બોલીવુડના સત્તાવાર સમાચાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેર વર્ષ બાદ સંજય અને રણબીર કપુર એકસાથે કામ કરશે. સંજયે 13 વરસ પહેલાં સાંવરિયા ફિલ્મ બનાવી, તેમાં તેમણે સૌપ્રથમવાર રણબીર કપુરને ઈન્ટ્રોડ્યુસ કર્યો હતો. તેમાં હીરોઈન તરીકે અનિલ કપુરની પુત્રી સોનમ કપુર હતી. જોકે દુર્ભાગ્યે આ ફિલ્મ સદંતર નિષ્ફળ રહી હતી. ટિકિટબારી પર ફિલ્મ ઝાઝુ નિપજાવી શકી નહોતી. આમ છતાં આ ફિલ્મમાં રણબીર કપુરના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. રણબીર કપુરે ત્યારબાદ ફિલ્મ બરફી, જવાની દિવાની, વેઈક અપ સિદ અને રોક સ્ટાર વગેરે ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. આ ફિલ્મોને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. રણબીર કપુરના અભિનયના દર્શકોએ વખાણ કર્યા હતા. એ આ ફિલ્મોની કમર્શિયલ સકસેસને કારણે સુપર સ્ટાર બની ગયો હતો.
સંજય લીલા ભણશાલી એક કલ્પનાશીલ અને સર્જનશીલ ફિલ્મ- સર્જક છે. તેમની દરેક દરેક ફિલ્મ કલાત્મક, મનોરંજક અને યાદગાર હોય છે. ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ, ખામોશી, દેવદાસ, રામ-લીલા,બાજીરાવ મસ્તાની, પદમાવત ટિકિટબારી પર સફળ થઈ છે. તેમના નિર્દેશનમાં કલા- સૂઝ અને ફિલ્મ નિર્માણ અંગેની કોઠા – સૂઝ બન્ને છે. 1950-60નો દાયકો એ ભારતીય ફિલ્મજગતનો સુવર્ણકાળ હતો. આ દાયકા દરમિયાન ઉત્તમ હિન્દી તેમજ પ્રાદેશિક ભાષાની ફિલ્મોનું નિર્માણ થયું હતું. ઉત્કૃષ્ટ નિર્માતાઓ, નિર્દેશકો, કલાકારો, સંગીતકારો, ગાયકો, કથા- લેખકો, સંવાદ- લેખકો- આ સમયગાળામાં રજૂ થયાં હતા. તેમણે પોતાનું ઉમદા યોગદાન આપીને ઉત્તમ ફિલ્મો આપી હતી. મહેબુબ ખાન, બિમલ રોય, કે. આસિફ, રાજ કપુર, વી, શાંતારામ, ગુરુદત્ત, કમાલ અમરોહી , ઋષિકેશ મુકરજી, બી. આર. ચોપરા, આસિત સેન, – વગેરેઓએ ઉત્તમ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. એ જ પંક્તિમાં માનથી બેસી શકે એવા નિર્દૈેશકોમાં સંજય લીલા ભણશાલીનું નામ અવશ્ય લઈ શકાય.
હાલમાં સંજય પાસે બે ફિલ્મોના પ્રોજેક્ટ છેઃ ગંગુબાઈ કાઠિયાવાડી અને બૈજુ બાૈવરા. ગંગુબાઈ કાઠિયાવાડીમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. લોકડાઉનને કારણે ફ્લ્મિનું કામકાજ અટક્યું છે. એ પૂરં થતાં જ બૈજુ બાવરાનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. વરસો પહેલા જાણીતા નિર્માતા – નિર્દેશક વિજય ભટ્ટે બૈજુ બાવરા ફિલ્મનું નિર્માણ કર્યુ હતું. જેમાં ભારત ભૂષણ, મીના કુમારીની મુખ્ય ભૂમિકા હતી. નૌશાદનું લાજવાબ સંગીત હતું, મધુર ગીતો હતા. બૈજુ બાવરા એ જમાનામાં એક સુપર- ડુપર હીટ ફિલ્મ હતી. આ ફિલ્મને અનેક એવોર્ડ મળ્યા હતા. આજે સાછ વરસ બાદ પણ એના ગીતો લોકોનાં હૈયે ને હોઠે વસી ગયા છે. તૂ ગંગા કી મૌજ મૈં જમના કા ધારા,,, ઓ દુનિયા કે રખવાલે, મન તરપત હરિ દરસન કો આજ, ..સંભવ છે કે સંજય લીલા ભણશાલીની નવી ફિલ્મ બૈજુ બાવરામાં પણ ઉત્કૃષ્ટ ગીત, સંગીત અને અભિનય પ્રેક્ષકોન માણવા મળશે. રણબીર કપુર સિવાય ફિલ્મના અન્ય કલાકારોનું ચયન હજી કરવામાં આવ્યું નથી.