

આજે ફ્રાંસના મેરિનિયાકમાં ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલાં 36 રાફેલ યુધ્ધ વિમાનની સિરિઝનું પહેલું રાફેલ વિમાન ભારતને સોંપવાની ઔપચારિકતાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે તેમના સમકક્ષ ફલોરેન્સ પાર્લે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દશેરાનો પુનિત તહેવાર હોવાથી રાજનાથ સિંહે ઓમ લખીને વિમાનની શસ્ત્ર પૂજા કરી હતી. ત્યારબાદ જયારે વિમાનનું ઉડ્ડયન કરાયું ત્યારે પણ તેમાં પ્રવાસી તરીકે જોડાયા હતા. આશરે 35 મિનિટ સુધી વિમાન ઉડાડવામાં આવ્યું હતું.
તેમણે મિડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, વિમાનનું ઉડ્ડયન ખૂબજ આરામદાયક હતું. તેમણે જીવનમાં કદી પણ એવું વિચાર્યું નહોતુ કે તેમને આટલા ઝડપી ગતિથી ઉડનારા વિમાનમાં પ્રવાસ કરવાનો મોકો મળશે.
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, આજે દશેરાનો દિવસ છે. બુરાઈ પર ભલાઈના વિજયનો આ દિવસ છે. વળી આજે 87મો એર ફોર્સ ડે પણ છે. એટલે અનેક કારણોને લીધે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે, મને સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાત્રી છે કે, આ વિમાન એના નામંના અર્થપ્રમાણે દરેક પરીક્ષણમાં સફળ નીવડશે. રાફેલ – એક ફ્રેન્ચ શબ્દ છે, જેનો અર્થ થાય છેઃ પવનની લહેર..રાજનાથસિંહે કહ્યું હતું કે, રાફેલ યુધ્ધ વિમાન મેળવવાને કારણે ભારતની વાયુસેના વધુ મજબૂત બનશે.જેના કારણે દેશમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સદા માટે રહેશે.