સમર્થ ગુજરાતી સર્જક ધીરુભાઈ પરીખની વિદાય

 

ભુજઃ ગુજરાતના જાણીતા કવિ, લેખક, વિવેચક, વાર્તાકાર ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનું રવિવાર સાંજે કોરોનાની બીમારીમાં અવસાન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. તેઓ ‘કુમાર’ સામાયિક અને ‘કવિલોક’ના તંત્રીપદે રહીને સાહિત્ય જગતને મોટું પ્રદાન આપી રહ્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહી ચૂક્યા છે. વિદ્વાન અને સાહિત્યમાં આદરણીય સ્થાન ધરાવનાર ધીરુભાઈનો જન્મ વીરમગામમાં. થયો હતો. ૧૯૬૭માં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી હતી. ૧૯૫૫થી સી.યુ. શાહ કોલેજમાં અધ્યાપક રહ્યા હતા. ૧૯૬૭થી ૧૯૬૯ સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન રહ્યા હતા. એમણે વઢવાણની મહિલા આર્ટસ કોલેજમાં આચાર્ય અને ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષપદે રહ્યા હતા. ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રીપદે રહ્યા અને ૧૯૭૧માં કુમારચંદ્રક મળ્યો હતો. એમની પ્રથમ કૃતિ ૧૯૫૧માં પ્રગટ થયેલી વાર્તા ‘પહેલું રૂદન’ હતી. ગુજરાતી ગ્રંથકાર શ્રેણી અંતર્ગત એમણે ‘રાજેન્દ્ર શાહ’ (૧૯૭૭) પુસ્તક લખ્યું હતું. રાસયુગમાં ‘પ્રકૃતિનિરૂપણ’ (૧૯૭૮) એમનો શોધપ્રબંધ હતો. ‘અત્રત્ય તત્રત્ય’ (૧૯૭૮)માં ગુજરાતી કવિઓની સાથે સી. કે. લૂઈ અને ઓડેન જેવા અંગ્રેજી કવિઓ, પાબ્લો નેરુદા જેવા ચીલી કવિ, મોન્તાલે જેવા ઈટાલિયન કવિ તથા યેવતુશેન્કો જેવા રશિયન કવિ વિશેના પરિચયલેખોમાં તેમનું પ્રદાન હતું. ‘નરસિંહ મહેતા’ (૧૯૮૧)માં નરસિંહના જીવનકવનનું વિસ્તૃત અવલોકન કર્યું હતું. ‘કાળમાં કોર્યા નામ’ (૧૯૭૭)માં કાવાબાતા, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ચાર્લ્સ ડિકન્સ, દલપતરામ, પૂ. મોટા જેવા મહાનુભાવોનાં પ્રેરક ચરિત્રો તેમનામાં આલેખાયાં હતાં.