સમર્પણ ભાવથી ભાજપના સંગઠનને સર્વશ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરીશઃ સી.આર. પાટીલ

 

ગાંધીનગરઃ ગાંધીનગરસ્થિત મંગળવારે યોજાયેલા સમારંભમાં કમલમ કાર્યાલય ખાતે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી. સતીષ, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, પ્રદેશ કોષાધ્યક્ષ અને વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલ (કાકા) સહિત પ્રદેશ અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગુજરાત ભાજપાના ૧૩માં પ્રદેશ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સી.આર. પાટીલને ગુજરાત ભાજપાના પ્રદેશ અધ્યક્ષ બનવા બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, સી.આર. પાટીલના બહોળા રાજનૈતિક અનુભવથી ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત થશે. સી.આર.ના નેતૃત્વમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની તેમજ વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં ભાજપાને ભવ્ય સફળતા પ્રાપ્ત થશે.

નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે કહ્યું હતું કે, ભાજપા જ એક એવી રાજનૈતિક પાર્ટી છે કે જેમાં સામાન્ય કાર્યકર્તાને પણ પોતાની ક્ષમતા અનુસારની જવાબદારી મળે છે. મારા જેવા સામાન્ય કાર્યકર્તા કે જેણે એક નાના કાર્યકર તરીકે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો તેને ત્રણ વખત સાંસદ અને આજે પ્રદેશ અધ્યક્ષની મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના ભાજપા સંગઠનની કાર્યપ્રણાલીથી અન્ય રાજ્યનાં સંગઠનો પણ પ્રભાવિત છે અને તેને અનુસરી રહ્યા છે. હું સંપૂર્ણ સમર્પણ અને પ્રમાણિકતાથી આપણા ગુજરાતના ભાજપના સંગઠનને દેશનું સર્વશ્રેષ્ઠ સંગઠન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહીશ તેમ તેમણે જણાવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, સી.આર. પાટીલ સાંસદ તરીકે નોંધપાત્ર કામગીરી બજાવી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વએ તેમને પ્રદેશ અધ્યક્ષની મહત્ત્વની જવાબદારી સોંપી છે. તેમના નેતૃત્વમાં ગુજરાત ભાજપનું સંગઠન વધુ મજબૂત થશે તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ જીતુભાઇ વાઘાણીની જગ્યાએ ગુજરાતમાં પાર્ટીની કમાન નવસારીના સાંસદ સી.આર. પાટિલને આપી છે. તેઓ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં સૌથી વધુ મતો જીતીને સાંસદ બનવાનો રેકોર્ડ કાયમ કર્યો હતો. એટલું જ નહીં, તેઓ ગુજરાતમાં ભાજપના સૌથી ધનિક સાંસદ માનવામાં આવે છે.