સમગ્ર ભારતમાં લોકડાઉન એ જ ઉપાયઃ ચેપી રોગના નિષ્ણાત ડો. એન્થની ફૌસી

 

વોશિંગ્ટનઃ અમેરિકાના નિષ્ણાત અને વ્હાઇટ હાઉસના ચીફ મેડિકલ સલાહકાર ડો. એન્થની ફૌસીએ સોમવારે ભારતને દેશભરમાં લોકડાઉન લાદવાની ભલામણ કરી હતી. તેમણે વ્યાપક વેક્સિનેશન અભિયાન તેમજ મોટી સંખ્યામાં કામચલાઉ હોસ્પિટલ્સ બનાવવાની પણ સલાહ આપી હતી.

ડો. ફૌસી ચેપી રોગોના વિશ્વના ટોચના નિષ્ણાત ગણાય છે. તેમણે જણાવ્યું હતું કે, બધા જાણે છે કે, ભારતમાં સ્થિતિ બહુ ગંભીર છે. આટલી મોટી સંખ્યામાં લોકો સંક્રમિત હોય ત્યારે દરેકની પૂરતી સંભાળ લેવાનું મુશ્કેલ બને છે. એટલે જ અમને એવું લાગે છે કે, વિશ્વના અન્ય દેશોએ શક્ય એટલી મદદ કરવી જોઇએ. જો બાયડેનની સરકાર ભારતની સહાય માટે સક્રિય છે ત્યારે ડો. ફૌસી ભારતના ઘટનાક્રમ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત કેટલીક ચીજો તાત્કાલિક કરી શકે. જ્યારે મધ્યમ અને લાંબા ગાળા માટે વધુ કેટલાક પગલાં લઈ શકાય.

ડો. ફૌસીએ જણાવ્યું હતું કે, સૌથી પહેલાં ભારતે બને એટલા વધુ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવું જોઇએ. ભારતમાં બે વેક્સિન વિકસાવાઈ છે. ઉપરાંત, અમેરિકા અને રશિયા જેવા દેશોમાંથી પણ વેક્સિન મેળવી શકાય. જોકે, કોઇને વેક્સિન આપવાથી અત્યારની સમસ્યા દૂર થવાની નથી, પણ તેને લીધે આગામી કેટલાક સપ્તાહ પછી આવનારી મુશ્કેલીને રોકી શકાશે. તેમણે કહ્યું હતું કે, તાત્કાલિક ઉકેલ લોકડાઉનનો છે. ભારત એ કરી જ રહ્યું છે. થોડા દિવસ પહેલાં મેં દેશભરમાં લોકડાઉનની ભલામણ કરી હતી અને દેશના કેટલાક ભાગોમાં આ થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણી પાસે અન્ય દેશોના ઉદાહરણ છે. ચીને ગયા વર્ષે આવું કર્યું હતું. ઓસ્ટ્રેલિયામાં પણ કેસ વધ્યા ત્યારે તેમણે લોકડાઉનનું પગલું લીધું હતું. ન્યુ ઝીલેન્ડ અને અન્ય દેશોએ પણ થોડા સમય માટે લોકડાઉન કર્યું હતું. ભારતે પણ માત્ર થોડા સપ્તાહ માટે લોકડાઉન કરવાની જરૂર છે. ડો. ફૌસીએ કામચલાઉ હોસ્પિટલ્સ તૈયાર કરવા લશ્કરની સહાય લેવાની પણ ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે, વિશ્વના અન્ય દેશો ભારતને મટિરિયલ્સ અને નિષ્ણાતો પૂરા પાડી મદદ કરી શકે. અમેરિકા ભારતને ઓક્સિજન સિલિન્ડર્સ, કોન્સન્ટ્રેટર્સ અને જનરેશન યુનિટ્સ પૂરા પાડી રહ્યું છે.