સત્તા જ સર્વસ્વ’ના આહલેક સાથે કર્ણાટક ભાજપની ઝોળીમાં

0
949

કર્ણાટક વિધાનસભાની મે 2018ની ચૂંટણીમાં ના તો કોઈ ભાજપી આંધી ચાલી કે ના વાવાઝોડું આવ્યું. વર્ષ 2008માં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને 224માંથી 110 બેઠકો મળી હતી. આ વખતે જે ચૂંટણી થઈ એમાં 222માંથી 104 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપ ઊપસી આવ્યો. મોસાળમાં મા પીરસનારી હોય એ ન્યાયે રાજ્યપાલ વજુભાઈ વાળા તરફથી બી. એસ. યેદિયુરપ્પાને સરકાર બનાવવાનું નિમંત્રણ મળતાં જ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાનું નિશ્ચિત બન્યું. ચૂંટણી પછી તકવાદી જોડાણ કરીને કોંગ્રેસ (78) અને જનતા દળ-સેક્યુલર(37) સાથે મળીને બહુમતી સાથે જેડી-એસના નેતા એચ. ડી. કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવાનો દાવો રજૂ કરાયો. પાર્ટી વિથ અ ડિફરન્સનો દાવો કરનારા ભાજપ થકી વિપક્ષમાં તોડફોડ કરીને ધારાસભામાં બહુમતી કરી લેવાનું આયોજન થયું છે. કોંગ્રેસ અને જેડી-એસના કેટલાક ધારાસભ્યો ભાજપ સાથે છાનગપતિયાં કરવા માંડ્યા છે. બુધવારની મધરાત પછી કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ પરમેશ્વરન અને ભાજપના ત્રણ ધારાસભ્યો થકી સુપ્રીમ કોર્ટમાં ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠ સામે યેદિયુરપ્પાને રાજ્યપાલ તરફથી મુખ્યમંત્રીપદના શપથ લેવા માટે મળેલા નિમંત્રણને મનાઈહુકમ આપવા અને નહિ આપવાના મુદ્દે જોરદાર દલીલો થઈ અને અંતે સુપ્રીમે મનાઈહુકમ આપવાનો ઇનકાર કર્યો એટલે ગુરુવાર, 17 મેની વહેલી સવારે યેદિયુરપ્પાને રાજ્યપાલે મુખ્યમંત્રીપદના શપથ લેવડાવી દીધા. એક પખવાડિયામાં મુખ્યમંત્રીએ વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાની છે. એમાં કોંગ્રેસ અને જેડી-એસને તોડીને ભાજપ સફળ થાય એ હવે લગભગ નિશ્ચિત લાગે છે.
આફતને અવસરમાં ફેરવવાની મોદીની કુશળતા
ચૂંટણી પરિણામના દિવસે, 15 મેના રોજ, કોંગ્રેસને ટેકો આપનાર કર્ણાટક પ્રજ્ઞાવંત જનતા પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય આર. શંકરનું અડધી રાતે હૃદયપરિવર્તન થયું. બીજે દિવસે ભાજપનો ખેસ પહેરી રાજભવન જઈને ભાજપને ટેકાનો પત્ર પણ આપી બેઠા હતા. ગુરુવારે ફરી એમનો આત્મા કોંગ્રેસ ભણી વળ્યો. જે રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે, એમાંથી મૂળ ભાજપી ગોત્રના કોંગ્રેસી ધારાસભ્ય આણંદ સિંહ અને બીજા એક ધારાસભ્ય અદશ્ય થયાના સમાચાર છે. શુક્રવારે સવારે સુપ્રીમ કોર્ટમાં ભાજપે તેના 104 ઉપરાંત કયા ધારાસભ્યોનો તેમને ટેકો છે એની યાદી રજૂ કરવાની આવે ત્યારે કોંગ્રેસ અને જેડી-એસમાંથી કોણ ફૂટેલા છે, એ ધ્યાને આવી શકે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના હાલ ગાડી ચૂકેલા વરરાજા કુમારસ્વામીએ તો દાવો પણ કર્યો કે ભાજપ જેડી-એસના ધારાસભ્યોને તોડવા માટે 100-100 કરોડ રૂપિયા અને મંત્રીપદાંની ઓફર કરી રહ્યો છે. 2008 પછી દક્ષિણનાં રાજ્યોમાં પોતાની મેળે પ્રવેશ મેળવવાનો ભાજપનો રાજમાર્ગ ફરી એક વાર ખૂલી ગયો છે. જોકે કર્ણાટક મેળવવાની મથામણ સામે આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટી સાથેનું જોડાણ તૂટતાં ભાજપ માટે લોકસભાની ચૂંટણી માટે કપરાં ચઢાણ જરૂર અનુભવાઈ રહ્યાં છે. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સહિત તમામ રાજ્યોની પેટાચૂંટણીઓનાં પરિણામ વિપક્ષને ફાળે જતાં ભાજપની મુશ્કેલી વધી છે. જોકે ભાજપના નેતા નરેન્દ્ર મોદી આફતને અવસરમાં ફેરવી નાખવા માટે જાણીતા છે.
