સમગ્ર કેરળ ભગવાનભરોસેઃ સદીનું સૌથી ભયાનક પૂરઃ 20 હજાર કરોડનું નુકસાન

તિરુવનંતપુરમઃ કેરળમાં છેલ્લાં 100 વર્ષનું સૌથી ભયંકર પૂર આવ્યું છે. કેરળનો 90 ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. 16,000 કિમીની સડક તૂટી ગઈ છે અને 134 પૂલ ધરાશયી થઈ ગયા છે. 40,000 એકરથી વધુ જમીન પર તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. એસોચેમના જણાવ્યા અનુસાર કેરળના પૂરને કારણે કંપનીઓને 20,000 કરોડનું નુકસાન થયું છે. કેરળ પર પૂરની આફત વચ્ચે સહાયનો વરસાદ શરૂ છે. સુપ્રીમ કોર્ટના જજો કેરળ રાહત ફંડમાં યોગદાન આપશે તેવી જાહેરાત સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કરી હતી. એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે પણ એક કરોડની સહાયની જાહેરાત કરી હતી. અગાઉ સાઉદી અરેબિયાએ સહાયની જાહેરાત કરી હતી, આ સ્થિતિ વચ્ચે હવે પાકિસ્તાનીઓ પણ રાહત પેકેટ મોકલી રહ્યા છે. દેશના સરકારી અધિકારીઓ પણ મદદ કરી રહ્યા છે.


તેલંગણા આઇએએસ ઓફિસર એસોસિયેશનના જણાવ્યા મુજબ રાજ્યના દરેક આઇએએસ અધિકારી પોતાનો એક દિવસનો પગાર કેરળ રાહત ફંડમાં મોકલશે. ઓડિશાના આઇએએસ પણ એક દિવસનો પગાર દાન કરશે. તેલંગણા સરકારે પણ રૂ. 25 કરોડ મોકલ્યા છે. શિવસેનાના ધારાસભ્યો અને સાંસદો પણ સહાય માટે આગળ આવ્યા છે. પાર્ટીએ જાહેરાત કરી છે કે અમારા જે પણ સાંસદો અને ધારાસભ્યો છે તેઓ પોતાનો એક માસનો પગાર કેરળના પૂરગ્રસ્ત લોકોની સહાય માટે દાન કરશે.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ પણ જાહેરાત કરી હતી કે તેઓ પોતાના એક મહિનાનો પગાર કેરળ રાહત ફંડમાં મોકલશે. તેઓને આશરે 4 લાખનો પગાર મળે છે. કેરળની વિવિધ જેલોમાં કેદ કરાયેલા કેદીઓ હાલ પૂરપીડિતોની મદદ માટે રોટલીઓ મોકલી રહ્યા છે. તિરુવનંતપુરમની સેન્ટ્રલ જેલના કેદીઓએ 50 હજાર રોટલીઓ મોકલી છે. કેરળમાં હાલ માછીમારો વરદાન બનીને આવ્યા છે. તેઓએ પોતાની આશરે 600થી વધુ બોટ સહાયમાં લગાવી દીધી છે. અને પોતે પણ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here