સંતરામ મંદિરમાં પોષી (બોર) પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી

નડિયાદઃ શ્રી સંતરામ મંદિરમાં પોષી (બોર) પૂર્ણિમાની શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો માનવ મહેરામણ સંતરામ મંદિર તરફ આવવાનો શરૂ થઈ ગયો હતો. શ્રદ્ધાળુઓએ યથાશક્તિ બોરની ઉછામણી કરી ભક્તિ અદા કરી હતી. મહંત પૂ. રામદાસજી મહારાજે ભક્તોને આશીર્વાદ પાઠવ્યા હતા. ૨૫૦ વર્ષ કરતાં જૂનો બોર પૂનમનો મહિમા હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પોતાની માનતા પૂર્ણ કરી હતી. નડિયાદ શહેર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નડિયાદ શ્રી સંતરામ મંદિરમાં ઊજવાતી પોષી પૂનમને બોર પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પૂનમનું નામ બોર પૂનમ કેવી રીતે પડ્યું એનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. વર્ષો પહેલાં જ્યારે ‘જય મહારાજ’ જાતે મંદિરમાં બિરાજતા હતા ત્યારે મોટા નારાયણદેવ મંદિરના પૂજારી એકવાર તેમની પાસે આવ્યા હતા અને પોતાનું બાળક પાંચ-સાત વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી બરાબર બોલતું ન હોવાનું જણાવ્યું હતું. એ સમયે જય મહારાજે પૂજારીને કહ્યું હતું કે તમે બાળક બોલતું થઈ જાય એ માટે માત્ર બોર પધરાવવાની બાધા રાખજો. જય મહારાજના એ દિવ્ય શબ્દો સાંભળી પેલા પૂજારીએ મનમાં બાધા રાખી હતી અને થોડા જ સમયમાં તેમના બાળકને વાચા આવી, તે બરાબર બોલતા થઈ ગયું. ત્યાર બાદ પૂજારી પોતાના બાળક સાથે જય મહારાજ પાસે આવ્યો અને આનંદમાં આવી જઈને જય મહારાજના નાદ સાથે બોર ઉછાળી તે નાચવા લાગ્યો. ત્યારથી દર પોષી પૂનમે નડિયાદ સંતરામ મંદિરમાં બોરવર્ષાની ઉજવણી કરાય છે. ૨૫૦ વર્ષ કરતાં વધારે વર્ષોની પરંપરા આજે પણ શ્રદ્ધાળુઓમાં જીવંત છે, જેનાં બાળકો બરાબર બોલતાં ન હોય કે પછી તોતડું બોલતા હોય તે લોકો શ્રી સંતરામ મહારાજની બાધા રાખે છે અને બાળક બરાબર બોલતું થઈ જાય ત્યાર બાદ પોષી પૂનમના દિવસે મંદિર પરિસરમાં બોર ઉછાળે છે.