
હવે ફરી પાછી દેશની સંસદીય ગતિવિધિઓ જીવંત થઈ રહી છે… સંસદીય ચોમાસુ સત્રનો પ્રારંભ થતા સંસદનું સભાગૃહ ફરી પાછું શાસક પક્ષ અને વિપક્ષોની ચર્ચાથી ગુંજતુ ને ગાજતું થઈ જશે. પરસ્પર વિરોધ, નારાબાજી ને આક્ષેપ- પ્રતિ આક્ષેપ નો દોર શરૂ થઈ જશે. સંસદીય લોકશાહી ધરાવતા રાષ્ટ્રમાં સંસદ જ સર્વોપરી ગણાય છે. સંસદ જનતાના હિત અને સલામતી, વિકાસ અને પ્રગતિ- વગેરેને ધ્યાનમાં રાખીને કાનૂન બનાવે છે. આ સંસદ જ સાચા અર્થમાં દેશના નાગરિકોના સુખદુખની એમના સુરક્ષિત ને સુખકારી જીવનની રખેવાળ બને છે. આ સંસદ હવે 19 જુલાઈથી પોતાનું કામકાજ પુન શરૂ કરવાની છે. સંસદીય બાબતો માટેની કેબિનેટ કમિટીએ એ અંગે ભલામણ કરી હતી. હવે આ સત્ર દરમિયાન લગભગ એક મહિના સિધી ચાલનારા ચોમાસુ સત્રમાં કુલ 20 બેઠકો યોજાશે. ચોમાસુ સત્ર દરમિયાન તમામ સંસદ પરિસરમાં કોરોના અંગેના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. સત્રમાં ઉપસ્થિત રહેનારા સંસદ સભ્યોએ કમસેકમ વેકસિનનો એક ડોઝ લીધો જ હશે. લોકસભાના અધ્યક્ષ ( સ્પીકર) ઓમ બિરલાએ 18મી જૂનના એક વકતવ્યમાં જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર માટેની તમામ જરૂરી તૈયારીઓ સંપન્ન થઈ છે. 445 સંસદસભ્યોને કોરોના- વેકસિન આપવામાં આવી ચુકી છે. સચિવાલયના તમામ કર્મચારીઓને પણ વેકસીન અપાઈ ગઈ છે. જે સંસદસભ્યો કે સંસદના કર્મચારીને વેકસીન આપવાનું રહી ગઈ ગયું હશે તેમને બધાને વેકસિન આપી દેવામાં આવશે.
દરમિયાન મોદી સરકારે ચોમાસુ સત્રમાં પસાર કરવા આવનારા વિધેયક ( ખરડા- બિલ) અંગેનું આયોજન કરી લીધું છે. કોરોનાની બીજી લહેર આવવાને કારણે 40થી વધુ ખરડા ( બિલ) અને 4થી વધુ અદ્યાદેશ મુલતવી રાખવામાં આવ્યા હતા. કોરોનાને કારણે 2020ના સમયગાળામાં આખું શિયાળુ સત્ર રદ કરવામાં આવ્યું હતું.