સંસદ કે વિધાનસભા કદી રાજકારણમાંથી અપરાધીકરણને મુક્ત નહિ કરેઃ સુપ્રીમ કોર્ટ 

 

      સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જણાવ્યું હતું કે, અમને પૂરતો વિશ્વાસ છે અને એ બાબતનો અફસોસ પણ છે કે, દેશના રાજકીય પક્ષો કદી પણ અપરાધીકરણને રોકવા માટે કશું જ નહિ કરે. રાજનીતિમાંથી અપરાધીકરણને મુક્ત કરવા માટે કોઈ કાયદો ઘડવામાં કે કાનૂન બનાવવામાં કોઈને પણ લેશમાત્ર રસ નથી.  અફસોસની વાત તો એ છે કે, અમે આ અંગે કશું કરી શકીએ તેમ નથી. અમે કોઈ કાનૂન બનાવી શકતા નથી. અમે તમામ રાજકીય પશ્રોને અનુરોધ કરીએ છીએ કે જે ઉમેદવારોની વિરુધ્ધ આરોપ ઘડવામાં આવ્યા હોય તેઓની સામે કાર્યવાહી કરે. 

      જસ્ટિસ આર. એફ. નરીમાન અને જસ્ટિસ બી. આર. ગવઈની ખંડપીઠે કહ્યું હતું કે, સરકારની કાનૂની શાખા કાયદો લાવવા માટે કોઈ પગલાં લેવામાં રસ ધરાવતી નથી. અત્યાર સુધીમાં કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા કશું કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે અનાદરના આ મામલામાં ભાજપ, કોંગ્રેસ, બસપા, લોકદલ જનતા પાર્ટી, માર્કસવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી સહિત વિવિધ રાજકીય પક્ષોના વકીલોની રજૂઆતને સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલામાં આદેશ આપવા અંગે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટની ખંડપીઠ વકીલ બ્રિજેશ સિંહ દ્વારા દાખલ કરવામાં આવેલી અનાદરની અરજીની સુનાવણી કરતી હતી. જેમાં 2020માં બિહારની વિધાનસભાની ચૂંટણીઓ દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશનું જાણી જોઈને પાલન નહિ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 

  સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, રાજકારણમાંથી અપરાધના તત્વને દૂર કરવા માટે આજ દિન સુધી કશું જ કરવામાં આવ્યું નથી અને ભવિષ્યમાં પણ કશું જ કરવામાં નહિ આવે. પોતાના આદેશોનું પાલન નહિ થવા અંગે સર્વોચ્ચ અદાલતે નારાજગી વ્યક્ત કરી હતી. આ કેસમાં ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત રહેલા વકીલે જણાવ્યું હતું કે, બિહારની ચૂંટણીમાં ગુનાહિત ઈતિહાસ ધરાવતા 427 ઉમેદવાર હતા. રાષ્ટ્રીય જનતા દળ- રાજદળના 104 ઉમેદવારો હતા અને ભાજપના 77 ઉમેદવારો હતા.