સંસદમાં વિપક્ષે સર્જેલા વિક્ષેપના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસનો પ્રતીક ઉપવાસ કરશે

0
409

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો સાવ નિષ્ક્રિયતા ભરેલો રહ્યો હતો. વિપક્ષ દેવારા સંસદના ગૃહમાં વારંવાર ધાંધલ- ધમાલ થવાને કારણે ગૃહનું કામકાજ સુપેરે ચાલી શક્યું નહોતું. સરકાર અનેક મહત્વના બિલ પસાર કરી ના શકી. કોઈ ચર્ચા કે કાર્યવાહી હાથ ના ધરાઈ. લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને વારંવાર વિનંતીઓ કરી તે છતાં વિરોધપક્ષે અરાજકતા ફેલાવવાનું બંધ ના કર્યું. સંસદમાં વિરોધ પક્ષનાઆ અણછાજતા વર્તનના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી આગામી 12 એપ્રિલે એક દિવસના પ્રતીક ઉપવાસ કરીને વિરોધ પક્ષને શાતિની અહિંસક ભાષામાં ઉત્તર આપશે. આ પ્રતીક ઉપવાસ એ એક પ્રકારનો શાંતિપૂર્ણ મૌન પ્રતીકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ કર્ણાટકના હુબલીમાં સાંકેતિક ધરણા કરશે એવી માહિતી આપવામાં આવી હતી. જયારે ભાજપના અન્ય સંસદશબ્યો દેશના વિવિધ  વિસ્તારોમાં ઉપવાસનું આયોજન કરી રહ્યા છે. આ અગાઉ કોંગ્રેસ પક્ષના કાર્યકરો પક્ષ પ્રમુખ રાહુલ ગાધીની આગેવાનીમાં નવી દિલ્હીમાં રાજઘાટ સાથે એક દિવસના પ્રતીક ઉપવાસમાં જોડાયા હતા. ભારતમાં દલિતો સામે સરકાર દ્વારા આચરવામાં આવતા અત્યાચારનાો વિરોધ કરવા માટે કોંગ્રેસે પ્રતીક ઉપવાસનું આયોજન કર્યું હતું.

ભાજપના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર, સંસદમાં વિરોધ પક્ષના વિક્ષેપને કારણે દેશને થયેલા નુકસાનથી ભાજપ ચિંતિત છે. આ નુકસાન બાબત સમગ્ર દેશને જાણ કરવાનો ભાજપનો આશય છે. સંસદમાં જરૂરી કાર્યવાહી થઈ શકી નહિ, જેને કારણે  રાષ્ટ્રને નુકસાન થયું છે. આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ 5મી માર્ચથી અત્યારસુધી ચાલેલા બજેટ સત્રનો પોતાનો પગાર નહિ લે. એની સથે સાથે એનડીએના તમામ સંસદસભ્યોએ પોતાનો 23 દિવસનો પગાર નહિ લેવાનો નિર્ણય લીધો છે. સંસદમાં કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષોના વિરોધ પ્રદર્શનને કારણે સંસદની કાર્યવાહી થઈ શકી નહોતી. સંસદના બન્ને ગૃહો – લોકસભા અને રાજ્યસભામાં ધાંધલ-ધમાલ માટે ભાજપના કેન્દ્રીય પ્રધાન અનંતકુમારે કોંગ્રેસને જવાબદાર ઠેરવી હતી.