વર્ષ 2008માં તો મુખ્યમંત્રી બનવા માટે બહુમતી અંકે કરવા યેદિયુરપ્પાએ પાંચ પૂંછડિયા ધારાસભ્યોને મંત્રીપદ આપવાં પડ્યાં હતાં છતાં પાંચ વર્ષની મુદત પૂરી કરી શક્યા નહોતા. અગાઉના દાયકાઓમાં ઉત્તર ભારતે પણ જ્યારે કોંગ્રેસને જાકારો આપ્યો, ત્યારે કર્ણાટક કોંગ્રેસની પડખે અડીખમ રહ્યું હતું. આ વખતે પણ એની સ્થિતિ 2008 જેવી જ રહી છે. કર્ણાટકમાં સત્તા પ્રાપ્ત થતાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભાજપને વર્તાતો પરાજયનો ડર હાલ પૂરતો તો ટળી ગયાનો દાવો કરાય છે. આગામી લોકસભાની મે 2019માં યોજાનારી ચૂંટણી આ ત્રણ રાજ્યો ઉપરાંત મિઝોરમની વિધાનસભાની ચૂંટણી સાથે જ ડિસેમ્બર 2018માં યોજવી કે મે 2019માં જ નિર્ધારિત સમયે જ થવા દેવી, એની વિચારણા ભાજપની નેતાગીરીએ આરંભી દીધી છે. એનડીએ વિરુદ્ધ વિપક્ષો મળીને સંયુક્ત મોરચો બનાવે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કપરાં ચઢાણ છે.
વાત નીતિમૂલ્યોની, આચરણ તો સત્તાપિપાસાનું
છેલ્લી ચૂંટણી પછી ગુજરાત વિધાનસભામાં ભાજપને પાતળી બહુમતી મળી અને સરકાર બનાવી. કર્ણાટકમાં તમામ પક્ષો હવે નીતિમૂલ્યોની વાત ભલે કરે, આચરણ તો સત્તાપિપાસાનું જ છે. ગોવા અને મણિપુરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે ઊપસી આવ્યા છતાં ભાજપ થકી સરકાર બનાવાય એ માટે રાજભવને નિમંત્રણ આપ્યું હતું. હકીકતમાં સૌથી મોટા પક્ષને નિમંત્રણ અપાય અથવા ચૂંટણી પહેલાં જોડાણમાં આવેલા પક્ષોને બહુમતી મળે તો તેમના જોડાણને સરકાર રચવા માટે આમંત્રણ અપાય એ પરંપરા રહી છે. છતાં અગાઉ કોંગ્રેસે અને હવે ભાજપ થકી આ પરંપરાઓનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કર્ણાટકના જ મુખ્યમંત્રી એસ. આર. બોમ્માઈના કેસમાં સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાનો આધાર લઈને હવે ભાજપ વિધાનસભામાં પોતે બહુમતી સાબિત કરવાનો દાવો કરે છે.
