સત્ય અને સત્ત્વના ઉપાસક વાસુદેવ મહેતા’ વિશે અમદાવાદમાં વ્યાખ્યાનમાળા

અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત દર્પણ (અમેરિકા)ના સંયુક્ત ઉપક્રમે સત્ય અને સત્ત્વના ઉપાસક વાસુદેવ મહેતા  એ વિષય પર યોજાયેલી વ્યાખ્યાનમાળામાં ડાયસ પર (ડાબેથી) ધ્રુવમન મહેતા, પ્રીતિબહેન શાહ, સુભાષ શાહ, ડો. કુમારપાળ દેસાઈ, રમેશ તન્ના, પ્રફુલ્લ ભારતીય. (જમણે) તસવીરમાં સુભાષ શાહ (અમેરિકા) જયંતિ દવે, શૈલેષ પરીખ, રોહિત પટેલ, સુભાષ શાહ, પ્રફુલ્લ ભારતીય, રમેશ તન્ના અને ગુજરાત ટાઇમ્સ’ના બ્યુરો ચીફ અરુણ શાહ નજરે પડે છે. (બંને ફોટોઃ રાજેશ સુથાર, આણંદ)

અમદાવાદઃ વાસુદેવ મહેતા એક અજોડ પત્રકાર હતા. લોકનિષ્ઠા અને મૂલ્યનિષ્ઠા સાચવીને તેમણે પાંચ દાયકાથી પણ વધારે સમય સુધી પત્રકારત્વ કર્યું હતું. તેમણે કાયમ પોતાને યોગ્ય લાગે તે લખ્યું, કોઈની શેહ-શરમમાં તેઓ આવ્યા નહિ. જોખમો કે પ્રલોભનોએ તેમને વિચલિત કર્યા નહિ. લોકહિતમાં સાચું લાગે તે તેમણે સતત લખ્યું. આ શબ્દો જાણીતા સાહિત્યકાર અને ચિંતક કુમારપાળ દેસાઈએ ‘સત્ય અને સત્વના ઉપાસક વાસુદેવ મહેતા’ એ વિષય પર યોજાયેલી વ્યાખ્યાનમાળામાં બોલતાં કહ્યું હતું. આ કાર્યક્રમ અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત દર્પણ (અમેરિકા)ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. કુમારપાળ દેસાઈએ ઉમેર્યું હતું કે તેમનું જીવન સાદું હતું અને તેઓ કોઈ પણ ભોગે મૂલ્યનિષ્ઠાને વળગી રહેવામાં માનતા હતા.
આ પ્રસંગે તેમના હાથ નીચે ભણેલાં અને તેમનાં પૂર્વ સહકાર્યકર પ્રીતિબહેન શાહે વાસુદેવ મહેતાની નિર્ભીક અને લોકભોગ્ય ભાષાશૈલીની ચર્ચા ઉદાહરણો આપીને કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની વાતને સચોટ અને અસરકારક રીતે મૂકી શકતા હતા.

વાસુદેવ મહેતાના જીવન-કવન અને પ્રદાન વિશે ચર્ચા કરતાં જાણીતા પત્રકાર રમેશ તન્નાએ જણાવ્યું હતું કે 80 વર્ષના પોતાના આયખામાં તેમણે આશરે 55 વર્ષ સક્રિય પત્રકારત્વ કર્યું હતું. તેઓ એક એવા પત્રકાર હતા જેમણે પોતાની રાજકીય સમીક્ષા દ્વારા વાચકોના રાજકીય મતનું ઘડતર કર્યું હતું. પત્રકાર અને કટારલેખક તરીકે તેમણે ખૂબ જ મહેનત કરીને સજ્જતા કેળવી હતી. 196 વર્ષના ગુજરાતી પત્રકારત્વની સફરમાં આગલી હરોળના 15-20 પત્રકારોનાં નામો નક્કી કરવાં હોય તો તેમાં અચૂક નામ મૂકવું પડે તેવું માતબર અને નોંધપાત્ર તેમનું પ્રદાન હતું.

વાસુદેવ મહેતાના દીકરા અને નિવૃત્ત ન્યાયમૂર્તિ (એજ્યુકેશન ટ્રિબ્યનલ) ધ્રુવમન મહેતાએ તેમના પિતાનાં રસપ્રદ સ્મરણો વાગોળીને વાસુદેવ મહેતાના વ્યક્તિત્વની બીજી બાજુ રજૂ કરી હતી. ગુજરાત દર્પણના સ્થાપક તંત્રી સુભાષ શાહે જણાવ્યું કે અમે આ વ્યાખ્યાનમાળા સાથે જોડાઈ શક્યા તેનો અમને આનંદ છે. પ્રફુલ્લ ભારતીયે જણાવ્યું કે વાસુદેવ મહેતાનું પ્રદાન લાંબો સમય યાદ રહેશે. તેમણે અમેરિકાસ્થિત સુભાષ શાહની સાહિત્યિક સેવાઓને બિરદાવી હતી. કાર્યક્રમનું સંચાલન જશુ કવિએ કર્યું હતું. કાર્યક્રમમાં ચંદ્રકાન્ત શેઠ, અરુણ શાહ, ભૂતપૂર્વ મંત્રી રોહિત પટેલ, સુભાષ શાહ (અમેરિકા) જયંતિ દવે, ભૂપત પારેખ, શૈલેષ પરીખ, હિંમત શાહ, મહેશ જોશી, ભિખેશ ભટ્ટ, રોહિત શાહ સહિત મોટી સંખ્યામાં સાહિત્યરસિકો ઉપસ્થિત રહ્યા હતા.