સંજય લીલા ભણશાલીની મહત્વાકાંક્ષી ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ જુલાઈના અંતમાં શરૂ થશે.. 

 

         કોરોના અને લોકડાઉનને કારણે દેશના સંગ્ર ફિલ્મ – ઉદ્યોગનું કામકાજ બંધ છે. અનેક ફિલ્મોનું શૂટિંગ બંધ છે. નવી ફિલ્મોની જાહેરાતો અટકી પડી છે. મોટા બેનરની અનેક ફિલ્મો રિલિઝ થવાનું પણ ખોરવાઈ ગયું છે. પરિસ્થિતિ કયારે રાબેતા મુજબની થશે એની કોઈને જણકારી નથી. ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના મોટા કલાકાર- કસબી, ટેકનિશિયનો , કામદારો હાલ કામકાજ વગરના છે. અનેક લોકો બેકારીનો સામનો કરી રહ્યા છે. જાણીતા નિર્માતા – નિર્દેશક સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ પણ મુલત્વી રાખવામાં આવ્યું હતું. જે હવે પુન શરૂ થાય તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, જુલાઈના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ફિલ્મમાં ગંગુબાઈની ભૂમિકા પ્રતિભાસંપન્ન યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ ભજવી રહ્યા છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક તાજેતરમાં રિલિઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં કેમિયો રોલમાં બે સુપર- સ્ટાર જોવા મળશે. વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈની કલાકાર જોડી અજય દેવગણ અને ઈમરાન હાશ્મી  ગંગુબાઈમાં ફરીથી એકસાથે જોવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈમરાન હાશ્મીએ આ વર્ષની શરુઆતમાં જ આલિયા ભટ્ટ સાથે પોતાના હિસ્સાનું શૂટિંગ પૂરું કરી લીધું હતું. ફિલ્મમાં ગેન્ગસ્ટર કરીમ લાલાનું પાત્ર અજય દેવગણ ભજવવાના છે. સત્તાવાર ફિલ્મ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ ઓટીટી પર રિલિઝ નહિ કરવામાં આવે. ફિલ્મ થિયેટરમાં જનારા દર્શકો માટે જ બનાવવામાં આવી છે. સંજય અને તેમની ટીમ ફિલ્મને જેટલી બને તેટલી જલ્દીથી પૂરી કરવા માગે છે. ફિલ્મમાં આલિયા ભટ્ટની ભૂમિકા અતિ મહત્વની છે, પરંતુ તેની ભૂમિકાની આસપાસ આકાર લેતી વાર્તામાં અન્ય પાત્રો પણ એટલા જ મહત્વના છે.આથી સંજય લીલા ભણશાલી વાર્તાના પ્લોટ કે કોઈ પણ કલાકારની ભૂમિકા બાબત કશી બાંધછોડ કરવા માગતા નથી. તો પોતાની ફિલ્મને પોતાના દ્રષિટકોણથી એના તમામ રૂપ-રંગ સાથે પેશ કરવાનો મક્કમ ઈરાદો ધરાવે છે. આથી જ લોકડાઉન દરમિયાન પણ તેમણે પોતાની ફિલ્મના અન્ય વિભાગોનું કામકાજ અને તેનું પ્લાનિંગ નક્કી કરી લીધું હતું.