સંસદ આદેશ આપશે તો પીઓકે કબજો લેવા કાર્યવાહી કરીશુંઃ આર્મી ચીફ નરવણે

નવી દિલ્હીઃ દેશના નવા આર્મી ચીફ જનરલ મુકુંદ નરવણેએ ગુલામ કાશ્મીરને લઈને કહ્યું હતું કે જો સંસદની ઇચ્છા હશે તો સેના જરૂર કાર્યવાહી કરશે. આ એક સંસદીય સંકલ્પ છે કે પીઓકે ભારતનો ભાગ છે. જો સંસદે કહ્યું છે તો પીઓકે આપણું થવું જોઈએ અને અમને એ ઉદ્દેશથી આદેશ આપવામાં આવે તો એ માટે યોગ્ય કાર્યવાહી કરીશું.
શનિવારે પોતાની પહેલી પ્રેસ-કોન્ફરન્સમાં સેનાપ્રમુખ જનરલ મુકુંદ નરવણેએ કહ્યું હતું કે સિયાચીન ભારત માટે અગત્યની ભૂમિકા ભજવે છે. સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે, સુરક્ષાની સાથે કોઈપણ પ્રકારનું સમાધાન નહિ કરવામાં આવે.
સીડીએસને મહત્ત્વપૂર્ણ પગલું હોવાનું જણાવતાં આર્મી ચીફે કહ્યું હતું કે એનાથી સેનાને વધુ તાકાત મળશે. સેનાની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જરૂરી છે, અમે ભવિષ્યના પડકાર અને ભયને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ કરીશું અને પ્રાથમિકતાના ધોરણે બજેટનો ઉપયોગ કરીશું.
અમે ક્વોન્ટિટી પર નહિ, પણ ક્વોલિટી પર ફોકસ કરીશું. પુંછ સેક્ટરમાં પાકિસ્તાન સેના દ્વારા બે નિઃશસ્ત્ર નાગરિકોની હત્યા પર નરવણેએ કહ્યું હતું કે અમે આ પ્રકારની બર્બર પ્રવૃત્તિનો સહારો ક્યારેય નહિ લઈએ અને અમે સેનાને છાજે એવી રીતે લડીએ છીએ. પાકિસ્તાનની આ કાયરતાનો જવાબ સૈન્યની ભાષામાં આપીશું.
ભારતીય સેના પહેલાંની સરખામણીએ વધારે મજબૂત છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂથી સૈન્ય બાબતોના વિભાગનું નિર્માણ એકીકરણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવે છે અને પોતાની તરફથી એ સુનિશ્ચિત કરીશું કે એ સફળ રહે. પાકિસ્તાન અને ચીન સરહદે સેનાને સંતુલિત કરવાની જરૂરિયાત પર નરવણેએ કહ્યું હતું કે સંતુલનની જરૂર છે, કારણ કે ઉત્તર અને પશ્ચિમ બંને સરહદ પર એક સરખું ધ્યાન આપવાની જરૂર છે.