સંશોધનકર્તાઓનો દાવો, ૩૧ જુલાઈ સુધી ભારતમાં સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ જશે કોરોના

 

નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાઇરસના વધતા કેસો વચ્ચે એક રિસર્ચ રિપોર્ટ ભારતીય લોકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે વિશ્વમાંથી કોરોના ૯ ડિસેમ્બરે સમાપ્ત થઈ જશે. તો ભારતમાં ૩૧ જુલાઈ સુધી કોરોના સંપૂર્ણ રીતે સમાપ્ત થવાની સંભાવના છે. સંશોધનકર્તાઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ડેટાના વિશ્લેષણના આધાર પર આ દાવો કર્યો છે. 

સંશોધનકર્તાઓએ આ મહામારીના ખતમ થવાના ત્રણ અનુમાનિત સમય દર્શાવ્યા છે. તે અનુસાર, વિશ્વમાંથી ૯૭ ટકા સુધી કોરોના ૨૯ મે સુધી અને ૯૯ ટકા ૧૫ જુન સુધી અને ૧૦૦ ટકા ૨૬ નવેમ્બર સુધી સમાપ્ત થઈ જશે. આ અનુમાન દરેક દેશનું હવામાન, ત્યાં કોરોનાની સ્થિતિ, મોતની સંખ્યા અને સ્વસ્થ થયેલા દર્દીઓની સંધ્યાના આધાર પર લગાવવામાં આવ્યું છે. 

સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી એન્ડ ડિઝાઇનના આ મોડલમાં કોરોના વાઇરસની લાઇફ સાયકલનો ઉપયોગ કરતા તેને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે. સ્ટડીમાં રિસર્ચરોએ સંબંધિત દેશોમાં મહામારીને રોકવા માટે ભરવામાં આવેલા પગલાંનું મૂલ્યાંકન કરતા ભવિષ્યવાણી કરી છે. 

જો કોરોનાની દરરોજ વધવાની ગતિ આવી જ રહી, જે અત્યારે છે- એટલે કે ૭.૮ ટકા, તો આગામી સપ્તાહે કુલ કેસ ૪૭,૧૮૬ હશે. જો ગ્રોથ રેટ ૧ ટકાથી વધુ રહ્યો તો આ આંકડો ૫૦,૩૩૬ પહોંચી જશે. જો હાલની ગતિમાં ૧ ટકાનો ઘટાડો થયો તો આગામી સપ્તાહ સુધી દેશમાં કોરોનાના કુલ મામલા ૪૪,૨૦૬ થઈ જશે.

ભારતમાં ૧૭ માર્ચે કોરોના વાઇરસનો ડેલી ગ્રોથ રેટ ૧૬.૧ હતો. ૨૩ માર્ચ બાદ તે સૌથી ઉપરના સ્તર ૨૪.૮ ટકા પર પહોંચ્યો હતો. એપ્રિલના પ્રથમ સપ્તાહથી કોરોનાનો ગ્રોથ રેટ કેટલાક અપવાદોને છોડતા સતત ઘટી રહ્યો છે, જે ૨૬ એપ્રિલ એટલે કે રવિવારે ૭.૮ ટકા પર પહોંચ્યો હતો. 

જો  SUTD ભવિષ્યવાણી સાચી સાબિત થઈ તો આ ભારત માટે રાહતના સમાચાર હશે. સ્ટડી પ્રમાણે, ભારતમાં ૨૪ મે સુધી કોરોના વાઇરસ ૯૭ ટકા સમાપ્ત થઈ જશે. ૨૦ જૂન સુધી ૯૯ ટકા ખતમ થઈ જશે. તેને સંપૂર્ણ રીતે નાબુદ થવામાં ૩૧ જુલાઈ સુધીનો સમય લાગશે