સગીરા બળાત્કાર કેસમાં આસારામને આજીવન કેદ અને બે અન્ય ગુનેગારોને 20 વરસની કેદની સજા

0
764

ઉત્તરપ્રદેશની શાહજહાપુરની દલિત કિશોરી પર બળાત્કારના મામલે જોધપુરની ખાસ અદાલતે આજે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને સખત સજા ફટકારી હતી. હાલમાં જોધપુરની જેલમાં સજા ભોગવી રહેલા આસારામને આજીવન કારાવાસ અને તેમને સહાય કરનારા તેમના સાથીદારો શિલ્પી અને સરદચંદ્રને વીસ વીસ વરસની જેલની સજા કરવામાં આવી હતી. આસારામના ભક્તો કે સમર્થકો કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ના કરે કે ધાંધલ ધમાલ ના કરે એ ધ્યાનમાં  રાખીને જેલમાંજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. ગયા વરસે ઓગસ્ટ મહિનામાં ગુરમિત રામ- રહીમ કેસમાં ચુકાદો આવ્યા બાદ ઠેર ઠેર હિંસાની ઘટનાઓ અને તોફાનો થયા હોવાથી વહીવટીતંત્રે અગમચેતી જાળવીને પહેલેથી જ જેલની બહાર કડક બંદોબસ્ત ધરાવતી સુરક્ષા ગોઠવી હતી. આસારામના કેસનો ચુકાદો સંભળાવનાર ન્યાયાધીશ મધૂસૂદન શર્માએ આસારામને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કોે, આસારામનો ગુનો ખૂબ જ ઘૃણાસ્પદ છે. તેમને મૃત્યુ સુધી જેલમાં જ રહેવું પડશે. આસારામને પોક્સો અને એસસી- એસટી એકટ સહિ્ત ભારતીય દંડસંહિતાની 14 કલમો હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.