાણી કરે તો એમાં ખરેખર ત્રાસ કયા પક્ષે કર્યો કહેવાય?
જો આવા કિસ્સા વારંવાર સમાજમાં બને તો પછી કોઈ વ્યક્તિની તકલીફ વખતે તેને આર્થિક મદદ કરવાનો કોઈને વિચાર પણ કેમ આવે? એક તો આપેલા પૈસા જાય, એ વ્યક્તિ સાથેનો સંબંધ પણ સમાપ્ત થઈ જાય અને નફામાં કાનૂની કાર્યવાહીમાં ફસાવવું પડે! આવું કયો મૂરખો પસંદ કરે?
સામાન્ય રીતે કોઈ ને કોઈ મજબૂરી જ માણસને ફસાવતી હોય છે એ સાચું, કિંતુ મજબૂરીની સાથે જ્યારે બેવકૂફી ભળે ત્યારે તો માણસ સામે ચાલીને એવો ફસાય છે કે તેને સ્વયં ઈશ્વર પણ ન બચાવી શકે! લાઇફમાં મજબૂરી તો સૌને આવતી જ હોય છે. મજબૂરી ગમે તેટલી મજબૂત હોય તો પણ આપણે મક્કમ રહીએ તો ટકી શકીએ. નબળું મન મજબૂરી સાથે હંમેશાં કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર થઈ જાય છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સ્વસ્થ અને તટસ્થ રહેવું જોઈએ, ઝઝૂમવાની ઝિંદાદિલી બતાવવી જોઈએ, થોડાક ઘા અને ઘસરકા વેઠવાની ખેલદિલી પણ કેળવવી જોઈએ. નાની-મોટી સમસ્યા કે સંઘર્ષના સમયે કેટલાક લોકો રઘવાયા અને દિશાહીન બનીને ખોટી દિશામાં ફંટાઈ જાય છે. ખોટા માણસોને શરણે પહોંચી જાય છે અને તેમની પાસેથી વિચાર્યા વગર હેલ્પ લઈ લે છે. એ હેલ્પ તાત્કાલિક તો તમને રાહત આપે છે, પરંતુ આગળ જતાં ભારે પડે છે. સ્વસ્થ અને નીડર અને ખુમારીવાળો માણસ તો એમ જ સોચશે કે ભલે બરબાદ થઈ જઈએ પણ કોઈની ગેરવાજબી માગણીને શરણે શા માટે જઈએ?
નબળા મનનો મજબૂર દર્દી ડોક્ટર પાસે છેતરાય છે. નબળા મનનો મજબૂર માણસ મંદિરમાં કે મસ્જિદમાં જઈને પરમાત્મા પાસે માથું નમાવે છે અને ઘણી બધી બાધાઓ રાખે છે છતાં એનું કામ ન થાય ત્યારે એ છેતરાયો હોય એવું એને લાગે છે.
સાચી વાત એ છે કે માણસે મજબૂર થવાની પળે મજબૂત થઈ જવું જોઈએ. આપણી મજબૂરીનો ગેરલાભ કોઈ ન લઈ જાય એ માટે સજ્જ થવું પડે. વર્તમાનની મજબૂરીમાંથી છૂટવા-બચવા માટે ભવિષ્યની કોઈ વિકટ મજબૂરી વહોરી ન બેસીએ એનું ધ્યાન રાખવું આવશ્યક છે.
અત્યારે શાળા સંચાલકો મજબૂર વાલીઓને બેફામ લૂંટી રહ્યા છે. બધા વાલીઓ જો સંકલ્પબદ્ધ થઈને એવી શાળાનો બહિષ્કાર કરે તો છેતરનારા સંચાલકોનું કેટલું ચાલે? થિયેટરમાં પાંચ રૂપિયાના પોપકોર્નના બસો રૂપિયા આપણે રાજીખુશીથી ચૂકવીએ છીએ અને પછી ફરિયાદ કરી છીએ કે એ લોકો લૂંટે છે. આપણે સિનેમા જોતી વખતે પોપકોર્ન ખાવાનું બંધ કરીને તેમને પાઠ ભણાવવાને બદલે આપણી ખોટી મજબૂરી આગળ કરીને એમને લૂંટવાની પૂરી તકો આપીએ છીએ. આપણી મજબૂરી અને બેવકૂફી બન્ને આપણને ડુબાડે એમાં બીજાનો દોષ જોવાની જરૂર નથી.
કોઈ ડૂબતો માણસ તરણાને આધાર માનીને એને પકડી લે અને પછી પોતે ડૂબી જાય તો એમાં તરણાનો વાંક કે ડૂબેલા માણસની મૂર્ખામીનો વાંક?
લોન લેનારે લોન લેતાં પહેલાં કોની પાસેથી હું લોન લઉં છું અને એનું પરિણામ કેવું ગંભીર આવી શકે એનો વિચાર કરવો જોઈએ ને! તે ઉપરાંત લોન લેતાં પહેલાં એને ચૂકવવાની જોગવાઈ કે વ્યવસ્થા આપણે કરી શકીશું કે નહિ એનો પણ વિચાર કરવો જોઈએ ને! ગુજરાતીમાં કહેવત છે કે પછેડી જેટલી જ સોડ તાણવી જોઈએ. પછેડી કરતાં વધારે લાંબી સોડ તાણનાર મૂર્ખ જ ગણાય, બેવકૂફ જ ગણાય.
એવા મૂરખાઓ આવતી કાલનો વિચાર કરતા જ નથી. અત્યારે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે ને એવો ટૂંકો અભિગમ રાખીને પોતાના ફ્યુચરને દાવ પર લગાડી દેતા હોય છે! દેવું કરીને પણ ઘી પીનારા અને લોન લઈને પણ મોજ કરનારા લોકો ફસાઈ જાય ત્યારે એમના માટે આપણને દયા ક્યાંથી જાગે?
દૂધના દાઝેલા પણ છાશ ફૂંકી ફૂંકીને પીતા હોય છે. જ્યારે મૂર્ખાઓ જ એકના એક પથ્થર સાથે વારંવાર ઠોકર ખાતા રહે છે!
હું તો એવા કેટલાય લોકોને ઓળખું છું કે જેમણે પોતાના દૂરના સગાને અથવા મિત્રના મિત્રને માત્ર એને મદદરૂપ થવા માટે જ વગર વ્યાજે કશાય લખાણ વગર પૈસા આપ્યા હોય અને એ પાછા ન મળતા હોય!
કેટલાક લોકો કહે છે કે માથાભારે માણસો જ ધીરધારનો ધંધો કરતા હોય છે. જો એવું જ હોય તો તેની પાસે પૈસા ઉધાર લેવા જનાર વ્યક્તિએ સો વખત વિચારવું જોઈએ ને! ગરજ હોય ત્યારે ગધેડાને પણ બાપ કરનારા અને ગરજ પતી જાય પછી બાપને પણ ગધેડો કહેનારા લોકોની જમાત ઘણી મોટી છે!
ઉધાર કે ઉછીના લીધા પછી લેણદારોના આપણા ઘરે તકાદા આવે એટલી હદે આપણે બેફિકર રહીએ તો એ આપણી અણઘડતા જ પુરવાર કરે છે. જે લેણદારે ઉધાર-ઉછીના આપતી વખતે જામીનગીરી રૂપે દાગીના કે મિલકત ગિરવી લઈને રાખેલાં હોય એણે તો પઠાણી ઉઘરાણી કરવાની જરૂર જ ન પડે, પણ જેણે આપણા પર ભરોસો મૂકીને આપણને કટોકટીના સમયે હેલ્પ કરી હોય એને આપણે ગણકારીએ નહિ તો એ આપણા પર દબાણ લાવે જ! એમાં આશ્ચર્યની વાત પણ નથી અને કશું ખોટું પણ નથી.
અલબત્ત, કેટલાક લંપટ લેણદારો પોતાના કરજદારને લૂંટી લેવા માટે એને ખોટી રીતે ભીંસમાં રાખે છે. પોતાની મૂડી અને વ્યાજ બધું મળી ગયું હોય તો પણ એની લાચારીનો લાભ લેવાનું ચાલુ રાખે છે. એને પોતાના કરજમાંથી મુક્ત કરવા તૈયાર થતા નથી. જો આવી પરિસ્થિતિ હોય તો લેણદાર સામે કાયદેસર પગલાં લેવા જોઈએ, પણ એવા એકાદ બે લેણદારોને કારણે બધા જ લેણદારો ત્રાસ આપતા હોય છે એવું કહીને આપણે આપણી નફટાઈ બતાવવાની જરૂર નથી. જો તમે સમાજમાં તદ્દન તટસ્થ રીતે અભ્યાસ કરશો તો તમને સાચી વિગત જાણવા મળશે કે લેણદારોના ત્રાસની ઘટનાઓ કરતાં કરજદારોએ લેણદારો પાસેથી ઉધાર-ઉછીના લઈને તેમની રકમ પાછી નહિ ચૂકવી હોવાની ઘટનાઓની સંખ્યા વધારે હશે!

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.