ગુજરાતી વિરુદ્ધ કન્નડ અસ્મિતા અને લિંગાયત કાર્ડ ના ચાલ્યાં
કોંગ્રેસના લિંગાયત ધારાસભ્યો અને જેડી-એસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં રહીને કોંગ્રેસ-જેડી-એસનો ખેલ બગડવાની વેતરણમાં છે. આજીવન કોંગ્રેસી મંત્રી રહેલા નાગપુરના ખ્રિસ્તી નેતા એન. કે. પી. સાળવેના બંધારણવિદ પુત્ર હરીશ સાળવે કર્ણાટકમાં ભાજપને સરકાર રચવા માટે નિમંત્રણ અપાય એવો આગ્રહ સેવી રહ્યા છે, એ જ વિધિની વક્રતા લેખવી પડે. પોતપોતાને અનુકૂળ રીતે બંધારણનાં અર્થઘટનો કરીને યેનકેન પ્રકારેણ સત્તા પ્રાપ્ત કરવાના પ્રયાસ થાય છે. ગુજરાતના મુખ્યમંત્રીમાંથી વડા પ્રધાન સુધીની નરેન્દ્ર મોદીની મજલ અંગે પણ કોંગ્રેસ થકી કર્ણાટક ચૂંટણીમાં પ્રહારો થયા. કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી રહેલા સિદ્ધરામૈયાએ તો કર્ણાટકની પ્રજા કંઈ ગુજરાતીઓ જેવી નહિ હોવાની વાત કરી, પણ એમની કન્નડ અસ્મિતાને જગાડવાની વાતને કે લિંગાયત કાર્ડ ખેલવાને ઝાઝો પ્રતિસાદ નહિ મળતાં પક્ષ બહુમતીને આંબી શક્યો નહિ. કુમારસ્વામીએ પણ મોદી, શાહ અને વાળાની ગુજરાતી ત્રિપુટીને કેન્દ્રમાં રાખીને યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવવાને ગુજરાતી બિઝનેસ તરીકે ઓળખાવવાની વાત કરી. ગુજરાતી વિરુદ્ધ કન્નડ અને લિંગાયત લઘુમતી કાર્ડ થકી રાજ્ય પર ફરી સત્તા હાંસલ કરવાની કોંગ્રેસ અને જેડી-એસની મંસા બર આવી નથી. રખે ભૂલીએ કે વર્ષ 2013માં પ્રાદેશિક પક્ષના નેતા યેદિયુરપ્પાએ લિંગાયતોને હિન્દુ ધર્મથી નોખી ધાર્મિક લઘુમતી જાહેર કરવાના આવેદનપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. યેદિયુરપ્પા લિંગાયત છે. સિદ્ધરામૈયા કુરબા ગોવડા એટલે કે યાદવ-ધનગર-આહીર એટલે કે ગોપાલક સમાજના છે. કુમારસ્વામી વોક્કાલિંગા સમાજના છે.
મોદી-શાહની જોડીનું મહત્ત્વનું યોગદાન
કેન્દ્ર અને દેશનાં 21 રાજ્યોમાં ભાજપ અને મિત્ર પક્ષોની સરકારો સ્થપાઈ એનો સંપૂર્ણ યશ ગુજરાતના ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત બનેલા નરેન્દ્ર મોદીની વ્યૂહરચનાને ફાળે જ જાય છે. સમગ્રપણે સંઘ પરિવાર અને ભાજપના સંગઠનને સક્રિય કરીને સામ, દામ, દંડ અને ભેદ થકી વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નેતૃત્વમાં ભાજપની વિજયપતાકા ચારે દિશામાં લહેરાઈ રહી છે. આવતા દિવસોમાં ભાજપના મોદીના નેતૃત્વ સામે લોકસભા ચૂંટણીમાં વિપક્ષી પડકાર ઊભો કરવા માટે બીજા અને ત્રીજા મોરચાનાં વિભાજનો નિરર્થક સાબિત થઈ શકે એટલે અત્યારથી સંયુક્ત વિપક્ષી મોરચાના વડા પ્રધાનનો કોઈ ઉમેદવાર જાહેર કરવાને બદલે પહેલાં તો સંયુક્ત મોરચો મજબૂત કરીને જંગમાં કાં જીત મેળવવા કે ખપી જવાના સંકલ્પ સાથે લોકસભાની ચૂંટણી લડવા વિપક્ષે સજ્જ જવું પડશે. અન્યથા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી રહેલા ઓમર અબદુલ્લાએ કહ્યું છે તેમ 2019ની લોકસભાની ચૂંટણી ભૂલીને વિપક્ષે 2024ની જ તૈયારી કરવાની રહેશે. કેન્દ્રમાં ભાજપના વડપણવાળી મોદી સરકારની લોકપ્રિયતા ઘટી રહ્યાના સંકેત મળતા હોવા છતાં વિપક્ષો વેરવિખેર હોવાને કારણે તથા કેન્દ્રની એજન્સીઓ ભાજપ હસ્તક હોવાને કારણે ધાર્યું કરવી શકે છે.
