સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો ઈન્કારઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની પાંચ જજની બંધારણીય બેંચે સમલૈંગિક લગ્નોને કાયદાકીય માન્યતા આપવાનો ઈનકાર કર્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટમાં બદલાવ સંસદ કરી શકે છે અને કોર્ટ કાયદો ઘડી ન શકે. ફક્ત અર્થઘટન કરી શકે છે તેવું ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) ડી. વાય ચંદ્રચૂડે કહ્યું હતું. સજાતીય આકર્ષણ કુદરતી છે તેવું યુગોથી જાણીતું છે જે ફક્ત શહેરી અથવા ફક્ત ઉચ્ચ વર્ગ પૂરતું નથી તેવું સીજેઆઈએ કહ્યું હતું. આવા લોકો સામે ભેદભાવ નહીં થવો જોઈએ તેવા નિર્દેશ સીજેઆઈએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપ્યા હતા.
નરસિંહ અને જસ્ટિસ હિમા કોહલીની પાંચ સભ્યની બંધારણીય બેન્ચે સમલૈંગિક લગ્ન માટેની કાયદાકીય માન્યતા મેળવવા માટેની ૨૧ અરજી પર ચુકાદો આપ્યો હતો. ૧૮મી એપ્રિલ ૨૦૨૩ના રોજ સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી શરૂ કરી હતી અને દશ દિવસની સુનાવણી પછી ૧૧મેના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. ૧૭મી ઓક્ટોબરે સીજેઆઈએ શરૂઆતમાં જ કહ્યું હતું કે ચાર ચુકાદા છે. સેમ સેક્સ કપલને કેટલાક હક મળવા જોઈએ તેવા સીજેઆઈના મંતવ્ય સાથે સંમત છે તેવું જસ્ટિસ કોલે કહ્યું હતું. જસ્ટિસ કોલે કહ્યું હતું કે “બિનવિજાતીય અને વિજાતીય જોડીને એક જ સિક્કાની બે બાજુ તરીકે જોવી જોઈએ. બિન વિજાતીય જોડીને કાયદાકીય માન્યતા મેરેજ ઈકવાલિટી તરફનું પગલું છે તેવું જસ્ટિસ કોલે કહ્યું હતું. કેટલાક મુદ્દાઓ પર સીજેઆઈના મંતવ્ય સાથે તેઓ સંમત છે અને કેટલાકમાં તેમનો અભિપ્રાય જુદો પડે છે તેવું ન્યાયમૂર્તિ કોલે કહ્યું હતું.
સમલૈંગિક જોડીના વ્યક્તિના હકો અને અધિકારો પર નિર્ણય કરવા કેન્દ્ર સરકાર એક કમિટીની રચના કરશે તેવા સોલિસિટર જનરલ તુષાર મહેતાના નિવેદનની કોર્ટે નોંધ લીધી છે તેવું ચીફ જસ્ટિસે કહ્યું હતું. સમલૈંગિક જોડી સામે એફઆઈઆર નોંધવા અગાઉ પોલીસે પ્રિલિમનરી ઈન્કવાયરી કરવી તેવા નિર્દેશ સીજેઆઈએ પોલીસને આપ્યા હતા. આ મુદ્દા પર કોઈ પણ બંધારણીય નિર્ણય ‘યોગ્ય પગલું’ નહીં રહે, કારણ કે આવા લગ્નને કાયદાકીય માન્યતાથી ઊભા થનારા અન્ય મુદ્દાઓની કલ્પના અથવા સમજણ અથવા પરિણામ સાથે કેવી રીતે કામ પાર પાડવું તે કોટે નહીં કરી શકે તેવું અરજીઓ પર દલીલ દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું.
ત્રીજી મે ના રોજ કેન્દ્રે કોર્ટમાં કહ્યું હતું કે આવી જોડીઓની “વાસ્તવિક માનવીય પ્રશ્ર્નોનો’ ઉકેલ લાવવા કયા વહીવટી પગલાં લઈ શકાય તેનો અભ્યાસ કરવા કેબિનેટ સેક્રેટરીના વડપણમાં એક કમિટીની રચના કરવામાં આવશે.