સમગ્ર વસો ગામના નાગરિકોને વિના મૂલ્યે વ્યક્તિ દીઠ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરતા નવયુવાનો

 

નડિયાદઃ સમગ્ર વિશ્વ કોરોનાના કહેરના કારણે હાડમારી અને સંધર્ષ કરી રહ્યુું છે. આ મહામારીએ ભારતમાં પણ વ્યાપ વધાર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ધ દષ્ટિ અને આગોતરા આયોજનના ભાગરૂપે સમગ્ર દેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો છે. તેને ગુજરાતના નાગરિકોએ પણ લોકહિતને ધ્યાને રાખી સારો પ્રતિસાદ આપ્યો છે અને મહામારીના વ્યાપને કાબુમાં રાખી શકાયો છે. આ રોગને ફેલાતો અટકાવવા માટે મોટે ભાગે માસ્ક પહેરવાનું અને શરીરના અંગોને સેનેટાઇઝ કરવાનું અતિ મહત્ત્વનું છે. ત્યારે લોકડાઉનના કારણે ઘરે રહેતા ખેડા જિલ્લાના વસો ગામના ગણેશ યુવક મંડળના નવયુવાનોએ કાંઇક નવું બનાવવાની ધગશને પ્રાધાન્ય આપ્યું છે. વસોમાં અમીતભાઇ જશભાઇ અમીન અને તેઓના નવયુવાન મિત્રો દ્વારા અંદાજે ૧૩,૫૦૦ જેટલા વસોના ગ્રામજનોને નિઃશુલ્ક માસ્કનું વિતરણ કરવાનું આયોજન કર્યું છે. અમીતભાઇના જણાવ્યાનુસાર નાગરિકો જયારે ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરીને નીકળે તો આ વાઇરસના ચેપની શકયતાઓ ઘટાડી શકાય છે. પરંતુ આવા માસ્ક મેડિકલ સ્ટોર્સમાં મોંધી કિંમત અને સીમીત સ્ટોકના લીધે બધા નાગરિકો તે ખરીદી શકે તેમ નથી તેવું અમીતભાઇના ધ્યાને આવેલ હતું. વસોના નવયુવાનોનું આ કૃત્ય પ્રેરણાદાયી અને બિરદાવવા લાયક છે