2007થી 2013 દરમિયાન ભાજપનેતા યેદિયુરપ્પા બબ્બે વાર મુખ્યમંત્રી બન્યા તો ખરા, પણ પહેલી વાર માત્ર સાત દિવસ માટે અને બીજી વાર 3 વર્ષ અને 62 દિવસ માટે જ એ મુખ્યમંત્રી રહ્યા. પછી તો ભ્રષ્ટાચાર પ્રકરણોમાં જેલવાસ પણ ભોગવી આવ્યા. ભાજપ સાથે છેડો ફાડીને પ્રાદેશિક પક્ષ રચી જોતાં ભાજપને પરાજિત કરી કોંગ્રેસના સિદ્ધરામૈયાને મુખ્યમંત્રી બનાવવાની મોકળાશ કરી આપવા જેટલો સંતોષ જરૂર લઈ શક્યા.ભાજપના મોદીયુગમાં એમની ઘરવાપસી પછી લોકસભે જઈ આવીને હવે ત્રીજી વાર મુખ્યમંત્રીની ખુરશી પર આરૂઢ થવાનો રૂડો અવસર આવ્યો છે. કર્ણાટક ભાજપમાં આંતરકલહ ઓછો નથી. અગાઉ 2008થી 2013 દરમિયાન ભાજપના જ યેદિયુરપ્પા, ડી. વી. સદાનંદ ગોવડા અને જગદીશ શેટ્ટર એમ ત્રણ-ત્રણ મુખ્યમંત્રી જોવાનો વારો આવ્યો હતો. હવે મોદી-શાહની નેતાગીરી થકી એવા સંજોગો હાલપૂરતા ટળી ગયાનું માનવા પ્રેરાઈએ છીએ.
ભાજપને 2008 જેટલા મત કે બેઠકો ના મળી
આ વખતની ચૂંટણીમાં ભાજપને 36.2 ટકા મત સાથે 104 બેઠકો મળી. કોંગ્રેસને 38 ટકા મત મળ્યા, પણ બેઠકો 78 જ મળી, જયારે જેડી-એસને 18.4 ટકા મત સાથે 38 બેઠકો મળી. વર્ષ 2008માં ભાજપને આ વખતની જેમ જ કોંગ્રેસ કરતાં ઓછા મત મળ્યા છતાં વધુ બેઠકો મળી હતી. એ વખતે ભાજપને 33.86 ટકા મત સાથે 110 બેઠકો મળી હતી, જ્યારે કોંગ્રેસને 35.13 ટકા મત સાથે 80 બેઠકો તથા જેડી-એસને 19.44 ટકા મત સાથે 28 બેઠકો મળી હતી. 2008ની તુલનામાં આ વખતે મતદાન થોડું વધુ થયું,પણ ભાજપ થકી અત્યંત આક્રમક પ્રચાર કરવા ઉપરાંત કેન્દ્ર સહિત દેશનાં બહુમતી રાજ્યોમાં ભાજપ અને મિત્રપક્ષોની સરકારો હોવા છતાં ભાજપને 2008માં મળી હતી એટલી બેઠકો પણ ના મળવી એ પક્ષ માટે ચિંતા અને ચિંતનનો વિષય જરૂર છે.
સંયુક્ત વિપક્ષી મોરચો જ ભાજપને હરાવી શકે
કોંગ્રેસ અને જેડી-એસ બન્ને સાથે મળીને ચૂંટણી લડે, એવી પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની સલાહ બન્ને પક્ષના નેતાઓએ કાને ધરી હોત તો ભાજપની અવસ્થા ભૂંડી થઈ હોત. જોકે હવે તો અબ પછતાયે હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત જેવી સ્થિતિ છે, પણ હજી વિપક્ષો બોધપાઠ લઈને આગામી લોકસભાની ચૂંટણી સાથે મળીને લડે તો ભાજપને પરાસ્ત કરવાની ક્ષમતા જરૂર ધરાવે છે. એમાંય પાછા ચૂંટણી પહેલાં વડા પ્રધાન કોણ થાય એ વિવાદમાં ના પડે તો. એ પહેલાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢને ફરી પોતાના કબજામાં લાવવાના ભાજપી પ્રયાસ સામે વિપક્ષી એકતાને સુવર્ણ તક છે. મિઝોરમ કોંગ્રેસના શાસન તળે ઘણા લાંબા વખતથી છે. વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ આ ખ્રિસ્તી-બહુલ રાજ્યને એનડીએના છત્ર તળે લાવવા આસમાની સુલતાની આદરશે. ચાર રાજ્યોમાં કોંગ્રેસ અને વિપક્ષો સંગઠિત મોરચો રચીને લોકસભાની મે 2019માં અપેક્ષિત ચૂંટણીમાં ભાજપ અને મિત્રપક્ષોને પછાડવાનું રિહર્સલ કરી શકે.

લેખક સરદાર પટેલ સંશોધન સંસ્થા-સેરલિપના સંસ્થાપક નિયામક અને પ્રાધ્યાપક તથા ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે.