

સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદે ( સિક્યુરિટી કાઉન્સિલ ઓફ યુનાઈટેડ નેશન્સ ) આતંકવાદીઓ અને આતંકવાદને ફેલાવનારા આતંકવાદી સંગઠનોના નામોની એક સંયુક્ત યાદી પ્રકાશિત કરી હતી. જેમાં 139 નામો પાકિસ્તાન સાથે સંબંધ ધરાવે છે. મંગળવારે રજૂ કરવામાં આવેલી નવી યાદીમાં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદ અને ભારતના નામચીન દાણચોર ભાગેડુ દાઉદ ઈબ્રાહીમના નામનો પણ સમાવેશ થાય છે. એક સમાચાર સંસ્થાના જણાવ્યા અનુસાર, આ યાદીમાં સામેલ કરવામાં આવેલા નામોમાં એ નામ છે કે જે લોકો પાકિસ્તાનમાં રહેતાં હોય અથવા જેમની કામગીરીનું પાકિસ્તાનમાંથી સંચાલન થતું હોય. આતંકી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ કરવામાં આવતો હોય એવી ત્રાસવાદી સંસ્થાઓના નામ પણ આ યાદીમાં સમાવિષ્ટ કરાયાં છે. યાદીમાં સૌપ્રથમ નામ અલ- જવાહિરીનું છે. જેને લશ્કર- એ તોયબાના ઓસામા બિન લાદેનના વારસ ગણવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘનો દાવો છે કે, અયમાન અલ જવાહિરી હજુ પણ પાક- અફઘાનિસ્તાનની સરહદની નિકટના કોઈ સ્થળે જ રહે છે. યાદીમાં અંડરવર્લ્ડના ડોન ગણાતા દાઉદ ઈબ્રાહીમ કાસકરનું પણ વનામ છે. સંયુક્ત રાષ્ટ્રસંધ સુરક્ષા પરિષદના મત પ્રમાણે, દાઉદ જુદા જુદા નામના પાકિસ્તાની પાસપોર્ટ ધરાવે છે. જે પાસપોર્ટ રાવલપિંડી અને કરાચીથી ઈસ્યૂ કરવામાં આવ્યા છે. યાદીમા જણાવેલી માહિતી અનુસાર, કરાચીના નૂરાબાદ વિસ્તારના પહાડી પ્રદેશમાં દાઉદનો રાજમહેલ જેવા વૈભવ ધરાવતો બંગલો છે.
મુંબઈના આતંકી હુમલાઓના સૂત્રધાર હાફિઝ સઈદ અનેક આતંકવાદી કૃત્યો સાથે સંકળાયેલો હોવાથી તેને ઈન્ટરપોલ શોધી રહ્યું છે. હાફિઝ સઈદના સાથીદારો અબ્દુલ સલામ અને ઝફર ઈકબાલના નામો પણ આ યાદીમાં જોવા મળે છે.
પાકિસ્તાનમાં ફૂલીફાલી રહેલા આતંકી સંગઠનોમાં અલ રસીદ ટ્રસ્ય, હરકતુલ મુઝાહિદી્ન, ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન , જૈશ એ મહંમદ.તહરિક- એ તાલિબાન વગેરેનો સમાવેશ થાય છે.